કાર્યવાહી:મિલ્ટન ઇન્ડ.માં ખેડૂતોની સબસિડીવાળું રૂ. 4.55 લાખનું યુરિયા ખાતર ઝડપાયું

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કડીના રાજપુરની નજીક ઇન્ડસ્ટ્રીમાં મહેસાણા ખેતી નિયામક - વિસ્તરણ વિભાગે ગેરરીતિ પકડી, ચાર શખ્સો સામે ફરિયાદ

મહેસાણા ખેતી નિયામક (વિસ્તરણ) વિભાગના અધિકારીઓની એક ટીમે 14 દિવસ અગાઉ કડીના રાજપુર ગામ સ્થિતિ મિલ્ટન ઇન્ડસ્ટ્રીઝમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં શંકાસ્પદ યુરિયા ખાતરના લેવાયેલા સેમ્પલમાં ખેડૂતોને મળતું સબસિડીવાળા ખાતરના ઉપયોગ થઇ રહ્યો હોવાનું ખુલ્યું હતું. વિભાગે ખાતરના જથ્થાના 2 સપ્લાયર સહિત 4 શખ્સો સામે નંદાસણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કડીના ખેતી અધિકારી ડી.ડી.સુથાર સહિતની ટીમે ગત 22 એપ્રિલના રોજ બપોરે પોણા ચાર વાગ્યાની આસપાસ રાજપુર ગામની મિલ્ટન ઇન્ડસ્ટ્રીઝની સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધર્યું હતું.

કંપનીના ગોડાઉનમાં રાખેલા યુરિયા ખાતરનો જથ્થો શંકાસ્પદ લાગતાં જથ્થાને સ્ટોપ સેલમાં મુક્યો હતો. 25 એપ્રિલે ગાંધીનગર લેબમાં મોકલેલા 3 નમુનાનો રિપોર્ટ 26 એપ્રિલએ મળ્યો હતો. ગોડાઉનમાં પડેલો ખાતરનો જથ્થો ઔદ્યોગિક વપરાશનો નહીં પરંતુ ખેડૂતોને સબસિડી સાથે અપાતા નીમ કોટેડ યુરિયા હોવાનું બહાર આવ્યું હતું.

જેને લઇ મહેસાણા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) એસ.એસ.પટેલ સહિતની ટીમે 30 એપ્રિલના રોજ કંપનીના સંચાલકોને લેબના રિપોર્ટ સાથે 3 દિવસમાં ખુલાસો આપવાની મર્યાદા સાથે શો-કોઝ નોટિસ ફટકારી હતી. રૂ. 4,55,227ની કિંમતનો 162.50 બેગ એટલે કે, 8125 કિલોગ્રામ સબસિડીવાળા ખાતરના જ જથ્થાને જપ્ત કરવાની કાર્યવાહી કરાઇ હતી. કલેક્ટરને પણ જાણ કરાઇ હતી. કંપનીને આપેલી શો-કોઝ નોટિસની મર્યાદ પૂરી થતાં 4 શખ્સો સામે જરૂરી ચીજ વસ્તુઓના અધિનિયમની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.

આ 4 સામે ફરિયાદ
1. અભયભાઇ મહિપાલસિંહ જૈન (કંપનીના ડાયરેક્ટર) રહે.પંચશીલ સોસાયટી, ઉસ્માનપુરા, અમદાવાદ)
2. નવીનચંદ્ર મોતીરામ પટેલ (કંપનીના કર્મચારી રહે.કાંસા એનએ, વિસનગર)
3. વિરેશ કનોજીયા (સપ્લાયર રહે.રમતુજીની ચાલી, વાડજ, અમદાવાદ)
4. મનોજભાઇ પટેલ (કંપનીને જથ્થો પૂરો પાડનાર રહે.ઇન્દિરાનગર, લાંબા, અમદાવાદ)

જથ્થો સપ્લાય કરતી કંપનીના માલિક સહિત 2 સામે ફરિયાદ
મિલ્ટન કંપની પર વિભાગના દરોડા બાદ કંપનીના ડાયરેક્ટર અભયભાઇ જૈનએ ખાતરનો જથ્થો સપ્લાય કરનાર 2 શખ્સો સામે 2 મેના રોજ અમદાવાદના નવરંગપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં સપ્લાયર વિરેશ કનોજીયા અને સપ્લાય કરનાર પટેલ્સ એન્ટરપ્રાઇઝના માલિક મનોજભાઇ પટેલ સામે આઇપીસી કલમ 406, 420 અને 120 બી હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...