મહેસાણા જિલ્લામાં કોરોના મહામારીને લઇ પાછલા બે વર્ષ દરમિયાન અભ્યાસ માટે વિદેશ જવાના પ્રમાણમાં ઘટાડો થવાના કારણે બેકિંગ એજ્યુકેશન લોનમાં ત્રણ ગણો ઘટાડો નોંધાયો છે. કોરોના પહેલાં બેંકોના લક્ષાંકની સામે એજ્યુકેશન લોન લેનાર 24 ટકા હતા, જ્યારે કોરોનાના વર્ષમાં એજ્યુકેશન લોન લેવાનું પ્રમાણ ઘટીને માત્ર 7 ટકા આસપાસ પહોંચ્યું છે. આવી જ સ્થિતિ ઉદ્યોગ ધંધામાં એક્સપોર્ટ ક્રેડિટમાં સર્જાઇ છે. કોરોનાના કારણે પાછલા બે વર્ષ મોટાભાગે એક્સપોર્ટ ઠપ રહેતાં બેંકિગ એક્સપોર્ટ ક્રેડિટ પણ ફાળવેલા લક્ષાંકમાં તળિયે પહોંચી છે.
કોરોના પહેલાં એક્સપોર્ટ ક્રેડિટ ફાળવેલા લક્ષાંક સામે 13 ટકા આસપાસ રહેતી હતી, જે કોરોનાના વર્ષમાં ઘટીને લક્ષાંકના માત્ર 4 ટકા આસપાસ રહી છે. જોકે, સ્મોલ, મીડિયમ, માઇક્રો ઉદ્યોગો, હાઉસિંગ અને કૃષિલોન લક્ષાંકના 100 ટકાથી વધુ કોરોના પહેલાં અને કોરોના દરમિયાન પણ જળવાઇ રહી છે.નાણાંકીય વર્ષ 2019-20માં કોરોનાની શરૂઆત હતી ત્યાં સુધી બેંકોએ 1957 વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન લોન માટે રૂ. 88 કરોડનો લક્ષાંક નક્કી કર્યો હતો. જોકે, આ વર્ષમાં 419 વિદ્યાર્થીએ કુલ રૂ.21.91 કરોડની લોન મેળવી હતી. એટલે કે, બેંકોના લક્ષાંકના 24.91 ટકા એજ્યુકેશન લોન લીધી હતી.
જ્યારે વર્ષ 2020-21માં બેંકોએ એજ્યુકેશન લોન ટાર્ગેટ વધારી 2504 વિદ્યાર્થીઓ અને રૂ.122.56 કરોડનો પ્લાન તૈયાર કર્યો હતો. મહામારીને લઇ આ વર્ષમાં માત્ર 224 છાત્રોએ રૂ.1.16 કરોડની લોન લીધી હતી. જે 9.52 ટકા થવા જાય છે. ત્યાર પછીના વર્ષ 2021-22માં 2876 વિદ્યાર્થીઓ માટે રૂ. 140.93 કરોડ ફાળવવા પ્લાન કરાયો હતો. આ વર્ષે પણ કોરોના હોઇ માત્ર 724 છાત્રોએ રૂ.9.97 કરોડની એજ્યુકેશન લોન લીધી હતી. જે લક્ષાંકના માંડ 7.07 % છે. પાછલા 3 વર્ષથી એજ્યુકેશન લોન પાછળ રકમ ફાળવણી વધારી હોવા છતાં લોન લેનારનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે.
વર્ષ 2021-22માં સેક્ટરવાઇઝ લોનની ફાળવણી અને લીધી | |||
સેક્ટર | ફાળવણી | લોન લીધી | લક્ષાંક |
એગ્રીકલ્ચર | કુલ 485608 | 536678 | 110.52 ટકા |
એમએસએમઇ | 229497 | 281292 | 122.57 ટકા |
એક્સપોર્ટ ક્રેડિટ | 2924 | 134 | 4.58 ટકા |
હાઉસિંગ | 26561 | 57586 | 216.80 ટકા |
અન્ય | 21318 | 8416 | 39.47 ટકા |
કુલ | 780000 | 885103 | 113.47 ટકા |
(આંકડા લાખ રૂપિયામાં છે) |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.