નવતર પ્રયોગ:મહેસાણામાં લાઇટબિલ મળે એ જ દિવસે ચૂકવણું કરતાં 18 જાગૃત ગ્રાહકોનું ઘરે જઇ સન્માન કરાયું

મહેસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
યુજીવીસીએલે ગ્રાહકોના ઘરે જઈને સન્માન કર્યુ - Divya Bhaskar
યુજીવીસીએલે ગ્રાહકોના ઘરે જઈને સન્માન કર્યુ
  • મહેસાણા સિટી-1 વિસ્તારમાં UGVCL દ્વારા રાજ્યમાં સૌપ્રથમ નવતર પ્રયોગ

મહેસાણા સિટી-1 વિસ્તારમાં 36 હજાર જેટલા વીજ ગ્રાહકો પૈકી 18 ગ્રાહકો એવા છે કે જે ઘરે વીજબિલ હાથમાં આવે કે તરત ઓનલાઇન ચૂકવણું કરી દે છે. છેલ્લા એક વર્ષ દરમિયાન વીજબિલ મળ્યાના પ્રથમ દિવસે જ ભરપાઇ કરનાર 18 ગ્રાહકોને અલગ તારવી વીજકંપનીના અધિકારી દ્વારા આ તમામ ગ્રાહકોના ઘરે જઇ સન્માનપત્ર આપી બહુમાન કરાયું હતું. મહેસાણા વિભાગીય કાર્યપાલક ઇજનેર વી.બી. પટેલ અને નાયબ ઇજનેર જે.પી. પ્રજાપતિના હસ્તે ગ્રાહકોને સન્માનપત્ર આપી બિરદાવાયા હતા.

અમારા માટે તો 10 દિવસમાં વીજ બિલ ભરનાર ગ્રાહક સન્માનિય
મહેસાણા પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેર જે.પી. પ્રજાપતિએ કહ્યું કે, વીજ બિલના 10 દિવસની મર્યાદામાં ગ્રાહકે બિલ ભરવાનું હોય છે. આ 10 દિવસમાં બિલ ભરનાર તમામ અમારા માટે સન્માનિય છે. બધાના ઘરે પહોંચી ન શકાય એટલે અમે બિલના દિવસે જ ભરનાર ગ્રાહકોને પ્રતિકરૂપે સન્માનનો કાર્યક્રમ આયોજીત કર્યો હતો. એક વર્ષ દરમિયાન, બિલ મળ્યાના 5 દિવસમાં બિલ ભર્યુ હોય એવા 1700 જેટલા ગ્રાહકો થતા હતા. ગ્રાહક સમયસર બિલ ભરતા હોય તો તેમનું સન્માન એ પણ અમારી ફરજ છે. આ ગ્રાહકલક્ષી અભિગમ છે. મોટાભાગે લોકો હવે ઓનલાઇન બિલ ભરતા થયા છે અને ઓનલાઇન બિલિંગને વેગ મળે એ પણ પ્રયાસ રહ્યો છે.

હું તો બધી ખરીદી ઓનલાઇન કરું છું, વીજ, ગેસબિલ ઓનલાઇન ભરીએ છીએ
સામાન્ય રીતે કોઇપણ વપરાશ, ખર્ચનું બિલ આવે એટલે પહેલા ભરો કે પછી ભરો આપણે ચૂકવવાનું તો થાય છે. જાણમાં બિલ આવે એટલે મોબાઇલ એપથી તરત ભરી લઇએ છીએ. ગેસ બિલ પણ આવી રીતે એ જ દિવસે ઓનલાઇન ચૂકવી દેવાની હવે ટેવ છે. ઊંઝામાં અમારા ઘરનું લાઇટબિલ પણ મહેસાણામાં જય બંગ્લોઝમાં બેઠા બેઠા ઓનલાઇન ભરતા આવ્યા છીએ. બજારમાં ખરીદી કરવા જઇએ તો રોકડા લઇ જતો નથી, ઓનલાઇન જ ખરીદી કરીએ છીએ તેમ સન્માનિત વીજ ગ્રાહક અશોકભાઇ ગાંધીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...