મહેસાણા શહેરમાં રિસામણે રહેલી પત્ની અને દીકરીને ભરણપોષણ ચૂકવવા કોર્ટે આદેશ કર્યો હોવા છતાં દોઢ વર્ષ સુધી દર માસે રૂ. 7 હજાર ભરણ પોષણ નહીં ચૂકવનાર તેમજ કોર્ટમાં હાજર નહીં થનાર પતિને અહીંની ફેમિલી કોર્ટે 320 દિવસ કેદની સજાનો આદેશ કર્યો છે. જ્યારે પતિ સામે ધરપકડ વોરંટ કાઢવાનો પણ હુકમ કર્યો હતો. મહેસાણાના રાધનપુર રોડ પર આરૂષ ગ્રીનવીલામાં રહેતાં પૂજાબેન રજનીભાઈ પટેલે ઉનાવા ગામના પ્રિયંક વિષ્ણુભાઈ પટેલ સાથે વર્ષ 2014માં પ્રેમલગ્ન કર્યાં હતાં. લગ્ન જીવન દરમિયાન સંતાનમાં એક દીકરી પણ છે. પતિ-પત્ની વચ્ચેના અણબનાવને લઈ પૂજાબેન વર્ષ 2017માં રિસાઈને પિયર આવી ગયાં હતાં. પૂજાબેને મહેસાણાની ફેમિલી કોર્ટમાં ભરણપોષણ માટે અરજી કરતાં કોર્ટે 10 માર્ચ 2020ના રોજ દર માસે પત્નીને રૂ. 5 હજાર અને દીકરીને 2 હજાર મળી રૂ. 7 હજાર પ્રમાણે 32 માસના રૂ.2.24 લાખ ચૂકવી દેવા પતિ પ્રિયંક પટેલને આદેશ કર્યો હતો. કોર્ટે આદેશ કરવા છતાં ભરણપોષણની રકમ નહીં ચુકવતાં પૂજાબેને 14 જુલાઈ 2017ના રોજ ફેમિલી કોર્ટમાં દાદ માંગી હતી. કોર્ટમાં ફરીથી અરજી દાખલ કરાયા બાદ નોટિસ અને જપ્તી વોરંટ કાઢવા છતાં ભરણપોષણ નહીં ચૂકવીને પતિ કોર્ટમાં હાજર થયો નહોતો. તેથી મહેસાણા ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ ન્યાયાધીશ એન.આર. જોશીએ ફરિયાદીના વકીલ શીતલબેન પટેલની દલીલો ગ્રાહ્ય રાખી ઉનાવાના પ્રિયંક વિષ્ણુભાઈ પટેલને દર માસના 10 દિવસ મુજબ 32 માસનું ભરણપોષણ નહીં ચુકવવા બદલ 320 દિવસની કેદની સજાનો હુકમ કર્યો હતો. જ્યારે પ્રિયંક પટેલ સામે ધરપકડ વોરંટ કાઢવા આદેશ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.