આંતરિક સમજૂતી સામે પણ ઉહાપોહ:મહેસાણા યાર્ડની દીવાલ અંદર ખસેડાશે તો વેપારીઓની માર્કેટયાર્ડ બંધ રાખવા ચીમકી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની નવી દીવાલ બનાવી આપવાની આંતરિક સમજૂતી સામે પણ ઉહાપોહ
  • બ્રહ્માણીનગર તરફનો ડીપી રોડ પહોળો કરવા યાર્ડની હયાત દીવાલ તોડતાં પહેલાં અંદર પાલિકાની નવી બનાવી આપવાની સમજૂતી સામે પણ ઉહાપોહ, આજે બેઠક

મહેસાણા માર્કેટયાર્ડ પાછળ બ્રહ્માણી નગર તરફનો ડીપી રોડ પહોળો કરવા યાર્ડની દીવાલ આવતી હોઇ નગરપાલિકા દ્વારા ડી-માર્કિંગ કરાયું છે અને આ હયાત દીવાલ તોડતાં પહેલાં અંદરની સાઇડ માર્કેટયાર્ડને નગરપાલિકા નવી દીવાલ બનાવી આપશે તેવી આંતરિક સમજૂતી થઇ હતી. જોકે, વેપારીઓએ વિશ્વાસમાં લીધા વગર નિર્ણય કર્યો હોઇ દીવાલ ખસેડાશે અને હયાત દીવાલ તૂટતી રોકવામાં નહીં આવે તો અચોક્કસ મુદ્દત માટે બંધ પાળવાની ચીમકી વેપારીઓએ ઉચ્ચારી છે. આ અંગે શુક્રવારે યાર્ડના વેપારી એસો. દ્વારા યાર્ડના ચેરમેન અને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી. દરમિયાન, વેપારીઓ સાથે શનિવારે આ મામલે બેઠક યોજી વિવાદ ઉકેલવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

મહેસાણા માર્કેટ યાર્ડના વેપારી એસોસીએશનના પ્રમુખ કાન્તિભાઇ પટેલ સહિત કારોબારી સદસ્યોએ ચેરમેનને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, માર્કેટયાર્ડમાં વિભાગ એથી ડી સુધી પાછળના ભાગે આવેલી દીવાલ 58 વર્ષ જૂની છે. તે દીવાલ ખસેડવા વેપારીઓ તથા ડિરેક્ટરોને વિશ્વાસમાં લીધા સિવાય મહેસાણા નગરપાલિકાને દીવાલ તોડવાની મૌખિક પરવાનગી આપી છે તેનો વેપારીઓ સખ્ત વિરોધ કરે છે. હાલ ત્યાં અવર જવર માટે 40 થી 50 ફૂટનો રસ્તો છે, આ જગ્યા વેપારીઓના માલ પરિવહન માટેની છે, જે સ્ટેમ્પમાં ઉલ્લેખ કર્યો છે. આ બાબતે યોગ્ય પગલાં ભરી દીવાલ તૂટતી નહીં અટકાવાય તો અચોક્કસ મુદત માટે માર્કેટયાર્ડ બંધ રાખવામાં આવશે.

આ પહેલાં માર્કેટ યાર્ડના વેપારી હોદ્દેદારોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત પણ કરી હતી. જેમાં ડીએલઆર દ્વારા માપણી કરાવીને 43 જેટલાં વેપારીઓની ગાડીઓ ભરવા ખાલી જગ્યાએ દબાણ ન થવું જોઇએ તેમ કરવા જણાવ્યું છે.

માપણીથી જે બાજુ દબાણ હોય તે દૂર કરો : વેપારીઓ
વેપારીઓએ કહ્યું કે, પાલિકાએ રોડ પહોળો કરવો હોય તો કલેક્ટર દ્વારા જમીન સંપાદન કરવા જાહેરનામું પાડવું જોઇએ. માપણીથી જે બાજુ દબાણ હોય તે દૂર કરવું જોઇએ, પરંતુ કાયદાની કોઇપણ જાણ કર્યા વિના મનમાનીથી આ દીવાલ તોડી પાડવાની તૈયારી કરાઇ છે. આથી વેપારીઓએ કાયદેસર કાર્યવાહી કરવા માંગ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...