પાટણ-ગોઝારિયા નેશનલ હાઇવેમાં કપાતમાં આવતી જમીનના હીતકર્તા, સ્પર્શતા 146 ખેડૂતોના ખડકાયેલા વાંધામાં પ્રાન્ત અધિકારી કચેરી દ્વારા ખેડૂતોની રૂબરૂ સુનાવણી યોજવામાં આવી રહી છે. જેમાં ગુરુવારે મોટાભાગે ખેડૂતોએ પીળા પથ્થર(માર્કીંગ) મૂકાયા હોઇ તેમના સર્વે નંબરમાંથી કેટલી જમીન નેશનલ હાઇવે સંપાદનમાં જશે, તેને લગતી પૃચ્છાઓ કરી હતી.
જોકે હાલ પ્રાથમિક જાહેરનામા અન્વયે વાંધા સુનાવણી કરાઇ રહી છે. ડી.આઇ.એલ.આર કચેરી માપણી દફ્તરીની થ્રિડી જાહેર કરશે તેમાં કયા સર્વે નંબરમાં કેટલી જમીન હાઇવે સંપાદનમાં લેવાશે તે સ્પષ્ટ થશે. તેવો પ્રત્યુત્તર અધિકારીએ આપ્યો હતો. બે દિવસ સુનાવણી બાદ બાકી રહેતા ખેડૂત વાંધાઓમાં હવે તા. 4 માર્ચે સુનાવણીનો અંતિમ તબક્કો પૂર્ણ થશે.
મહેસાણા પ્રાન્ત કચેરીના હોલમાં ગુરુવારે પાટણ-ગોઝારિયા નેશનલ હાઇવે ઓથોરિટીમાં સંપાદનને લગતા વાંધાઓમાં પ્રાન્ત અધિકારી આર.આર.જાદવ, કે.કે.પરમાર, નેશનલ હાઇવે ઓથોરિટીના રવિકુમારે ખેડૂતોના પ્રશ્નો સાંભળ્યા હતા અને તેમને કાર્યપધ્ધતિ સાથે પ્રત્યુત્તરો અપાયા હતા. જેમાં પાંચોટ, ગોઝારિયા, અલોડા વગેરે ગામના ખેડૂતોએ મૂઝવણો રજૂ કરી હતી. દેદિયાસણાના એક ખેડૂતે માપણી કરી તેના ખૂંટ(પીળા પથ્થર) માર્યા છે. તે પથ્થર માર્યા તેમાં સંપાદન એરીયા આવી જાય? અને જેસીબીથી કામ કેમ ચાલુ કરાયું છે. તેવો સવાલ કર્યો હતો.
જોકે અધિકારીએ પ્રત્યુત્તરમાં કહ્યું કે, સરકારી અને ખાનગી માલિકીની જગ્યા વચ્ચેના બફરજોનમાં જેસીબીથી ક્લિનીંગ કામ કરવામાં આવે છે. જો ખાનગી માલિકીની જગ્યામાં જેસીબી કોન્ટ્રાક્ટર ફેરવે તો નેશનલ હાઇવે ઓથોરીટીને જાણ કરજો, આ અંગે સંપર્ક નંબર ખેડૂતોને આપીને અધિકારીએ કહ્યું કે, ડી.આઇ.એલ.આરથી માપણી દફ્તરીની થ્રિડી આવશે તેના આધારે આખરી કયા સર્વે નંબરમાંથી કેટલી જમીન જાય છે તે સ્પષ્ટ થશે, તે પહેલા કોઇ ખાનગી સર્વેમાં જેસીબી ફેરવાશે નહીં.
જ્યારે ડીમાર્ટ સર્કલ ઓવરબ્રિજ ક્યાથી શરૂ થઇને ક્યાં સુધી બનશે કેટલી લેન્થમાં બનશે. પાટણ-ગોઝારિયા નેશનલ હાઇવેમાં ક્યા ક્યા ફ્લાય ઓવરબ્રિજ આવશે, કેટલા મીટરના બનશે તેને લઇને સવાલો કરાયા હતા. નેશનલ હાઇવે ઓથોરિટીના પ્રતિનિધિએ સુનાવણીમાં જણાવેલ કે, રોડના સેન્ટરથી 15,22.5 કે 45 મીટર એમ જરૂરીયાત મુજબનું એલાઇમેન્ટ રહેશે. દરેક જગ્યાએ એક સરખુ ન હોઇ શકે. સર્વિસ રોડ કરાશે. ગોઝારિયાના ખેડૂતે ગોઝારિયામાં માપણીના પીળાપથ્થર લગાવ્યા નથી, બીજી તરફ જીઇબીએ બે વિજ થાંભલા સ્થળાતંર કરીને અનિયમિતરીતે ખેતર વચ્ચે નાંખી દીધા છે.
યુજીવીસીએલ ગોઝારિયામાં લેખિત આપેલ છે પણ હજુ યોગ્ય કરાયું નથી. જોકે આ અંગે ખેડૂતનું લેખિત યુજીવીસીએલને મોકલી અપાશે તેવું જણાવાયું હતું. 25 જેટલા ખેડૂતો વાંધા સુનાવણીમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંન્ત અધિકારી આર.આર.જાદવે કહ્યું કે, નેશનલ હાઇવે અંગેના જાહેરનામા પછીના વાંધા સુનાવણી કરાઇ રહી છે. ડી.આઇ.એલ.આર કચેરીથી માપણી ખરાઇ થઇને થ્રિડી આવશે. ત્યારે કયા સર્વે નંબરમાંથી કેટલી જમીન જાય છે તે ચોકકસ થઇ જશે, પછી આગળની પ્રક્રિયા કરાશે.
ગણપત યુનિવર્સિટીની બ્રિજ બનાવા રજૂઆત
પાટણ-ગોઝારિયા રોડ ખેરવા ગણપત યુનિવર્સીટી પાસેથી પસાર થતો હોઇ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર અમીતભાઇ પટેલ દ્વારા સર્વિસ રોડ અને બ્રિજની રજૂઆત કરાઇ હતી. યુનિવર્સીટીમાં 15 હજાર વિદ્યાર્થીઓ અને 1500 સ્ટાફનું આવન જાવનમાં વ્હીકલ મુવમેન્ટ સતત રહેતી હોય છે.
ત્યારે હાઇવેથી યુનિ. તરફ સર્વિસ રોડ આપવા તેમજ યુનિવર્સિટીની સામે છાત્રાલય અને કોમ્પલેક્ષો છે એટલે વિદ્યાર્થીઓનું સામાછેડે ક્રોસિંગમાં આવનજાવન રહેતું હોઇ અંડરપાસ કે ઓવરબ્રિજ કરવા લેખિત રજૂઆત કરાઇ હતી. તેમણે કહ્યું કે, રોડ ડેવલપમેન્ટ જરૂરી છે, આ વાંધો નહીં પણ રજૂઆત છે કારણ કે લાર્જર પબ્લિકને સ્પર્શતી યુનિવર્સિટી હોઇ નેશનલ હાઇવેમાં પબ્લિક સર્વિસના ભાગરૂપે વેલ્યુએડેડ માટે આ બે રજૂઆત કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.