કોરોના વકર્યો:અનલોક પછી એક જ દિવસમાં કોરોનાના 36 કેસ, 36 કેસ પૈકી 14 કેસ મહેસાણાના

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગામડાઓ કરતાં શહેરી વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધ્યું
  • મહેસાણા 14,કડીમાં 7,ઊંઝામાં 8,વિસનગરમાં 2,વિજાપુરમાં 2,જોટાણામાં 2 અને બહુચરાજીમાં 1 પોઝિટિવ

અનલોક પછી મહેસાણા જિલ્લામાં સૌથી વધુ 36 કેસ ગુરુવારે નોંધાયા હતા.જેમાં મહેસાણા 14 કડીમાં 7,ઊંઝામાં 8,વિસનગરમાં 2,વિજાપુરમાં 2,જોટાણામાં 2 અને બેચરાજીમાં 1 પોઝિટિવ કેસ આવતા તમામને આઇસોલેટ કર્યા હતા.આરોગ્ય તંત્રના કહેવા મુજબ હવે કરોના કેસો વધ્યા છે અને તેને અટકાવવા મુશ્કેલ બન્યુ છે.કોરોના હોટ સ્પોટ એવા મહેસાણામાં સૌથી વધુ 14 વ્યક્તિઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

જે લોકો આ દર્દીઓના સંપર્કમા આવ્યા હતા તે 1500થી વધુને ક્વોરન્ટાઇન કરવા તજવીજ હાથ ધરી હતી. જ્યારે 7 મામલતદારે જાહેરનામુ પ્રસિધ્ધ કરી સંક્રમિત વિસ્તારોને કન્ટેટમેન્ટમાં મુક્યા હતા.વિજાપુરના રણાસણ ગામના 18 વર્ષના યુવકને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આઇસોલેટ કરાયો હતો.જ્યારે કડીના કરણનગરમાં 5 વ્યક્તિઓ સંક્રમિત થયા છે.જિલ્લામાં ગુરૂવારે 112 જેટલા કોરોનાના લક્ષણો ધરાવતા વ્યક્તિઓના સેમ્પલ લેવાયા હતા જેનો રિપોર્ટ પેન્ડિંગ છે અને હાલમાં 348 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે ત્યારે 9 દર્દીઓ સ્વસ્થ થતા રજા અપાઈ હતી.નોંધનીય છેકે,ગુરૂવારે જિલ્લામાં આવેલા પોઝિટિવ કેસોમાં શહેરમાં 20 અને ગામડાઓમા 16 દર્દીઓ સંક્રમિત છે ત્યારે શહેરી વિસ્તારમા સંક્રમણ વધ્યુ છે.

જિલ્લામાં 16 વૃદ્ધો સંક્રમિત થયા
કહોડામાં 3 વૃધ્ધોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તમામને હોસ્પિટલમાં આઇસોલેટ કરાયા છે.ગુરૂવારે આવેલા કેસોમાં સૌથી વધુ 16 વૃધ્ધોનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે ડાયાબીટીસ, બીપી સહિતની બીમારી સંબંધે માહિતી મેળવી ક્યાંથી સંક્રમિત થયા તે સંબધે વિગતો મેળવવા તજવીજ કરી હતી.

CISFના વધુ 3 જવાનો સંક્રમિત થતાં દોડધામ
પાલાવાસણા સીઆઇએસએફના કોરોના સંક્રમિત જવાનોનો ચેપ અન્ય જવાનોને પણ લાગ્યો છે.વધુ 3 જવાનો સંક્રમિત બન્યા છે.જ્યારે મહેસાણાની સત્તાધાર સોસાયટીમાં એક જ ઘરના 3 સભ્યો, દ્વારકાપુરી સોસાયટીમાં એક જ ઘરમાં 2, ઓએનજીસી કોલોનીમાં એક જ ઘરમા 2 અને એસટી વર્કશોપ રોડ પર આવેલ વીરનગર સોસાયટીમાં એક જ ઘરમા 2 વ્યક્તિઓ સંક્રમિત થયા છે.

સાંઇ ક્રિષ્ણામાં દર્દીઓની સારવાર પાછળ સાડા ત્રણ કરોડ ખર્ચાયા : નાયબ મુખ્યમંત્રી
કોરોનામાં રાજ્ય સરકારને ટેક્સ બંધ રહેતા 20 હજાર કરોડની આવકમાં ગાબડું પડવા છતાં છ લાખ કર્મચારીઓને પગાર સમયસર આપ્યો છે .કોરોનાએ સરકારનનો ખર્ચ પણ વધારી દીધો છે.હમણાં જ મહેસાણાની સાઈ ક્રિષ્ણા હોસ્પિટલ નું રૂપિયા સાડા ત્રણ કરોડનું બિલ જિલ્લા કલેકટરથી આવ્યું છે, દર્દીઓની સારવાર પાછળ આટલો ખર્ચ થયો છે તેમ મહેસાણામાં આયોજિત એક કાર્યક્રમમાં નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઈ પટેલે કહી ને હજુ કોરોના રાક્ષસ ગયો નથી, સંક્રમણ ન થાય તે માટે સંભાળ રાખી ને કામકાજ કરવા જણાવ્યું હતું.

કોવિડ કર્મચારીઓના હોટલના રૂમોનું 3 મહિનાનું ભાડુ ચુકવાયું નથી
કોવિડ હોસ્પિટલમાં હાઇ રિસ્ક વોર્ડમા ફરજ બજાવતા તબિબ, નર્સોને રહેવા માટે મહેસાણાની 3 હોટલોમાં કરાવેલી વ્યવસ્થા વચ્ચે 3મહિનાથી ના ચૂકવાયેલા રૂમના ભાડાને લઇને વિવાદ ઉઠ્યો છે.ગુરૂવારે કલાકોની મથામણ વચ્ચે ગ્રાન્ટમાંથી કેટલીક રકમ આપવા વિચારણા કરાઇ હતી ભાડુ ન ચુકવાય તો શુક્રવારે સવારે 10 વાગ્યાથી રૂમ ખાલી કરવાની પણ કડકાઇ હોટલ માલિકો દ્વારા અપનાવાઇ હોવાનુ જાણવા મળ્યુ છે.

મહેસાણા કોવિડ સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલમાં ટ્રોમા અને આઇસીયુમા ફરજ બજાવતા તબીબો અને નર્સોને રહેવા માટે મહેસાણાની માલગુડી,કન્ફોટીન અને અતિથી હોટલમાં વ્યવસ્થા કરાઇ હતી.જોકે, છેલ્લા 3 મહિનાથી હોટલના રૂમોનુ ભાડુ ના ચૂકવાતા હોટલ માલિકોએ શુક્રવાર સુધીમાં બીલ ચુકવવા આપેલા અલ્ટીમેટમને પગલે સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દોડતા થઇ ગયા હતા.વ્યવસ્થાના ભાગરૂપે પેમેન્ટ આપવુ જરૂરી હોઇ કલાકોની ચર્ચા ચાલી હતી જેમા જાણવા મળ્યા મુજબ કોવિડ હોસ્પિટલના અધિકારી અને પૂર્વ સિવિલ સર્જન હર્ષદભાઇ પરમારે પણ મધ્યસ્થી કરવી પડી હતી.

ગ્રાન્ટમાંથી બીલના નાણા ચુકવવાની હિલચાલી વચ્ચે સમગ્ર બાબતે મહેસાણા સિવિલ સર્જન પ્રિતીબેન શાહ સાથે વાતચીત કરતાં તેમને કામમા છુ તેમ કહીને ફોન કટ કરી દીધો હતો.જોકે, એક હોટલ માલિકે કહ્યુ કે, માનવતાના ધોરણે બીલ બાકી રાખવુ પડે પરંતુ હાલના સંજોગો જોતા 3 મહિનાનુ ભાડુ ન મળતાં વાત કરી હતી અને શુક્રવારે બીલ ચુકવી દેવાનુ પણ કહેવાઇ ગયુ છે.

અન્ય સમાચારો પણ છે...