આગામી ખરીફ ઋતુ શરુ થવાની તૈયારી છે. મે માસના અંત સમયે બીટી કપાસ સહીતના ખરીફ પાકોનુ વાવેતર શરુ થનાર હોવાથી મહેસાણા જિલ્લાના ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ અથવા પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવા નાયબ ખેતી નિયામકે જણાવ્યું હતું. નાયબ ખેતી નિયામકે જણાવ્યું કે, બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પૂરું નામ સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું સહી સાથેનુ બીલ અવશ્ય લેવું. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ? તેમજ તેની મુદત પૂરી થઈ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં.
ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા 4જી અને 5જી જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં તેમજ આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક મહેસાણાને તુરંત જાણ કરવા જણાવ્યું હતું. તેમજ વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ થેલી તેમજ તેનું બીલ પણ સાચવી રાખવા જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.