તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:મહેસાણા જિલ્લામાં શિયાળુ સિઝનમાં 62.26% વાવેતર વિસ્તાર ઘટી શકે છે

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા અને ધરોઇ ડેમમાં પૂરતું પાણી ન હોઇ સિંચાઇ માટે મળવું મુશ્કેલ
  • 1,05,850 હેક્ટરમાં ઘઉં સહિતના શિયાળુ વાવેતર પર અસરના એંધાણ

મહેસાણા જિલ્લામાં ચોમાસાના અઢી મહિના નબળા રહેવાના કારણે 48% વરસાદની ઘટ વર્તાઇ રહી છે. જેને લઇ તળાવો હજુ ખાલી છે. જેની સીધી અસર ભૂગર્ભ જળસ્તર પડી રહી છે. બીજી બાજુ સરદાર સરોવર (નર્મદા) અને ધરોઇ ડેમમાં ઓછા જળસંગ્રહને લઇ પિયત માટે આપી શકાય તેવી શક્યતા ઓછી હોઇ તેની સીધી અસર જિલ્લામાં આગામી શિયાળુ વાવેતર સિઝન પર પડશે. પ્રાથમિક અંદાજ મુજબ, જિલ્લામાં 62% જેટલો શિયાળુ વાવેતર વિસ્તાર ઘટી શકે છે.

મહેસાણા જિલ્લાની સરેરાશ 1.70 લાખ હેક્ટર જમીનમાં શિયાળુ વાવેતર થતું હોય છે. તે પૈકી 80,850 હેક્ટર જમીનને સિંચાઇ માટે નર્મદાનું પાણી મળે છે. તેમજ અંદાજે 25 હજાર હેક્ટર જમીનને ધરોઇ ડેમમાંથી સિંચાઇનું પાણી અપાય છે. હાલમાં સરદાર સરોવરમાં કુલ 47.90% જળસંગ્રહ પૈકી 14.43% પાણીનો જથ્થો વપરાશલાયક છે.

બીજી બાજુ ધરોઇ ડેમમાં કુલ 32.52% જળસંગ્રહ પૈકી 26.41% પાણીનો જથ્થો વપરાશલાયક છે. બંને સ્ત્રોતમાં પાણીની નબળી સ્થિતિને લઇ સિંચાઇનું પાણી નહીં મળી શકે. જેને લઇ શિયાળુ સિઝનની 1.70 લાખ હેક્ટર જમીન પૈકી નર્મદા અને ધરોઇના પાણીથી સિંચાતી 1,05,850 હેક્ટર જમીન પ્રભાવિત થઇ શકે છે. એટલે કે, કુલ વાવેતર ના 62.26% વિસ્તારમાં શિયાળુ વાવેતર થવું મુશ્કેલ બન્યું છે.

સૌથી વધુ માઠી અસર ઘઉંના વાવેતર પર થઇ શકે છે
કૃષિ નિષ્ણાતના જણાવ્યા અનુસાર, જિલ્લામાં શિયાળુ વાવેતરમાં ઘઉંનો પાક મુખ્ય હોઇ તેનું વાવેતર પણ વધુ થતું હોય છે. ઘઉંના પાકને તૈયાર થવા તબક્કાવાર 7 પાણી આપવાં પડે છે. હાલની વરસાદની ખરાબ સ્થિતિને લઇ વધુ પાણીની જરૂરિયાતવાળા ઘઉંના પાકને માઠી અસર થશે. પરિણામે, સિઝનમાં ઘઉંનો વાવેતર વિસ્તાર ઘટશે.

અન્ય સમાચારો પણ છે...