• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • In Mehsana, The Woman Went To Get Down From The Moving Bus And Fell On The Ground, Daughter Said, 'The Driver's Carelessness Killed Her'.

સાવધાન, આવી ભૂલ જીવ લઈ લેશે:મહેસાણામાં વાતો વાતોમાં મહિલા ચાલુ બસે નીચે ઉતરવા ગઈ ને જમીન પર પટકાઈ, પુત્રીએ કહ્યું, 'ડ્રાયવરની બેદરકારીથી જીવ ગયો'

મહેસાણાએક મહિનો પહેલા

મહેસાણા શહેરની પાલવાસણા ચોકડી પાસે એક મહિલા પોતાની પુત્રી સહિત બસમાંથી ઉતરવા જઈ રહી હતી. ત્યારે મહિલા અચાનક બસ નીચે આવી જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેથી તેને સારવાર અર્થે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આ અંગે મૃતકની પુત્રીએ મહેસાણા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

માતા એકદમ રોડ ઉપર પડી ગયા હતા
પુત્રીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, હું અને મારી માતા મહેસાણા તોરણવાળી બજારમાં ખરીદી કરી પરત આવવાં સીટી બસ રુટ નંબર-8માં બેસ્યા હતા. બસ રાધનપુર ચાર રસ્તા, મોઢેરા ચાર રસ્તા થઈ જનપથ હોટલ પાલાવાસણા નજીક આવી હતી. જેથી હું અને માતા જનપથ હોટલ પાલાવાસણા નજીક ઉતરવા માટે સીટ ઉપરથી ઉભા થઈ બસના દરવાજા પાસે આવી ઉભા રહ્યા હતા. દરમિયાન બસ ડ્રાયવરે પણ બસ સાઈડમાં કરી હતી. ત્યારે માતા બસમાંથી ઉતરવા જતાં એકદમ રોડ ઉપર પડી ગયા હતા અને હું પણ તેમની પાછળ તરત જ બસમાંથી ઉતરી હતી. આ વખતે બસ ચાલકે પણ પોતાની બસ ઉભી રાખી હતી અને રોડ ઉપર પડેલી માતાને નાકમાંથી તથા મોઢામાંથી લોહી નીકળવાં લાગ્યું હતું. જેથી તેને સિવિલ હોસ્પિટલ મહેસાણા ખાતે સારવાર અર્થે લાવ્યા હતા. જ્યાં સારવાર કરનારા ડોક્ટરે માતાને મૃત જાહેર કરી હતી.

મૃતકની દીકરીએ ફરિયાદ નોંધાવી
આ બનાવ અંગે મૃતકની પુત્રીએ સીટી બસ નંબરના ચાલક વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ, ડ્રાયવરે મહિલા અને તેની પુત્રી દરવાજાથી ઉતરતા હતા. તે સમયે બસ ગફલત ભરી રીતે હંકારી હતી અને બન્ને પેસેન્જર ઉતરતાં હોવાનું જાણવા છતાં પોતાની બસ વ્યવસ્થીત રીતે ઉભી નહી રાખી, બસમાંથી ઉતરતી વખતે ફરીયાદીની માતા રોડ ઉપર પડી જવાથી માથાના ભાગે ગંભીર ઈજા થવાથી સારવાર દરમ્યાન મોત થયું હતું. જેથી રુટ નંબર-8 ની સીટી બસ નંબર- (GJ-18-BT-7183)ના બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ભાસ્કર અપીલ : મુસાફરોએ ચાલુ બસમાં ચડવું કે ઉતરવું જોઈએ નહીં
મુસાફરો દ્વારા બસમાં ચડતી કે ઉતરતી વખતે કરાતી એક કે બે મિનિટની ઉતાવળ મોટાભાગના કિસ્સાઓમાં મોતમાં પરિણામતી હોય છે. ત્યારે મુસાફરો બસ કે પછી કોઈપણ ચાલુ વાહનમાં ઉતરવું કે ચડવું ના જોઈએની ભાસ્કર દ્વારા મુસાફરો અને તેમના પરિવારજનોના હિતમાં એક જાહેર અપીલ કરવામાં આવે છે. કેમકે કોઈ પણ એક વ્યક્તિ તો એની ઉતાવળ અને પરિણામ આખા પરિવારની જીવનભર ભોગવવું પડતું હોય છે.

પૂર ઝડપે દોડતી સિટી બસો લોકોને નજરે પડે છે
મહેસાણા શહેરમાં નગરપાલિકા દ્વારા ચલાવવામાં આવતી સિટી બસો પૂર ઝડપે દોડતી હોવાના દ્રશ્યો અવારનવાર જોવા મળે છે. અધુરામાં પૂરું કોઈ શહેરીજન તેમને ટોકે તો ડ્રાઇવર ઝઘડો કરી બેસતા હોવાના દ્રશ્યો પણ નજરે પડતા હોય છે. ત્યારે પાલાવાસણા નજીક બનેલી આ ઘટનામાં સોઢા પરિવારના એક સભ્યનું કરુણ મોત નીપજતાં પરિવારજનોમાં શોકની લાગણી સાથે રોષ પણ પ્રસર્યો હતો.

મહિલા ચાલુ બસમાંથી ઉતરતાં સીસીટીવીમાં દેખાય છે : સીઓ
અકસ્માતની ઘટનાને લઈ પાલિકાએ સીટી બસમાં લગાવેલ સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ચાલુ બસમાંથી મહિલા મુસાફર ગાયત્રીબા ઉતરી રહ્યા છે અને એના લીધે આ અકસ્માતનો બનાવ બનવા પામ્યો છે.- અલ્પેશ પટેલ, ચીફ ઓફિસર

અન્ય સમાચારો પણ છે...