કાર્યવાહી:મંડાલીમાંથી ગેરકાયદે કતલખાનું ઝડપાયું,73 પશુઓને બચાવાયાં, મહેસાણા, અમદાવાદ અને મંડાલીના 4 કસાઇઓની ધરપકડ

આંબલિયાસણ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 14 પશુનાં કપાયેલા માથાં મળી આવ્યાં, પશુ અને વાહનો મળી રૂ.21 લાખનો મુદ્દામાલ જપ્ત, માંસની અમદાવાદમાં હેરાફેરી

મહેસાણા તાલુકાના મંડાલી ગામની સીમમાંથી લાંઘણજ પોલીસે મસમોટું કતલખાનું ઝડપી પાડ્યું છે. રેડ દરમિયાન પોલીસને 43 પાડા અને 6 પાડી જીવતી મળી આવી હતી, જ્યારે 14 જેટલા ઢોરના કપાયેલા માથા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી મોટી માત્રામાં માંસનો જથ્થો કબજે કરી ચાર શખ્સોની ધરપકડ કરી હતી. સ્થળ પરથી પોલીસે માંસ સાથે રૂ. 21 લાખના વાહનો કબજે કરી લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. 
30 ફૂટના ઘેરાવામાં સિમેન્ટ ક્રોંક્રીટવાળી જગ્યા લોહીમાંસથી ખરડાયેલી હતી
પેટ્રોલિંગમાં નીકળેલા લાંઘણજ પીએસઆઇ આઇ.આર. દેસાઇ અને સ્ટાફને મંડાલી સીમમાં આવેલા ઢોરવાડામાં મહેસાણાના નાગલપુરનો કુરેશી જાવેદખાન ઇસબખાન પોતાના માણસોને સાથે રાખી ગેરકાયદે કતલખાનું ચલાવતો હોવાની અને મૂગાં પશુઓની કતલ કરી માંસ વેચતો હોવાની બાતમી મળતાં બુધવારે અહીં રેડ કરી હતી. જેમાં વાડામાં પ્રવેશતાં બાંધીને રાખેલા રૂ.43 હજારની કિંમતના 43 પાડા અને દોઢ થી બે વર્ષની રૂ.12 હજારની કિંમતની 6 પાડી મળી આવી હતી. અહીંથી પોલીસને લોખંડની કુહાડી, છરા, પાનીયા અને તાજા કપાયેલા પાડા-પાડીનાં હાડમાંસ તેમજ કપાયેલા 14 માથા મળી આવ્યા હતા. તેમજ 30 ફૂટના ઘેરાવામાં સિમેન્ટ ક્રોંક્રીટવાળી જગ્યા લોહીમાંસથી ખરડાયેલી હતી અને તેની બાજુમાં આવેલી 20 બાય 10ની કુંડીમાંથી માંસનો જથ્થો મળી આવતાં પોલીસ ચોંકી ગઇ હતી.
પોલીસે કતલખાનામાંથી ટ્રક, બે પીકઅપ ડાલુ અને બે કાર મળી રૂ.21 લાખના વાહનો સાથે ઝડપાયેલા મહેસાણાના જાવેદ ઇસબખાન કુરેશીસહિત ચારની સામે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ છે.
માંસનો જથ્થો ભેંસનો હોવાનું અનુમાન
માંસનો જથ્થો ભેંસનો મનાય છે. પરંતુ તે ગૌમાંસ હોવાની આશંકા વચ્ચે પોલીસે વેટરનરી સર્જન અને એફએસએલ અધિકારીને તપાસ માટે જાણ કરી હતી. જેને આધારે ગાંધીનગરથી ટીમ ઘટના સ્થળે તપાસ કરી રિપોર્ટ ના મોકલે ત્યાં સુધી જથ્થો નિકાલ નહીં થાય તેવી પણ જાણ કરાઇ હતી.
પશુઓનું માંસ અમદાવાદમાં વેચાતું હતું
અહીં કતલખાને લવાતાં પશુઓની કતલ બાદ માંસ અમદાવાદમાં વેચાતું હતું અને પોલીસ તપાસમાં એવી હકિકત ખુલી હતી કે ટેલિફોન સંપર્ક મુજબ ઢોરવાડામાં પશુઓ તેમના મળતિયા મારફતે મોકલાતા હતા અને તેની કતલ કરી ગાડીઓમાં જે-તે જગ્યાએ અગાઉથી નક્કી કર્યા મુજબ મોકલાતું હતું.

4 કસાઇ સામે પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો
1. કુરેશી જાવેદખાન ઇસબખાન    (રહે. નાગલપુર, મહેસાણા)
2. મહંમદ સાદિક અહેમદભાઈ શેખ   (રહે.દરિયાપુર, અમદાવાદ)
3. જાકીરહુસેન યાસીનમીયા સૈયદ    (રહે.વટવા, અમદાવાદ)
4. મહમદખાં એલમખા પઠાણ   (રહે.મંડાલી, તા. મહેસાણા)
=========================================

   

અન્ય સમાચારો પણ છે...