તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ભાજપ શાસિત જિલ્લા પંચાયતમાં મહિલા ચેરમેનના હક પતિદેવ ભોગવે છે, ભાસ્કરે મહિલા ચેરમેનને પૂછ્યું તો કહ્યું, ‘મેં જ પાવર ઓફ એટર્ની આપી છે’

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચેરમેન મીનાબેન પટેલ અને પતિ નરેન્દ્ર પટેલની તસવીર - Divya Bhaskar
ચેરમેન મીનાબેન પટેલ અને પતિ નરેન્દ્ર પટેલની તસવીર
  • જિલ્લા પંચાયત મહિલા-બાળ વિકાસ સમિતિનાં ચેરમેનના પતિએ ICDSની મિટિંગ લીધી, 8 ઠરાવ પણ કર્યા, પૂછતાં કહ્યું, ‘પત્નીને અનુભવ નથી એટલે મિટિંગ લઇ રહ્યો છું’
  • સ્ત્રી સશક્તિકરણની વાતો વચ્ચે ભાજપ શાસિત જિલ્લા પંચાયતમાં જ મહિલા ચેરમેનના હક પતિદેવ ભોગવે છે
  • મહિલા અને બાળવિકાસ સમિતિનાં ચેરમેન મીનાબેન પટેલે બચાવ કરતાં કહ્યું, મેં જ તેમને પાવર ઓફ એટર્ની આપી છે

ભાજપ શાસિત મહેસાણા જિલ્લા પંચાયતના હોલમાં સોમવારે આઇસીડીએસ વિભાગની બેઠક મળી હતી. જેમાં મહિલા અને બાળવિકાસ સમિતિનાં ચેરમેન મીનાબેન પટેલ વતી તેમના પતિ નરેન્દ્ર પટેલે બેઠક લઇ સ્ત્રી સશક્તિકરણના લીરા ઉડાવ્યા હતા. આ બાબતે પૂછતાં ચેરમેનના પતિએ કહ્યું કે, પત્નીને અનુભવ નથી એટલે હું બેઠક લઇ રહ્યો છું. જ્યારે મહિલા ચેરમેને કહ્યું કે, મેં પાવર ઓફ એર્ટની આપી છે.

અધિકારીના પતિ બેઠકમાં સ્ટેજ પર પણ બેસ્યાં
ગ્રામ પંચાયતથી માંડી જિલ્લા પંચાયત સુધીની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલા ઉમેદવારો ચૂંટાયા બાદ મોટાભાગે તેમના પતિ, પુત્ર કે દિયર પડદા પાછળ રહી શાસન કરતાં હોવાની સાથે બેઠકોમાં પણ હાજરી આપતાં હોય એ સામાન્ય બાબત છે. પરંતુ મહેસાણા જિલ્લા પંચાયતમાં સોમવારે મળેલી આઇસીડીએસ વિભાગની બેઠકમાં હદ તો ત્યારે થઇ જ્યારે ચેરમેન મીનાબેન પટેલના પતિદેવ નરેન્દ્રભાઇ પટેલ સ્ટેજ પર બિરાજ્યા. એટલુ જ નહીં એક કલાકની આ બેઠક પણ નરેન્દ્રભાઇએ લીધી અને વિવિધ કામગીરીના 8 જેટલા ઠરાવોનો નિર્ણય પણ પોતે જ લીધો.

મારી પત્નીને અનુભવ નથી તેથી સાથે બેઠો છુંઃ ચેરમેનના પતિ
સત્તાના નશામાં ડૂબેલા ચેરમેનના પતિએ આંગણવાડીઓના કામગીરીના અહેવાલો માંગવાની સાથે વિભાગના અધિકારીથી માંડી કર્મચારીઓને ખખડાવતા હોય તેમ કડક શબ્દોમાં સૂચનાઓ પણ આપી. આ દરમિયાન તેમની બાજુમાં બેઠેલા મહિલા ચેરમેન એક શબ્દ પણ ન ઉચ્ચારી શક્યા. બેઠક દરમિયાન દિવ્ય ભાસ્કર દ્વારા નરેન્દ્રભાઇ તમે સદસ્ય નથી તો કઇ સત્તાની રૂએ બેઠક લઇ રહ્યા છો તેમ પૂછતાં તેમણે કહ્યું કે, એમાં હું ખોટું શું કરી રહ્યો છું? મારાં પત્ની ચૂંટાયાં છે, એ ચેરમેન છે. એમને આ બાબતનો પૂરો અનુભવ નથી. એટલે હું આ પહેલી મિટિંગ પૂરતો એમના અનુભવ માટે અહીં બેઠો છું. હવે પછીની જે મિટિંગો થશે એ તેમના અધ્યક્ષ સ્થાને થશે. બીજી બાજુ ચેરમેન મીનાબેન પટેલે કહ્યું કે, મે પાવર ઓફ એર્ટની આપી છે.

ચેરમેનના પતિ સ્ટાફને પજવતા હોવાની રાવ
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, નરેન્દ્રભાઇ તેમની પત્નીની સત્તાનો દૂરુપયોગ કરી આઇસીડીએસ વિભાગના સ્ટાફને ગમે ત્યારે ફોન કરી તપાસ માટે વાહનોની માંગ કરતા હતા. તેમજ પત્નીને ચેરમેન પદ મળ્યા બાદ વિભાગના અધિકારીઓ સામે રોફ જમાવવા કલાકો સુધી બેસી વિવિધ મુદ્દે ચર્ચા કરતા આવ્યા છે. જોકે, સત્તા સામે શાણપણ નકામું માની સ્ટાફે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનું ટાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...