ઉત્તર ગુજરાતમાં 7 દિવસ બાદ મંગળવારે લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી સુધી ઉંચકાયું હતું. તેમ છતાં મહેસાણા શહેર સહિત મુખ્ય 5 શહેરોમાં ઠંડીનો પારો 11 ડિગ્રીથી નીચે રહેતાં કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. મહેસાણામાં ઠંડી 10.4 ડિગ્રી નોંધાઇ હતી. પરંતુ તેનો અનુભવ માઉન્ટ આબુ જેવો રહ્યો હતો.
હવામાન વિભાગ મુજબ, આગામી 2 દિવસ દિવસ-રાતના તાપમાનમાં સામાન્ય વધ-ઘટ રહેશે. પરંતુ ઠંડીનો ચમકારો યથાવત રહેશે. ત્યાર બાદ લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઉંચકાતાં તાપમાન 13 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે. જેના કારણે કાતિલ ઠંડીથી છુટકારો મળી શકે છે.
ઉ.ગુ.માં ઠંડીનો પારો | |
મહેસાણા | 10.4 (+2.0) ડિગ્રી |
પાટણ | 10.1 (+1.9) ડિગ્રી |
ડીસા | 09.9 (+0.4) ડિગ્રી |
ઇડર | 10.1 (+1.6) ડિગ્રી |
મોડાસા | 10.7 (+1.1) ડિગ્રી |
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતાં છેલ્લા 3 દિવસથી મહેસાણામાં હાડ થિજાવતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. મંગળવારે દિવસનો પારો સામાન્યથી 3.1 ડિગ્રી નીચું રહેતાં 22.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાત્રિ દરમિયાન પારો સામાન્યથી 0.6 ડિગ્રી નીચો રહેતાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
સોમવાર સાંજે 6 વાગ્યાથી બીજા દિવસ સવારે 10 વાગ્યા સુધી 20 ડિગ્રીથી નીચા તાપમાનના કારણે સમી સાંજ બાદ રસ્તાઓ પર ટ્રાફિક આપમેળે ઘટી જાય છે. રાત્રે 9 વાગ્યા સુધી તોરણવાળી માતા ચોક, બીકે રોડ સહિતનાં જે બજારોમાં લોકોની અવરજવર રહેતી હોય છે, તે બજારમાં ઠંડીના કારણે જાણે કર્ફ્યૂ પડ્યો હોય તેમ સૂમસામ જણાતાં હતાં. જ્યારે ગુજરાતને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટમાં આજે પણ માયનસ 3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જેને લઇ વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.