મદદ:પતિના પરસ્ત્રી સાથે સંબંધોથી લગ્નજીવનમાં તિરાડ પડી,181ની ટીમે સમજાવતાં એક થયા

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા અભયમના પ્રયાસોથી 10 વર્ષનું લગ્નજીવન ફરી પાટે પડ્યું

મહેસાણા જિલ્લાના એક ગામમાં 181 અભયમ મહિલા હેલ્પલાઈન ટીમે 10 વર્ષનું લગ્નજીવન તૂટતાં બચાવી લીધું હતું. 3 સંતાનોના પિતાને અન્ય સ્ત્રી સાથે અફેર થતાં પતિ-પત્ની વચ્ચે ઝઘડા શરૂ થતાં મામલો છૂટાછેડા સુધી પહોંચી ગયો હતો. તેથી પત્નીએ 181 અભયમ ટીમને કોલ કરતાં ટીમના પ્રયાસોથી પતિ-પત્ની વચ્ચે સમાધાન થઈ જતાં 3 સંતાનોનું ભવિષ્ય સુધરી ગયું હતું.

મહેસાણા જિલ્લાના એક ગામમાં પ્રાઈવેટ નોકરી કરતા ભાઈને 10 વર્ષના લગ્ન જીવન દરમિયાન સંતાનમાં 2 દીકરી અને 1 દીકરો હોવા છતાં બે સંતાન ધરાવતી મહિલા સાથે અફેર હતું. તેની પત્નીને જાણ થતાં ઘરમાં ઝઘડા શરૂ થયા હતા. તેથી પતિ 3 સંતાનો અને પત્નીને મૂકી અફેરવાળી મહિલા સાથે રહેવા ચાલ્યો ગયો હતો. બીજી તરફ, મહિલા પણ 3 સંતાનોને લઈ 25 દિવસ સુધી પિયર ચાલી ગઈ હતી. સંતાનોના ભવિષ્યને લઈ મહિલાને ચિંતા થતાં તેણીએ 181 અભયમ મહિલા હેલ્પલાઈનમાં કોલ કર્યો હતો.

આથી ટીમે પતિ, પત્ની, સાસરી અને પિયર પક્ષના વડીલોને બોલાવી કાઉન્સેલીંગ કરતાં પતિએ પોતાની ભૂલ સ્વીકારી નવી જીંદગી જીવવાની વાત કરી હતી. જ્યારે સંતાનોના ભવિષ્યને લઈ પત્ની પણ સમાધાન કરવા રાજી થઈ હતી. 181 અભયમ મહિલા હેલ્પલાઈન ટીમના પ્રયાસથી દંપતીનો સંસાર તૂટતાં બચી ગયો હતો અને 3 બાળકોનું ભ‌વિષ્ય સુધરી ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...