હત્યાનો પ્રયાસ:ઘરમાં ખાવા દાણો ના હોઇ ​જમવાનું નહીં આપતાં ઉશ્કેરાયેલ પતિએ પત્નીને ધારિયાના ઘા ઝીંક્યા

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બહુચરાજીના સાપાવાડામાં જમવાનું નહીં આપતાં પત્નીની હત્યાનો પ્રયાસ
  • મહિલાને બહુચરાજી, મહેસાણા બાદ અમદાવાદ ખસેડાઈ, પતિની ધરપકડ

બહુચરાજી તાલુકાના સાપાવાડામાં પતિએ જમવાનું માગતાં ઘરમાં કંઈ નહીં હોવાથી જમવાનું બનાવ્યું નથી તેમ કહેતાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીના માથા અને શરીર ઉપર ધારિયાના ઘા ઝીંકી દીધા હતા. જેથી ગંભીર હાલતમાં મહિલાને બહુચરાજી, મહેસાણા બાદ અમદાવાદ સિવિલમાં સારવાર માટે ખસેડાઇ હતી. બહુચરાજી પોલીસે પતિ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

સાપાવાડામાં નરસિંહ જેઠાભાઈ દેવીપૂજકનો પરિવાર મજૂરીકામ કરે છે. 20 વર્ષથી તેની પત્ની કૈલાસબેન પિયરમાં ત્રણ પૈકી બે પુત્રો સાથે રહેતી હતી. છેલ્લાં એક માસથી કૈલાસબેન બંને પુત્રો સાથે પતિ સાથે રહેવા આવી હતી. મંગળવારે રાત્રે 8 વાગે નરસિંહ દેવીપૂજકે ઘેર આવીને પત્ની પાસે જમવાનું માગ્યું હતું. ઘરમાં કોઇ ચીજવસ્તુ ન હોવાથી જમવાનું બનાવ્યું નથી તેમ કહેતાં નરસિંહે ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલી તેની પત્ની કૈલાસબેનના માથામાં ધારિયું માર્યું હતું.

તેથી કૈલાસબેને બચાવો બચાવોની બૂમો પાડતાં પુત્ર મહેશે છોડાવી હતી. માથામાં અને શરીરે લોહી આવતું હોઇ 108 દ્વારા બહુચરાજી અને મહેસાણા સિવિલમાં પ્રાથમિક સારવાર આપી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી. પુત્ર મહેશે પિતા સામે ફરિયાદ આપતાં બહુચરાજી પોલીસે આરોપી પતિ નરસિંહ જેઠાભાઈ દેવીપૂજકની ધરપકડ કરી હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...