નગરપાલિકાની કામગીરી:હરસિદ્ધ સોસાયટીના બિલ્ડિંગની ગેરકાયદે દીવાલ તોડી પડાઇ

મહેસાણા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
હરસિદ્ધ હાઉસિંગમાં ગેરકાયદે બાંધકામ પાલિકાની ટીમે તોડવાનુ શરૂ કર્યું હતું. - Divya Bhaskar
હરસિદ્ધ હાઉસિંગમાં ગેરકાયદે બાંધકામ પાલિકાની ટીમે તોડવાનુ શરૂ કર્યું હતું.
  • મહેસાણાના રાધનપુર રોડ પર હરસિદ્ધ સોસાયટીમાં બંધાઇ રહેલા બિલ્ડિંગમાં પરવાનગી વિનાની 5 ફૂટની દીવાલ પર પાલિકાએ બ્રેકર ફેરવ્યું
  • સેલ્સ ઇન્ડિયા ભાડેથી ચાલે છે તે પ્રકાશ સોસાયટી આગળના ગેરકાયદે કોમર્શિયલ બિલ્ડિંગ સામે પગલાં લેવામાં તંત્રનો પનો ટૂંકો પડ્યો

મહેસાણાના રાધનપુર રોડ પર જકાતનાકા સામે આવેલી હરસિદ્ધ સોસાયટીમાં મેઇન રોડ નજીક રહેણાંક વિસ્તારમાં નગરપાલિકાએ આપેલ બાંધકામ પરવાનગી વિરુદ્ધ માર્જીનની જગ્યામાં બાંધકામ કરાયું હોવાનું ધ્યાને આવતાં સફાળી જાગેલી પાલિકાએ સોમવારે પરવાનગી સિવાયનું વધારાનું બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરી હતી. આશરે 5 ફૂટ જેટલી માર્જીન છોડવાની થતી જગ્યામાં બાંધકામ હોઇ એટલા ભાગમાં આવતી બે સાઇડની દીવાલ તોડવા સવારે હથોડાથી કામ શરૂ કરાયું હતું, બાદમાં બપોરે બ્રેકર મશીનની મદદ લઇ ગેરકાયદે ભાગ તોડી જગ્યા ખુલ્લી કરાઇ હતી.

જ્યારે પ્રકાશ સોસાયટી આગળ રહેણાંકની જગ્યાએ આખુ કોમર્શિયલ બિલ્ડિંગ પાલિકાની કોમર્શિયલ બાંધકામ પરવાનગી વગર ઊભું કરી દેવાયું હોઇ એક દિવસમાં ભાડૂઆતોને જગ્યા ખાલી કરવા આખરી નોટિસ પછી પણ સીલ કરવામાં તંત્ર અને પદાધિકારીઓ અસમંજસમાં રહ્યાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.

મહેસાણાના રાધનપુર રોડ પર સેલ્સ ઇન્ડિયા, હોસ્પિટલ સહિત કેટલીક દુકાનો ભાડેથી કાર્યરત છે એ આખુ કોમર્શિયલ બિલ્ડિંગ દૂર કરવા પાલિકાએ બટીબેન દેસાઇના નામે નોટિસ ફટકારી હતી. ત્યાર પછી એક દિવસમાં બાંધકામ દૂર કરવું નહિ તો પાલિકા ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ ગેરકાયદે ઉપયોગ કરતી મિલકતને સીલ મારવામાં આવશે તેવી આખરી નોટિસ અપાઇ હતી.

જોકે, આ નોટિસને દિવસો વિતવા છતાં કોઇ કાર્યવાહી નહીં કરાતાં સત્તાધારી ભાજપના જ કેટલાક કોર્પોરેટરોએ ગેરકાયદે હોઇ બાંધકામ સામે કાર્યવાહી કરવા મોરચો માંડ્યો હતો. જેને પગલે સોમવારે સાંજે પાલિકામાં ટીપી ચેરમેન કનુભાઇ પટેલ સહિત સદસ્યોની અધિકારીઓ સિવાયની ઔપચારીક બેઠક આ બિલ્ડિંગ અને અન્ય બિન પરવાનગી કેટલાક બાંધકામો માટે મળી હતી.

પ્રકાશ સોસાયટી આગળનું બિલ્ડિંગ સીલ કરાશે
અમે સદસ્યોએ આજે ચર્ચા કરી છે. જેમાં પ્રકાશ સોસાયટી આગળનું બિલ્ડિંગ બાંધકામની વિકાસ પરવાનગી પાલિકામાંથી લીધેલી નથી અને એનએ હુકમ નથી. ટીપીઓમાંથી લેઆઉટ મંજૂર કરાયેલો છે. પાલિકાની બાંધકામ પરવાનગી વગર કોમર્શિયલ બિલ્ડિંગ બંધાયેલું હોઇ સીલ કરવા નક્કી કરાયું છે. બિલ્ડિંગ ખાલી કરવા જણાવાયું છે. જનતા સુપર માર્કેટ પાછળ માર્જીન ભંગમાં થયેલ બાંધકામ સામે પણ કાર્યવાહી કરાશે. જ્યારે શહેરના જાહેર રસ્તામાં ટ્રાફિકમાં નડતરરૂપ દબાણો દૂર કરવા પાલિકા ટીમ મારફતે ઝુંબેશ શરૂ કરાશે.છે.- કનુભાઇ પટેલ, ટીપી ચેરમેન નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...