બે વર્ષે કોરોનાને કારણે ગુજરાતમાં ગરબા બંધ રહ્યા હતા, પરંતુ આ વર્ષે ગુજરાતીઓને ગરબાની રમઝટ માણવા મળશે. ત્યારે વિદેશી ધરતી પર અત્યારથી જ ગરબાની શરૂઆત થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતી પરિવારો દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા ગુજરાતીઓએ જાણીતા સિંગર સાગર પટેલના તાલે ગરબાની રમઝટ બોલાવી હતી.
વિદેશની ધરતી પર સંસ્કૃતિ જીવંત રાખવાનો પ્રયાસ
નવરાત્રિને હજી વાર છે, પરંતુ ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ જાણે ગરબાના તાલે ઘૂમવા આતુર હતા. ત્યારે બ્રિસ્બેનમાં વસતા ગુજરાતી પરિવારો દ્વારા નવરાત્રિ પહેલાં પ્રી-ગરબા ઈવેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાતના જાણીતા સિંગર સાગર પટેલે ગુજરાતીઓને ગરબા રમાડ્યા હતા. મોટી સંખ્યામાં ગુજરાતીઓ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ગરબા રમવા આવી પહોંચ્યા હતા.
દર વર્ષે ઓસ્ટ્રેલિયામાં ગરબાનું આયોજન કરાય છે
ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી સંસ્કૃતિ જીવંત રાખવાનો ગુજરાતી સમાજનો પ્રયાસ અનોખો છે. માત્ર ઓસ્ટ્રેલિયા જ નહિ, અમેરિકા, યુકે, ઓમાન, આફ્રિકા જેવા દેશોમાં વસતા ગુજરાતીઓ પણ સમયાંતરે ગરબા કાર્યક્રમોનું આયોજન કરતા રહે છે. જેથી તેઓ પોતાના વતનના તહેવારોથી દૂર ન રહે. આશિષ પટેલ અને જય ગજાનન ગ્રુપ દ્વારા દર વર્ષે ઓસ્ટ્રેલિયામાં ગરબા રમઝટનું આયોજન કરાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.