મહેસાણામાં રાધનપુર રોડ પર એરપોર્ટ ઓથોરિટીની એનઓસી વગર બાંધકામ થતું હોઇ જિલ્લા કલેક્ટરની સૂચના પછી નગરપાલિકા દ્વારા બાંધકામ સામે સ્ટે અપાયો હોવા છતાં ફરી બાંધકામ શરૂ કરાયું છે. હેવી વીજલાઇન પાસે પ્લાસ્ટર કામ થતું હોઇ બાંધકામકર્તાને નોટિસ આપવા વીજ કચેરીએ કવાયત હાથ ધરી છે.
રાધનપુર રોડ પર નજીકમાં એરોડ્રામ હોઇ વધુ ઉંચાઇનું બાંધકામ નડતરરૂપ હોવા અંગે કલેક્ટર સુધી રજૂઆત થઇ હતી. જે મામલે નગરપાલિકાએ અહીં બાંધકામ સામે સ્ટે આપેલો છે. પરંતુ અંદરખાને છૂટો દોર હોય એમ થોડા દિવસો પછી અધૂરું બાધકામ ફરી ચાલુ થઇ જતું હોય છે.
મંગળવારે જિલ્લા ડિઝાસ્ટરમાં રાધનપુર રોડ ગેરકાયદે નવા બાંધકામમાં થઇ રહેલ પ્લાસ્ટર કામ નજીક વીજ લાઇન પસાર થતી હોઇ અકસ્માત સર્જાવાની ભીતિ હોઇ કાર્યવાહી કરવા ફરિયાદ થઇ હતી. જે અંગે સિટી-2 કચેરીને જાણ કરાતાં નાયબ ઇજનેર દ્વારા ટીમ મારફતે સ્થળ તપાસ કરાવાઇ હતી.
સૂત્રોએ કહ્યું કે, પ્લાસ્ટર કામ થઇ રહ્યું છે ત્યાં સુધી વીજ પુરવઠો બંધ રાખવા બાંધકામકર્તાએ અરજી કરી પરવાનગી મેળવવી પડે અને પછી આ કામગીરી કરાય. આ અંગે તપાસકર્તાના રિપોર્ટ બાદ નોટિસ આપીશું. બીજી તરફ, પાલિકા બાંધકામ ફરી ચાલુ થયા મામલે અજાણ હોવાનો ડોળ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.