રહીશોને રાહત:મહેસાણામાં પેરેડાઇઝ સહિતની 12 સોસાયટીઓએ કામ અટકાવ્યું પછી મુખ્ય વરસાદી લાઇનમાં જોડાણ અપાયું

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાલિકાની આવતી લાઇનમાં જોડાણ આપવાનું કામ શરૂ કરાયું. - Divya Bhaskar
પાલિકાની આવતી લાઇનમાં જોડાણ આપવાનું કામ શરૂ કરાયું.
  • નાગલપુર હાઇવે પર અશોકા હોટલ પાછળની સોસાયટીના રહીશોને રાહત
  • વરસાદી લાઇનના કામમાં જૂની પાઇપો અને ચેમ્બર તોડી પૂરી દેવાતાં રહીશો ભડક્યા
  • નગરસેવક મારફતે તંત્રનો કાન પકડ્યો

મહેસાણા શહેરમાં નાગલપુર હાઇવે પર અશોકા હોટલ પાછળની પેરેડાઇઝ સહિતની 12 સોસાયટીઓને જોડતી વરસાદી પાણી નિકાલની પાઇપ લાઇનના કામમાં જુની પાઇપો અને મેઇન હોલ રાત્રે ખોદી પુરાણ કરી દેવાયાનું રહીશોના ધ્યાને આવતાં કામગીરી અટકાવી દીધી હતી. બાદમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા સોસાયટીની લાઇનને મેઇન લાઇનમાં જોડાણ અપાતાં મામલો થાળે પડ્યો હતો.

નાગલપુર હાઇવે પર અશોકા હોટલ પાછળ પેરેડાઇઝ, ઓમ શુભમ બંગ્લોઝ, ત્રિભુવન બંગ્લોઝ, ગંગાસાગર, કલ્પતરૂ સોસાયટી, પાર્થ સોસાયટી, શ્રી રામ સોસાયટી, વર્ધમાનનગર, તિરૂપતિ ટાઉનશિપ, આસોપાલવ બંગ્લોઝ, જય શ્રી રામ સોસાયટી અને મંગલેશ્વર સોસાયટી મળી 12 સોસાયટી આવેલી છે.

આ સોસાયટીઓના મુખ્ય ગેટ આગળ વરસાદી પાણી નિકાલની લાઇન નાંખી ચેમ્બર બનાવવાની કામગીરી કરાતી હતી. જેમાં અગાઉ પાલિકાએ ગટર અને વરસાદી પાણી નિકાલના પ્રશ્નોના કારણે સોસાયટીઓની લાઇનને મેઇન વરસાદી લાઇનમાં જોડાણ આપેલું હતું. ત્યાં નવી લાઇનમાં તે જૂની પાઇપો અને જીયુડીસીની મેઇન લાઇન તૂટી ગયા પછી મોડી રાત્રે પુરાણ કરી દેવાયું હતું.

તેમજ નવી લાઇનના જોઇન્ટ વચ્ચે સિમેન્ટ કે વોટરિંગ કર્યા વગર સીધી પાઇપ નાખી પુરાણ કરી દેવાતું હોઇ ચોમાસામાં ભૂવા પડવાની ભીતિ સાથે રહીશોએ કામ અટકાવ્યું હતું અને નગરસેવક મારફતે તંત્રને જાણ કરી હતી. આખરે સોસાયટીઓ તરફથી પાઇપ લાઇનને હાઇવેની મેઇન લાઇનમાં જોડાણ આપી સોસાયટીઓની અંદરની ચેમ્બરથી એક ટેન્કર પાણી છોડી તેનો હાઇવેની મેઇન લાઇનમાં નિકાલ થયાનું રવિવારે ટેસ્ટિંગ કરાતાં રહીશોએ હાશકારો લીધો હતો.

સુવેજ કૂવા બનાવવાના કામમાં વેઠ ઉતારી
તિરૂપતિ ટાઉનશિપમાં રહેતા પૂર્વ કોર્પોરેટર વિષ્ણુ પટેલે કહ્યું કે, વરસાદી પાણી નિકાલ માટેનો 20 ફૂટનો સુવેજ કૂવો બનાવવામાં ક્વોલિટી કામ થયું નથી. કુંડી બનાવી ત્યાં સીએનજી, પીએનજી લાઇન અને બે પાઇપો છે. આથી વરસાદી પાણી નિકાલ થવામાં મુશ્કેલી સર્જાઇ શકે છે. રહીશ દશરથ પટેલે કહ્યું કે, સોસાયટીની લાઇનને જોડાણ નહીં કર્યાનું ધ્યાને આવતાં જાણ કરી હતી, હવે જોડાણ આપી પાણીનું ટેસ્ટિંગ કરાયું છે.

સોસાયટીની પાઇપ લાઇનનું કામ પાલિકાનું
માર્ગ અને મકાન વિભાગના સૂત્રોએ કહ્યું કે, હાઇવે પર વરસાદી પાણી નિકાલની લાઇન નાંખવાની હોય છે. સોસાયટીઓથી પાઇપ લાઇનનું કામ પાલિકાનું હોઇ તેમના ઇજનેરને જાણ કરતાં જોડાણ માટે થોડો ટુકડો બાકી હોઇ તે પાઇપલાઇન મેન હોલ સુધી લાવી આપતાં જોડાણ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...