રજૂઆત:દૂધસાગર ડેરીમાં રૂ. 280 કરોડના ખર્ચે નવો પાવડર પ્લાન્ટ બનાવવાનો નિર્ણય રદ કરો

મહેસાણા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
દૂધસાગર ડેરી - ફાઈલ તસવીર - Divya Bhaskar
દૂધસાગર ડેરી - ફાઈલ તસવીર
  • બિનજરૂરી રોકાણ કરવાથી છેવટે દૂધઉત્પાદકો ઉપર જ આર્થિક ભારણ વધી જશે
  • ​​​​​​​દિલ્હી સ્થિત ડેરીમાં​​​​​​​ દૂધ વિતરણનો જથ્થો વધારવા ડિરેક્ટરની ચેરમેનને રજૂઆત

મહેસાણા દૂધસાગર ડેરીના નિયામક મંડળ દ્વારા રૂ. 280 કરોડના ખર્ચે નવો પાવડર પ્લાન્ટ બનાવવાનો ઠરાવ કરીને ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. હાલ ડેરીને પાવડર પ્લાન્ટની કોઇ જરૂરીયાત નથી અને બિન જરૂરી રોકાણ કરવાથી છેવટે તો દૂધ ઉત્પાદકો પર જ આર્થિક બોજનું ભારણ વધવાનું છે. ત્યારે પાવડર પ્લાન્ટનો નિર્ણ રદ કરતો ઠરાવ કરવાની ડેરીના ડિરેક્ટર કમલેશભાઇ પટેલ દ્વારા માંગ કરીને દિલ્હીમાં દૂધ વિતરણનો જથ્થો વધારવા ડેરીના ચેરમેનને રજૂઆત કરાઇ છે.

મહેસાણા દૂધ સાગર ડેરીના ડિરેક્ટર વિજાપુર અશનાપુરના કમલેશભાઇ પટેલે ચેરમેન અને વાઇસ ચેરમેન સમક્ષ લેખિતમાં પાવડર પ્લાન્ટ બનાવવાનો નિર્ણય રદ્દ કરવા વિંનતી સાથે માંગણી કરાઇ છે. જેમાં તેમણે કહ્યું કે, ગુજરાત મિલ્ક માર્કૈટિંગ ફેડરેશન એક બાજુ દૂધસાગર ડેરીની દિલ્હી સ્થિત ધારૂહેડા અને માનેસર બંન્ને દૂધ પ્લાન્ટની ક્ષમતાનો પુરો ઉપયોગ કરતું નથી અને બીજી બાજુ જો એજ ડેફરેશન દૂધસાગર ડેરીને નવો પાવડર પ્લાન્ટ બનાવવાની સહાલ આપતું હોય તો એનો અર્થ થાય કે ફેડરેશન દૂધસાગર ડેરીને એટલે કે મહેસાણા જિલ્લાના દૂધ ઉત્પાદકોને હજુ પણ અન્યાય ચાલુ રાખવા માંગે છે.

ભૂતકાળમાં દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી ફેડરેશનના ચેરમેન હતા. ત્યારે દિલ્હીમાં ફેડરેશન તરફથી દૈનિક 32 લાખ લીટર દૂધ વેચવામાં આવતું હતું. આ પૈકી 16 લાખ લીટર દૂધ દિલ્હી સ્થિતિ મહેસાણાની બંન્ને ડેરીઓ માનસગાર અને મોતીસાગર ડેરીનું દૂધ વેચવામાં આવતું હતું. દર વર્ષે આ જથ્થામાં વધારો કરવાને બદલે ઘટાડો કરી તે મહેસાણા ડેરીને ભારે અન્યાય કરીને દૂધ ઉત્પાદકોને નુક્સાન પહોચાડ્યું.

આ ઉપરાંત ગુજરાતની અન્ય ડેરીઓના દૂધની પ્રક્રિયા દિલ્હી અને આજુબાજુના ખાનગી પ્લાન્ટોમાંથી કરાવીને મહેસાણાની ડેરીઓને એ કામ પણ ન આપ્યું હવે નવો પાવડર પ્લાન્ટ બનાવવા પાછળ મેઇન્ટેનન્સ ખર્ચ, ગોડાઉનનો ખર્ચ, એમાં રોકાઇ રહેતી મૂડીનું વ્યાજ, વીમો વગેરે ખર્ચાઓ વધવાના છે. પાવડર તો તાત્કાલિક વેચાણ થાય અથવા ન પણ થાય. ત્યારે એના બદલે દિલ્હી સ્થિત મહેસાણાની બંન્ને ડેરી પ્લાન્ટની પૂરતી ક્ષમતા છે અને દિલ્હીની અમૂલ દૂધની ડિમાન્ડ પણ ખૂબ મોટી છે.

તો આગામી તા 14 જૂને મળનાર મહેસાણા દૂધસાગર ડેરી સંઘની વાર્ષિક સાધારણ સભામાં અગાઉ કરેલા પાવડર પ્લાન્ટના ઠરાવને રદ કરતો ઠરાવ કરવો અને આ અંગે કરેલી કાર્યવાહી પણ રદ કરતો ઠરાવ કરી દિલ્હીના દૂધના જથ્થામાં વધારો કરવાની ફેડરેશન પાસે માંગણી કરવાનો અન્ય ઠરાવ પ્રમુખ સ્થાનેથી દરખાસ્ત મૂકીને કરીને કરવા દૂધ ઉત્પાદકોના હિતમાં માંગણી કરાઇ છે. ડિરેક્ટર કમલેશભાઇ પટેલે કહ્યું કે, હાલ દિલ્હીમાં બે અને મહેસાણામાં એક પાવડર પ્લાન્ટ કાર્યરત છે એટલે નવા પ્લાન્ટની જરૂરીયાત ન હોઇ નિર્ણય રદ્દ કરવા વિનંતી કરી છે.

મહેસાણામાં નાના પ્લાન્ટ 35 વર્ષ જુના, શિયાળામાં વધુ 6 લાખ લીટર દૂધ પાવડર બનાવા ખાનગી પ્લાન્ટમાં મોકલવુ પડ્યુ: ચેરમેન
દિલ્હીમાં મહેસાણા ડેરીનો એકપણ પાવડર પ્લાન્ટ નથી, મહેસાણામાં 30-30 ટન ક્ષમતાના ચાર પાવડર પ્લાન્ટ 30 થી 35 વર્ષ જુના થયેલા છે.આવામાં જુનો કોઇ પ્લાન્ટ બગડે તો શુ સ્થિતી સર્જાય.બીજુ શિયાળામાં દૂધની આવક વધુ રહે છે,જેમાં 6 લાખ લીટર દૂધ પાવડર બનાવવા ખાનગી પ્લાન્ટમાં મોકલવુ પડ્યુ તેનો ખર્ચ થાય છે.વધુ દૂધ ઉત્પાદન થાય ત્યારે તેનો પાવડર બનાવી 18 મહિના સાચવી શકાય છે.ફેડરેશન સાથે પરામર્શ કરીને જરૂરીયાત હોઇ નવા પાવડર પ્લાન્ટ માટે આયોજન કરાયુ છે તેમ દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરીએ કહ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...