ઉત્તર ગુજરાતમાં મંગળવાર ગરમ લાહ્ય પવન ફૂંકાતાં ગરમી ત્રણેક ડિગ્રી વધી હતી. તાપમાન 38 થી 40 ડિગ્રીની વચ્ચે પહોંચતાં ફરી એકવાર શરીર સેકાતી ગરમીનો અનુભવ થયો હતો. મહેસાણામાં છેલ્લા 24 કલાકમાં જ ગરમીનો પારો અઢી ડિગ્રી ચડ્યો હતો અને 39.5એ પહોંચી ગયો હતો. જેને લઇ અસહ્ય ઉકળાટનો કહેર પણ વર્તાયો હતો.
દિવસભરની ઉકળાટ અને ગરમીનું જોર મોડી સાંજ બાદ ઘટ્યું હતું. ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક વાદળાં રહ્યાં હતાં. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ચારેક દિવસ સુધી આંશિક વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જો કે, દિવસના તાપમાનમાં સામાન્ય ઉતાર-ચડાવ થઇ શકે છે.
થરાદમાં ગરમીના કારણે તરફડીને પક્ષીનું મોત
થરાદમાં ફાયર સ્ટેશનની આગળ સોમવારની બપોરના સમયમાં વધુ ગરમી હોવાના કારણે નાના બે પક્ષી બેભાન હાલતમાં જોવા મળતાં ફાયર ઓફિસર વિરમ રાઠોડે તરત જ તેના પર પાણીનો છંટકાવ અને પાણી પીવડાવીને મિનિ ફાયરમાં સહી સલામત મુક્યાં હતાં. જોકે, તેમાંથી પણ તેમાંથી એક પક્ષી મરી ગયું હતું. ફાયર ઓફિસરે પક્ષીઓ માટે પાણીનાં કુંડા કે બીજી વ્યવસ્થા કરવા અપીલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.