નગરપાલિકા વ્યસ્ત:8 મહિનામાં ગેરકાયદે બાંધકામની 160ને નોટિસ આપી પણ રેગ્યુલરાઇઝ માટે એકે અરજી ન આવી

મહેસાણા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • સરકારે 17 ઓક્ટોબરથી 4 મહિનામાં ગેરકાયદે બાંધકામો નિયમિત કરવા તક આપી છે
  • હજુ એક મહિનો થયો છે, ચૂંટણી બાદ પાછલા અઢી મહિનામાં ધસારો રહેશે : પાલિકા

રાજ્યના શહેરી વિસ્તારોમાં બિનઅધિકૃત બાંધકામો નિયમો મુજબ રેગ્યુલરાઇઝ કરી આપવા માટેની અરજીઓ સ્વીકારવાનું ગત 17 ઓક્ટોબરથી શરૂ થયું છે. જેનો એક મહિનો થવા છતાં મહેસાણા શહેરમાંથી હજુ એકપણ આવું બાંધકામ રેગ્યુલરાઇઝ કરવા માટેની અરજી નગરપાલિકાને મળી નથી. બીજી તરફ, શહેરમાં છેલ્લા 8 મહિનામાં ગેરકાયદે 160 જેટલાં બાંધકામો, દબાણો મામલે નગરપાલિકા નોટિસો આપી ચૂકી છે. જોકે, ફેબ્રુઆરી સુધીનો સમય હોઇ ઇમ્પેક્ટ ફીથી બાંધકામ રેગ્યુલર કરાવવાની અરજીઓ આવશે તેમ સૂત્રોનું માનવું છે.

હાલ વિધાનસભા ચૂંટણીનો ગરમાવો જોર પકડી રહ્યો છે. નગરપાલિકા તંત્ર પણ ચૂંટણીને લગતી સોંપાયેલી કામગીરીમાં અધિકારીઓ, કર્મચારીઓ વ્યસ્ત થયા છે. બીજી તરફ 1લી ઓક્ટોબર 2022 પહેલાં થયેલાં ગેરકાયદે બાંધકામો નિયમને આધિન રેગ્યુલરાઇઝ કરાવવા 17 ઓક્ટોબરથી ચાર મહિના સુધી અરજી સ્વીકારવામાં આવનાર છે.

જેનો એક મહિનો વીતી ગયો પણ હજુ પાલિકામાં ગેરકાયદે બાંધકામ રેગ્યુલરાઇઝ માટેની એકપણ અરજી આવી નથી. બીજી તરફ, નગરપાલિકા દ્વારા ફેબ્રુઆરીથી ઓક્ટોબર દરમિયાન માર્જીનમાં બાંધકામ, શેડ, ઓટલા, રહેણાંકમાં કોમર્શિયલ વગેરે બાંધકામો, દબાણો અંગે 160 જેટલા લોકોને નગરપાલિકાથી નોટિસો આપી છે.

આ પૈકી નિયમિત બાંધકામ થઇ શકે એવા અરજદારો ઇમ્પેક્ટ ફીથી બાંધકામ નિયમિત કરાવવા તૈયારી કરી રહ્યા છે, પણ હજુ એક પણ અરજી નોંધાઇ નથી. જોકે, નગરપાલિકાની ટીપી શાખામાં બાંધકામ રેગ્યુલરાઇઝ માટે માર્ગદર્શન પૂછપરછ માટે ધસારો શરૂ થયો છે અને નગરપાલિકાના માન્ય એન્જિનિયરનો સંપર્ક કરી આવા અરજદારો ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં લાગ્યા છે. આગામી 8 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ છે, ત્યાં સુધી ઇમ્પેક્ટ ફીથી બાંધકામ રેગ્યુલરાઇઝમાં ધસારો ઓછો રહેશે ત્યાર પછી અરજી વધી શકે છે.

અન્ય સમાચારો પણ છે...