નીતિનભાઈ ઉવાચ:'હું અસ્સલ મહેસાણાનો છું, મને કોઈ લોભલાલચ નથી, જ્યાં સુધી જનતાના મનમાં છું ત્યાં સુધી કોઈ મને કાઢી નથી શકવાનું'

મહેસાણા4 મહિનો પહેલા
  • આજે મુખ્યમંત્રીની જાહેરાત બાદ નીતિન પટેલ મહેસાણા પહોંચ્યા
  • મારું એકલાનું નહીં, ભલભલાનાં નામ મીડિયામાં ચાલતાં હતાં: નીતિન પટેલ

ગુજરાતના મુખ્યમંત્રીપદેથી વિજય રૂપાણીનું રાજીનામું લઈ લેવામાં આવ્યા બાદ નવા મુખ્યમંત્રીને લઇને અનેક નામોની અટકળો હતી. જ્યારે પ્રધાનમંત્રીએ નવા નામની સરપ્રાઇઝ આપીને બધાને ચોંકાવી દીધા છે. ત્યારે હવે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું શુ થશે? એવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, જે અંગે આજે મહેસાણા ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણમાં પહોંચેલા નીતિન પટેલે જણાવ્યું હતુ કે હું અસ્સલ મહેસાણાનો છું. મને કોઇ લોભલાલચ નથી. મારું એકલાનું નહીં, ભલભલાનાં નામ મીડિયામાં ચાલતાં હતાં. એવું ન સમજતા કે હું એકલો રહી ગયો છું. જ્યાં સુધી જનતાના હૃદયમાં છું ત્યાં સુધી કોઈ મને કાઢી નથી શકવાનું. મેં અનેક ચડતીપડતી જોઈ છે.

નીતિન પટેલને સીએમ બનવાની છેલ્લી તક પણ ગઈ
નીતિન પટેલ માટે આ કદાચ ગુજરાતના મુખ્યમંત્રી બનવાની છેલ્લી તક હતી, પરંતુ આ વખતે પણ તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા નથી. ભાજપે ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા છે ત્યારે નીતિન પટેલે છેલ્લી તક પણ ગુમાવી છે. આજે મુખ્યમંત્રીની જાહેરાત બાદ નીતિન પટેલ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં એક હજાર લિટરની ક્ષમતા ધરાવતા નવીન ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવા પહોંચ્યા હતા. ત્યાર બાદ તેમણે મહેસાણામાં રૂપિયા 5 કરોડના ખર્ચે નવનિર્મિત કમળપથ રોડનું લોકર્પણ કર્યું હતું.

મેં પોતે જ નવા મુખ્યમંત્રી માટે દરખાસ્ત મૂકી હતી: નીતિન પટેલ
લોકર્પણ બાદ નીતિન પટેલે જણાવ્યું હતું કે આજે નવા મુખ્યમંત્રીની જાહેરાતને લઇને આજના દિવસે તમને જાતજાતના પ્રશ્નો થતા હશે. મેં પોતે જ નવા મુખ્યમંત્રી માટે દરખાસ્ત મૂકી હતી. નવા મુખ્યમંત્રી આપણા સાથી જ છે. આજે પણ અઠવાડિયામાં પાંચ વખત ભૂપેન્દ્રભાઈ મારી ઓફિસે આવે છે.

ભલભલા આવીને જતા રહેશે: નીતિન પટેલ
નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે હું અસ્સલ મહેસાણાનો છું, હું કોઈ લાભલાલચથી ખેંચાતો નથી. પક્ષ જે કામ સોંપે એ કરવાની મારી જવાબદારી છે. ભલભલા આવીને જતા રહેશે, જ્યાં સુધી જનતાના હૃદયમાં છું, કોઈ મને કાઢી નથી શકવાનું. હું ભૂતકાળમાં વિરોધ પક્ષમાં રહેલો છું. મારું એકલાનું નહીં, ભલભલાનાં મીડિયામાં નામ ચાલતાં હતાં, એવું ન સમજતા કે હું એકલો રહી ગયો છું. મેં અનેક ચડતીપડતી જોઈ છે.

અન્ય સમાચારો પણ છે...