ભાસ્કર સાથે રૂબરૂ:જાહેર રોડ ઉપર બાઇકને લૉક મારે છે તો મોઢેરા રોડ પર FCI આગળ ઊભી રહેતી ટ્રકોને લૉક કેમ નહીં?

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાસ્કરના વોર્ડ 5, 6, 7ના રૂબરૂ કાર્યક્રમમાં ગટર જોડાણ, નર્મદાનાં પાણી, વરસાદી પાણીનો ભરાવો, દબાણો, રખડતાં ઢોરની ફરિયાદો ઉઠી
  • FCIમાં માલ ભરવા આવતી ટ્રકો આખો દિવસ બહાર પડેલી હોઇ વારંવાર ટ્રાફિક થાય છે, અકસ્માતો પણ સર્જાય છે
  • સૂચન : આ ટ્રકોને ગોડાઉનની અંદર પાર્ક કરાવી ટ્રાફિક સમસ્યા નિવારી શકાય

મહેસાણા શહેરના મુખ્ય ત્રણ રસ્તા રાધનપુર રોડ, મોઢેરા રોડ અને માલ ગોડાઉન રોડને આવરી લેતાં વોર્ડ નં. 5, 6 અને 7ના નાગરિકોની પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોને લઇ દિવ્ય ભાસ્કર દ્વારા અર્બન સ્કૂલ હોલમાં આયોજિત રૂબરૂ કાર્યક્રમમાં જાગૃતિ નાગરિકોમાંથી મોટાભાગે વરસાદી પાણીનો ભરાવો, સાંકડા રસ્તામાંથી દબાણો દૂર કરવા, ગટર લાઇન નેટવર્કથી સોસાયટીઓને જોડાણ આપવા, રખડતાં ઢોર, નર્મદાનું પાણી, ટ્રાફિકની અડચણો દૂર કરવા સહિતની સમસ્યાઓની ફરિયાદો ઉઠાવી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત પાલિકાના પદાધિકારી, વિસ્તારના નગરસેવકોએ દરેક પ્રશ્નમાં કરાયેલા પ્રયાસો અને નિરાકરણની હૈયાધારણા આપી હતી. ખાસ કરીને મોઢેરા રોડ એફસીઆઇ ગોડાઉનમાં આવતી ટ્રકો રસ્તાની એક સાઇડમાં આખો દિવસ ખડકાયેલી રહેતાં વારંવાર ટ્રાફિક સમસ્યા સર્જાય છે.

આ અંગે નાગરિકોએ શહેરમાં જાહેર રસ્તા ઉપર બાઇક મૂકેલું હોય તો લૉક મારી જાય છે, તો એફસીઆઇ ગોડાઉન બહાર રસ્તામાં ઊભી રહેતી ટ્રકોને લૉક કેમ મારતા નથી તેવા સવાલો કરી આ ટ્રકોને ગોડાઉનની અંદર પાર્ક કરાવી ટ્રાફિક સમસ્યા નિવારવા સૂચવ્યું હતું. આ અંગે પાલિકા પદાધિકારીઓએ ટ્રાફિકનો પ્રશ્ન પોલીસને સ્પર્શતો છે. જોકે આ બાબતે પરામર્શ કરી શું નિવારણ આવી શકે તે અંગે આયોજન વિચારણામાં લેવાશે તેમ જણાવ્યું હતું.

15 સોસાયટીના રસ્તામાં આગ લાગે તો ફાયરેય ન આવી શકે એવો સાંકડો
બાહુબલી સાઇડની 15 સોસાયટીઓને જોડતો રસ્તો દબાણોના કારણે સાંકડો થઇ ગયો હોઇ પાલિકાએ નોટિસો આપી પ્રયત્નો કર્યા પણ રસ્તો ખુલ્લો થયો નથી. સોસાયટીને ગટરલાઇનમાં જોડાણ આપો. - કૈલાશપુરી ગોસ્વામી, બાહુબલી સોસાયટી

જવાબ : રસ્તાનો પ્રશ્ન સહયોગથી હલ થઇ શકે એમ હોઇ રસ્તાની બંને સાઇડ બે-અઢી ફૂટ કાઢી રસ્તાનો પ્રશ્ન હલ કરીએ. ગટર લાઇન ચેક કરાવીને જોડાણ માટે યોગ્ય કરાશે.

રાજકમલ સામે અર્બન રોડ સાઇડ વળાંકમાં મહિનાથી ખાડો જોખમી
રાજકમલ પેટ્રોલપંપ સામે માલ ગોડાઉન રોડ સાઇડ વળાંકમાં એક મહિનાથી જોઇન્ટ કામમાં ખાડો પડેલો હોઇ અકસ્માતનું જોખમ છે. ભૂમિ કોમ્પલેક્ષના નાકે ગટર ઉભરાતી હોઇ સમસ્યા હલ કરવો. > હસમુખભાઇ ત્રિવેદી, રહીશ

જવાબ : રાજકમલ પેટ્રોલપંપ સામે પડેલા ખાડા અંગે આર એન્ડ બી વિભાગને જાણ કરી દેવામાં આવી છે. જ્યારે ગટર ઉભરાવાની સમસ્યા છે તેનો ઝડપથી હલ કરાવાશે.

સૌંદર્યવિલાથી નાગલપુર સુધી રોડ લંબાવો, ટુકડા ટુકડામાં કામ ન કરો
પેરેડાઇઝ, સુકશ બંગ્લોઝ વરસાદી પાણી ભરાવાની સમસ્યા આરસીસી રોડ બનતાં હલ થઇ છે. રોડ સૌંદર્ય વિલાથી આગળ નાગલપુર સુધી લંબાવો. રોડના ટુકડે ટુકડે થતાં કામના બદલે આખો રોડ નવો બનાવો > રમેશ શર્મા, મહેસાણાનગર

​​​​​​​જવાબ : આર એન્ડ બીનો રોડ છે. પરંતુ પાલિકા ખાડા પડ્યા હોય તો પુરાણ કરાવે છે. પાંચેક વર્ષે રોડ રિસરફેસ કરતા હોય છે. ટુકડા અંતરના કામ બાબતે ચેક કરાવાશે.

પુરુષાર્થ, પ્રગતિ અને કૈલાશનગરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા
પુરુષાર્થ, પ્રગતિ, કૈલાશનગર માં બે વર્ષથી ચોમાસામાં વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન હોઇ બાળકો, વડીલોને વધુ તકલીફ પડતી હોઇ સ્વખર્ચે લાઇન લેવલ કઢાવવા આપેલું છે, તેનો રિપોર્ટ પાલિકાને આપીશું. - પોપટભાઇ પટેલ, રહીશ

જવાબ : મંદિર સાઇડથી વરસાદી પાણી નિકાલની લાઇન નાંખવામાં લેવલ મળતું હોય તો ચોક્કસ નિવારણ કરાશે. નહીં તો સોસાયટીના રસ્તેથી લાઇન માટે સહકાર માગીશું.

એરોડ્રામમાં મોડી રાત સુધી પ્લેનના ઉડાનના ઘોંઘાટથી મુક્તિ અપાવો​​​​​​​
​​​​​​​એરોડ્રામમાં રાત્રે દોઢ વાગ્યા સુધી પ્લેનના ઉડાનના અવાજ, ઘોંઘાટથી કાને બહેરાશ આવે છે. સરકાર કંઇ કરવા માંગે છે કે કેમ.ગંગાસાગર સોસાયટીને ગટર જોડાણ આપો. મોઢેરા રોડથી દેદિયાસણ સુધી જાહેર ટૉયલેટ નથી. - સગરામભાઇ ચૌધરી

​​​​​​​જવાબ : સાંસદ-પાલિકાએ રાત્રે 11 પછી પ્લેન નહીં ઉડાવવા રજૂઆત કરેલી છે. ફરી કરીશું. ગટર જોડાણ માટે આગળ મેઇન ચેમ્બરનું કામ ચાલુ હોઇ 20 દિવસમાં પૂર્ણ થશે.

મોઢેરા રોડ પર આવેલ સરદાર સ્કૂલ ચોકડીની બંને બાજુએ બમ્પ બનાવો
​​​​​​​મોઢેરા રોડ પર આવેલા ટહુકો પાર્ટી પ્લોટ સામે સરદાર સ્કૂલ, નજીકમાં સ્વામિનારાયણ મંદિર વગેરે આવેલા હોઇ અહીં મેઇન રોડ ચોકડીએ અકસ્માત થતાં હોવાથી રસ્તાની બંને બાજુ બમ્પ બનાવો. > સતિષ પટેલ, અગ્રણી

જવાબ : માર્ગ મકાન વિભાગને કહીશું, તે બમ્પ નહીં બનાવી આપે તો પાલિકા ચકાસણી કરી બમ્પ બનાવી આપશે.

સામવેદવીલા આગળ બમ્પની જરૂર આસ્થાવિહાર પાસે દબાણ દૂર કરાવો
​​​​​​​મેઇન રોડ પર બમ્પ બનાવી ડિસ્ટર્બ ન કરતાં સોસાયટી આગળ બનાવો. સામવેદ સોસાયટીના બે ગેટ આગળ બમ્પ બનાવવા જરૂરી છે. આસ્થા વિહાર આગળ સાંકળો લગાવી દબાણો છે, હાલાકી પડતી હોઇ દૂર કરાવો. - પિયુષભાઇ પટેલ, રહીશ

જવાબ : એનએ વગર ન થઇ શકે. વચ્ચે બે ખેતર આવેલા છે. નગરપાલિકા દ્વારા દબાણો અંગે ચેક કરાવાશે.

ચોમાસામાં વરસાદી પાણી ઘરોમાં આવતું રોકવા પાળી બનાવવી પડી
રાધનપુર રોડ પર આવેલી બાહુબલી સોસાયટીમાં અડધો ઇંચ વરસાદ થાય એટલે ઘરોમાં પાણી આવી જાય છે. તેને અટકાવવા બે થી ચાર ફૂટની પાળીઓ બનાવવી પડી છે. તેનો કાયમી યોગ્ય નિકાલ લાવો. - રાકેશ રાવલ, વોર્ડ 7

જવાબ : આગળની સોસાયટીની પાઇપ લાઇન નાંખવા સહ -મતી માટે બેઠક કરી ચારેક મહિનામાં પ્રશ્નનો હલ કરીશું.

રાજધાની પાછળ થયેલાં દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરાવવો જરૂરી
વોર્ડ 5માં રાજધાની પાછળ અનેક દબાણો થયેલાં છે. આ દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરાવો. છેલ્લા 15-15 વર્ષથી અમે આ રસ્તા માટે ઝઝૂમી રહ્યા છીએ, પરંતુ હજુ સુધી સમસ્યા હલ થઇ શકી નથી. - દિનેશભાઇ પટેલ, રહીશ

જવાબ : માપણી માટે ત્રણ દિવસ પહેલાં જ DILRમાં પત્ર લખ્યો છે. રસ્તાની બંને બાજુ બે-બે ફૂટ ખુલ્લુ કરી આપીએ.

અર્બન રોડ પરની પાર્વતીનગરમાં નર્મદાનું પાણી આવતું જ નથી
શહેરના અર્બન રોડ પર પાર્વતીનગર સોસાયટીમાં નર્મદાનું પાણી આવતું નથી. બોર આધારિત છીએ. નજીકની સોસાયટીઓમાં નર્મદાનું પાણી આવ્યું, અમારી સોસાયટીમાં જ કેમ નહીં...? - વિનોદભાઇ પટેલ, રહીશ

જવાબ : મહાશક્તિની ટાંકીથી લાઇન નાંખેલી છે, છતાં એક સોસાયટીમાં પ્રશ્ન જાણમાં ન હોઇ ચેક કરાવી યોગ્ય કરાશે.: મહાશક્તિની ટાંકીથી લાઇન નાંખેલી છે, છતાં એક સોસાયટીમાં પ્રશ્ન જાણમાં ન હોઇ ચેક કરાવી યોગ્ય કરાશે.

અન્ય સમાચારો પણ છે...