તસ્કરોનો તરખાટ:વડનગરના બાદરપુર ગામમાં પાંચ દુકાનનાં તાળાં તૂટ્યાં, ચોરોએ દુકાનના સીસીટીવી કેમેરા પણ તોડી પાડ્યા

મહેસાણા15 દિવસ પહેલા
  • પાંચ દુકાનમાંથી કુલ 48 હજાર 950 રૂપિયાની મત્તાની ચોરીની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ
  • સમગ્ર ઘટના cctvમાં કેદ થઈ, તસ્કરોએ લોખંડના સળિયા વડે શટરનાં તાળાં તોડ્યાં

જિલ્લાના વડનગરના બાદરપુર ગામમાં એકસાથે પાંચ દુકાનનાં તાળાં તૂટ્યાં હતાં. જો કે હાલમાં પોલીસ મથકે ફરિયાદીએ રૂા. 48 હજાર 950ના મુદ્દામાલની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમાં વડનગરના બાદરપુર ગામે ચાર દિવસ પહેલા 11 નવેમ્બરની રાતે સંતોષ કોમ્પ્લેક્ષમાં આવેલી પાંચ જેટલી દુકાનમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો.

શિયાળાની શરૂઆત થતાં જ રાત્રી દરમિયાન જિલ્લામાં ચોરીના ગુનાઓ પોલીસના ચોપડે નોંધાવાની શરૂઆત થઈ ગઈ છે. આવી જ એક ઘટનાના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં આવેલા વડનગરના બાદરપુર ગામે ચાર દિવસ પહેલા 11 નવેમ્બરની રાતે સંતોષ કોમ્પ્લેક્ષમાં આવેલી પાંચ જેટલી દુકાનમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. જેમાં ત્રણ જેટલા ચોરોએ રાત્રીના 1 વાગ્યાની આસપાસના સમય ગાળા દરમિયાન કોમ્પ્લેક્ષમાં પ્રવેશ કર્યો હતો.

બાદરપુર ગામે બનેલી ચોરીની ઘટનામાં 11 નવેમ્બરની રાત્રીના 1 કલાકે ત્રણ જેટલા તસ્કરો ચોરી કરવા આવ્યા હતા. જ્યાં ચોરો એક લોખંડના મોટા સળિયા વડે દુકાનના શટર તોડતા કેમેરામાં કેદ થયા હતા. બાદમાં ચોરોએ દુકાનમાં પ્રવેશ કરી cctv કેમેરા પણ તોડી પાડ્યા હતા. એક દુકાનમાંથી તસ્કરોએ લાકડાના ટેબલમાં પડેલી રોકડ રકમ રૂા. 25 હજાર ચોરી, તે દુકાનના સીસીટીવી કેમેરાને પણ નુકશાન પહોચાડ્યું હતું. બાજુમાં આવેલી એક દુકાનમાં પણ રૂપિયા 800ની ચોરી થઈ હતી. ત્યારબાદ મોબાઇલ પોઇન્ટ નામની દુકાનમાંથી તસ્કરો સેમસંગના ત્રણ જેટલા મોબાઇલ અને 1000 રૂપિયા ચોરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

ચોરોએ અલમાસ ઇલેક્ટ્રિક સાયકલ નામની દુકાનમાંથી 5300 રૂપિયા ચોરી કરી હતી. તેમજ અન્ય એક દુકાન હીરાની પાર્લર તેમજ કાપડની દુકાનને પણ નિશાન બનાવી હતી. તે દુકાનોમાં પણ તસ્કરો રોકડ રકમ રૂપિયા 4700 ઉઠાવી ગયા હતા. જો કે હાલમાં પાંચ દુકાનમાંથી કુલ 48 હજાર 950 રૂપિયાની મત્તાની ચોરીની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...