હિરાપુરમાંથી દિવ્યાંગની લાશ મળવાની ઘટના:જમીન હડપવા સગા બનેવીએ જ સાળાને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતાર્યો'તો

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વિજાપુરના હીરપુરામાં ત્રણ દિવસ પહેલાં શંકાસ્પદ હાલતમાં મળેલી દિવ્યાંગ યુવકની લાશનો ભેદ ખૂલ્યો
  • મહેસાણા એલસીબીએ જેપુરના બનેવી, મદદ કરનાર હીરપુરાના શખ્સની ધરપકડ કરી

જર, જમીન અને જોરું, ત્રણેય કજીયાનાં છોરું... આ કહેવત જેવી ઘટના વિજાપુરના હીરપુરા ગામે બની છે. તમાકુની ખળીવાળી જમીન હડપ કરવા સગા બનેવીએ જ સાળાને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધાનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઇ છે. 15 ઓક્ટોબરે હીરપુરાની સીમમાં નિલેશ પટેલની મળેલી લાશ સંદર્ભે એલસીબીએ માત્ર બે દિવસમાં ગુનાનો ભેદ ઉકેલી આરોપી બનેવી અને તેને મદદ કરનાર હીરપુરાના શખ્સની ધરપકડ કરી જેલહવાલે કરી દીધા છે.

હીરપુરાની સીમમાં ભાગ્યોદય તમાકુની ખળીની બાજુના ખેતરમાં આંબાના ઝાડ નીચેથી ગત 15 ઓક્ટોબરના રોજ હીરપુરાના નિલેશ અશોકભાઈ પટેલ (36)ની લાશ મળી આવતાં વિજાપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. આ શંકાસ્પદ મોત મામલે મહેસાણા એલસીબીએ તપાસ સંભાળી લઈ નિલેશ સાથે ભૂતકાળમાં બનેલા બનાવો અંગે તપાસ હાથ ધરતાં નિલેશની હત્યા થયાનું બહાર આવ્યું હતું. જેમાં તેના સગા બનેવી જેપુરના સમીર અરવિંદભાઈ પટેલે કાવતરું ઘડી હીરપુરાના રાજુ રામસિંહ ઠાકોર સાથે મળી હીરપુરાની ગુજરાતી શાળા પાસે બોલાવી તેને ભાગ્યોદય તમાકુની ખળી પાસેના ખેતરમાં લઈ જઈ બળજબરીથી ઝેરી દવા પીવડાવી હત્યા કરી દેવાયાનું ખૂલ્યું હતું.

આથી એલસીબીએ જેપુરના સમીર પટેલ અને હીરપુરાના રાજુ ઠાકોરની ધરપકડ કરી પૂછપરછ કરતાં બંનેએ હત્યા કર્યાની કબૂલાત કરી હતી. મૃતક નિલેશ પટેલના પિતરાઈ ભાઈ સાગર સૂર્યકાન્તભાઈ પટેલની ફરિયાદ આધારે વિજાપુર પોલીસે બંને વિરુદ્ધ હત્યા અને કાવતરાનો ગુનો નોંધ્યો હતો.

ગામના યુવકે પિતરાઈ ભાઈને જાણ કરતાં ભેદ ઉકેલાયો
મૃતક નિલેશ પટેલની આર્થિક સ્થિતિ સારી હોઇ ઝેરી દવા પીવાનો પ્રસંગ બને નહીં તેવી પિતરાઈ ભાઈ સાગર પટેલને શંકા જતાં તપાસ કરી હતી. જેમાં ગામના દિપક હર્ષદભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, 14 ઓક્ટોબરે નવમા નોરતાની રાતે માતાજીની આરતી વખતે નિલેશ અને રાજુ ઠાકોર બંને વાતો કરતા હતા અને રાજુ ઠાકોર ગયા પછી તેઓ બંને બેઠા હતા, તે સમયે સવા દસ વાગે નિલેશના મોબાઈલ ઉપર રાજુ ઠાકોરનો ફોન આવ્યો હતો. તે વખતે દિપકે પૂછતાં નિલેશે રાજુ ઠાકોર સાથે બહાર જવાનું છે તેમ જણાવ્યું હતું. ત્યાર બાદ નિલેશ પટેલ અને રાજુ ઠાકોર ગામમાંથી બસ સ્ટેન્ડ તરફ જતા જોયા હતા. આમ, આર્થિક સ્થિતિ સારી હોઇ નિલેશ આત્મહત્યા કરે નહીં તેવી શંકાના આધારે કરેલી તપાસમાં હત્યાનો ખુલાસો થયો હતો

સાળાની જમીન હડપવા દેવાદાર બનેવીએ કાવતરું રચ્યું
મૃતક નિલેશ પટેલ એક હાથ અને એક પગે દિવ્યાંગ હતો. નિલેશની બહેન રશ્મિકાનાં વર્ષ 2008માં જેપુરના સમીર પટેલ સાથે લગ્ન થયાં હતાં. નિલેશની મહેશ્વર-હીરપુરા રોડ પર આવેલી જમીનમાં સમીરે તમાકુની ખળીનું બાંધકામ કરાવી ખળી ચાલુ કરી હતી. ત્યાર બાદ દેવુ થતાં ખળી વેચવા કાઢી હતી. પરંતુ જમીન નિલેશના નામે હોઇ તેણે વાંધો ઉઠાવ્યો હતો. ખળી વેચે તો જમીન પણ વેચવી પડે તેમ હોઇ સમાજના આગેવાનોએ બેઠક કરી બાંધકામ અને જમીનની કિંમત અલગ પાડી 2020માં નિલેશને જમીનના પૈસા આપી દીધા હતા. ત્યાર બાદ સમીરના આડાસંબંધોની રશ્મિકાને જાણ થતાં રિસાઈને પિયર આવ્યા બાદ સમાજના આગેવાનોએ સમાધાન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...