નિર્ણય લેવાશે:મહેસાણામાં કેનાલ, આંગણવાડીના કામોના અંદાજથી ઊંચા ભાવ ખૂલ્યા

મહેસાણા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકામાં શુક્રવારે કારોબારી સમિતિની બેઠકમાં 4.58 કરોડના વિકાસ કામોનાં ટેન્ડરના ભાવો અંગે નિર્ણય લેવાશે

મહેસાણામાં તાવડિયા રોડ પર વરસાદી પાણીની કેનાલ બનાવવા, બેસવા બાંકડા ખરીદવા, ત્રણ આંગણવાડી કેન્દ્રો અને બીકે સિનેમા પાસે ફુવારાની જગ્યા ડેવલપ કરવાના કામ માટે પાલિકાએ અંદાજેલા ખર્ચ કરતાં ઊંચા ભાવ આવ્યા છે. 13મીએ મળનારી નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠકમાં કુલ રૂ.4.58 કરોડના કામોની એજન્સી નક્કી કરવા નિર્ણય લેવાશે.

મનોરંજન કર ગ્રાન્ટમાંથી તાવડિયા રોડ પર વરસાદી કેનાલ બનાવવાના કામ માટે ટેન્ડરના ત્રીજા પ્રયત્નમાં ઉમા સેલ્સના ભાવ પાલિકાના અંદાજ રૂ.49,47,760ની સામે પર્સન્ટેજ રેટ પ્રમાણે બે ટકા વધારી એટલે કે રૂ. 50,46,715ના ભાવ મંજૂર થઇ આવવાનું કામ બેઠકમાં લેવાશે. બાંકડા મુકવા કનુભાઇ જે. પટેલના ભાવ અંદાજ રૂ.4,99,453ની સામે 31.21 ટકા વધારે એટલે કે રૂ.6,55,332 મંજૂર થઇ સમિતિમાં આવ્યા છે.

બીકે સિનેમા પાસે ફુવારાની જગ્યા ડેવલપ કરવા એસ.બી. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભાવ અંદાજની રકમ રૂ.28,64,518ની સામે 8.07 ટકા વધારે એટલે કે રૂ.30,95,684ના ભાવ મંજૂર થઇ આવ્યા છે. ત્રણ જગ્યાએ આંગણવાડી કેન્દ્રોના મકાન બનાવવાના ટેન્ડરમાં પાલિકાના રૂ.20,88,792 ખર્ચના અંદાજ સામે ઉમા સેલ્સના ભાવ 7.99 ટકા વધારે એટલે કે રૂ.22,55,686 આવ્યા છે. પાલિકાએ નેગોસીએશન કરતાં એજન્સીએ 7.50 % વધારે ભાવથી કામગીરી કરવા જ સંમતી આપી છે.

સરકારી કાર્યક્રમોમાં મંડપ સહિતની જરૂરિયાતની વસ્તુઓ માટેની કામગીરીના ટેન્ડરમાં અંદાજ કરતાં એજન્સીના ભાવ 10.52 ટકા ઓછા એટલે કે રૂ. 26,84,212માં કામ કરવા તૈયારી દર્શાવી છે. પરાની વિવિધ ઓળોમાં સીસી રોડ કામના ટેન્ડરમાં એજન્સીના ભાવ 18.89 ટકા ઓછા એટલે કે રૂ.57,01,140ના ભાવ આવ્યા છે. સોસાયટીઓમાં સીસી રોડ, બ્લોકના કામ માટે પર્સન્ટેજ રેટ પ્રમાણે 23.65 ટકા ઓછા એટલે કે રૂ.1,80,24,898 ભાવ મંજૂર થઇ સમિતિમાં નિર્ણય માટે લેવાશે. ડોર ટુ ડોર કચરા માટે બે ટ્રીપર ખરીદવા એજન્સીએ રૂ.21,50,000 ભાવ રજૂ કર્યા છે.

ગેસ-વીજ જોડાણના અભાવે ખારી નદી સ્મશાનનું કામ વિલંબમાં
ખારી નદી કિનારે સ્મશાન ડેવલપ કરાઇ રહ્યું છે. જેમાં સાબરમતી ગેસ કનેકશન તથા જીઇબીનું લાઇટ કનેકશન મળેલું ન હોવાથી રોડ, બ્લોક, અન્ય ફિનિસિંગ કામો વિલંબિત થયા છે. ત્યારે કામની સમય મર્યાદા વધારી આપવા એજન્સીએ કરેલી રજૂઆત અંગે બેઠકમાં નિર્ણય લેવાશે.

અન્ય સમાચારો પણ છે...