તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નીતિન પટેલ ઝબકીને જાગ્યા...:Dy.CMએ કહ્યુ કે, ‘કોરોનાની ત્રીજી લહેરનાં સપનાં આવતાં ઊંઘમાંથી ઉઠી જાઉં છું’

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
લોકાર્પણ સમયે સરેઆમ કોરોના ગાઇડલાઇનના ધજાગરાં ઉડ્યા હતા - Divya Bhaskar
લોકાર્પણ સમયે સરેઆમ કોરોના ગાઇડલાઇનના ધજાગરાં ઉડ્યા હતા
  • મહેસાણાની સાંઈક્રિષ્ના હોસ્પિ.માં દૂધસાગર ડેરી નિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ
  • ઓક્સિજન પ્લાન્ટ લોકાર્પણમાં સી.આર.પાટીલ, નીતિનભાઇની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

કોરોનાની ત્રીજી લહેરને લઈ ઊંઘમાં સપનાં આવે છે ત્યારે ઉઠી જાઉં છું તેવું નિવેદન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે શનિવારે મહેસાણામાં દૂધસાગર ડેરી નિર્મિત ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે કહ્યું હતું. તેમણે ત્રીજી લહેર આવવાની આશંકાએ નાગરિકોને કોરોનાના નિયમો પાળવા તાકીદ કરી હતી. પરંતુ, કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની કોરોના ગાઈડ લાઈનનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું.

અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા
દૂધસાગર ડેરી દ્વારા સાંઈક્રિષ્ના કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ નિર્માણ કરાયો છે. જેનું પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું તે પ્રસંગે સાંસદ શારદાબેન પટેલ, પ્રદેશ મહામંત્રી રજની પટેલ, જિલ્લા પ્રમુખ જશુ પટેલ, ડેરીના ચેરમેન અશોક ચૌધરી, સંગઠનના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.

વેક્સિનેશનમાં સારી કામગીરી કરવાનો દાવો
આ પ્રસંગે નીતિન પટેલે લોકડાઉન તેમજ કોરોનાની બીજી લહેર દરમિયાન ભાજપના કાર્યકરોએ કરેલી કામગીરીની સરાહના કરી હતી. જ્યારે ત્રીજી લહેર આવવાની આશંકાએ નાગરિકોને કોરોનાના નિયમો પાળવા તાકીદ કરી હતી. વેક્સિનેશનમાં ગુજરાતે સારી કામગીરી કરી દેશમાં પ્રથમ નંબર મેળવ્યો હોવાનો દાવો કર્યો હતો. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું કે, કોરોનાની પહેલી લહેરમાં ગાફેલ રહ્યા, પહેલી લહેરમાં લોકોએ ફૂડપેકેટ, અનાજની કિટ, સેનેટાઈઝર, માસ્ક સહિતની વસ્તુઓ માંગી. જ્યારે બીજી લહેરમાં બેડ, ઓક્સિજન, રેમડેસિવિર સહિતની દવાઓ માંગી.

સરકારની કામગીરીના વખાણ કર્યા
બીજી લહેર વખતે દરેક જણ તકલીફમાં હતા. પરંતુ વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલની મહેનતના પરિણામે પરિસ્થિતિ નિયંત્રણમાં આવી શકી. જ્યારે ત્રીજી લહેર આવવાની નિષ્ણાતો વાત કરી રહ્યા હોવાથી ઓક્સિજન પ્લાન્ટ સહિતની નવી વ્યવસ્થાઓ ઉભી કરાઇ રહી છે. કાર્યક્રમમાં કલેક્ટર, ડીડીઓ અને ડીએસપી હોવા છતાં તેમની હાજરીમાં જ સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની કોરોનાની માર્ગદર્શિકાનો ભંગ થતો જોવા મળ્યો હતો.