મહેસાણા નાગલપુર સ્થિત આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજમાં દર વર્ષે પ્રથમ સેમેસ્ટરમાં વિદ્યાર્થી પ્રવેશનો ધસારો રહે છે. જેના કારણે વર્ગદીઠ 120 વિદ્યાર્થીઓને સમાવાય છે. આ વર્ષે ધોરણ 12ની પરીક્ષા રદ થતાં તમામ વિદ્યાર્થીઓ પાસ કરાય તો પ્રવેશમાં અફરાતફરી સર્જાઇ શકે છે. એમાંયે સાયન્સમાં વર્ગદીઠ સંખ્યા વધારાય તો નવી લેબોરેટરી ઊભી કરવી પડે. આ સ્થિતિમાં કોલેજોમાં અભ્યાસની વ્યવસ્થા ઓછા સ્ટાફમાં મુસીબતરૂપ બનશે.
યુજીસી ગાઇડલાઇન મુજબ કોલેજમાં વર્ગદીઠ 80 વિદ્યાર્થી લઇ શકાય. પણ સરકાર અને યુનિ. વર્ગદીઠ 120 સુધીની મંજૂરી આપતી આવી છે. આવામાં આર્ટસમાં તો કોલેજો જેમ તેમ કરી વર્ગની વ્યવસ્થા કરી લેતી હોય છે, પણ સાયન્સમાં પ્રાયોગિક કાર્ય માટે લેબોરેટરીમાં 20 થી 25 વિદ્યાર્થીઓની પાળીમાં પ્રાયોગિક કાર્ય કરાવાય છે.
સાયન્સ કોલેજનો સમય બપોરનો હોવા છતાં વધુ વિદ્યાર્થીઓના કારણે સવારે પણ પ્રાયોગિક કાર્ય માટે લેબ ચાલુ રખાય છે. હવે વર્ગદીઠ 120 કરતાં પણ વધુ વિદ્યાર્થીને પ્રવેશ આવે તો પ્રાયોગિક કાર્ય મુશ્કેલ બની રહેશે. કોલેજમાં પ્રથમ સેમ.માં ત્રણ ડિવિઝનમાં કુલ 360 અને આર્ટસ કોલેજમાં 8 ડિવિઝનમાં કુલ 960 બેઠક છે. કોલેજમાં અર્થશાસ્ત્રમાં ત્રણેય જગ્યા ખાલી છે, બોટનીમાં 15 વર્ષથી બે પ્રોફેસર નથી. આચાર્ય ર્ડા.ડી.આર. પટેલે કહ્યું કે, હાલ સંસ્થા કામચલાઉ, એડહોક 40 કર્મચારીઓ રાખી નિભાવણી કરે છે. સાયન્સમાં વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો થાય તો નવી લેબ કરવી પડે.
નાગલપુર કોલેજમાં 17 અધ્યાપકોની જગ્યા ખાલી
અર્થશાસ્ત્રમાં 3, ગણિતશાસ્ત્રમાં 3, રસાયણશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર અને બોટનીમાં 2-2, અંગ્રેજી, ભૌતિકશાસ્ત્ર, ઝુઓલોજી, ગુજરાતી અને હિન્દીમાં 1-1 મળી કુલ 17 અધ્યાપકોની જગ્યા ખાલી છે. જ્યારે વહીવટીમાં 1 ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ, 3 સિનિયર ક્લાર્ક, 4 જુનિયર ક્લાર્ક, 8 લેબ આસિસ્ટન્ટ, 8 લેબ હમાલ, 2 સફાઇ કામદાર તેમજ ચોકીદાર, માળી, ઇલેકટ્રીશિયન, સ્ટોરકીપર મળી 31 જગ્યા ખાલી છે. કોલેજમાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કુલ 48 જગ્યા ખાલી છે. એમાં ચાલુ વર્ષે 21 જેટલા કર્મચારીઓ વયનિવૃત્ત થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.