કામગીરી:ચોમાસામાં ફેલાતાં મચ્છરજન્ય રોગો ડામવા જિલ્લામાં 11 જુલાઈથી હાઉસ ટુ હાઉસ સર્વે

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય તંત્ર દ્વારા ગામડાથી લઈને શહેરમાં 20 જુલાઈ સુધી સર્વે કામગીરી કરાશે
  • જિલ્લામાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા સહિતના રોગોના કેસો શોધી સારવાર પણ અપાશે

સમગ્ર જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. આ સિઝનમાં ઠેર ઠેર પાણી ભરાઈ રહેતાં મચ્છરજન્ય રોગો ફાટી નીકળતા હોય છે ત્યારે જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોને અટકાવવા માટે તેમજ આવા કેસો શોધી તેમને સારવાર આપવા સોમવાર 11 જુલાઈથી જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી હાથ ધરાનાર છે.

ચોમાસા દરમિયાન ગામડાઓમાં અને શહેરી વિસ્તારમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, બાગ-બગીચા, કોમર્શિયલ બાંધકામ વિસ્તાર, જીઆઇડીસી સહિતનાં તમામ જાહેર સ્થળો પર વરસાદી પાણી ભરાઈ રહેતાં મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ થાય છે. એમાંય દર વર્ષે ચોમાસામાં જ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગો ફાટી નીકળતા હોય છે ત્યારે જિલ્લા આરોગ્ય તંત્રના ડો. વિનોદભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા તેમજ તાલુકા અને ગામડા લેવલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફની મદદથી સોમવારે 11 જુલાઈથી સમગ્ર જિલ્લામાં મચ્છરજન્ય રોગોને અટકાવવા હાઉસ ટુ હાઉસ સર્વે કામગીરી હાથ ધરાશે.

સર્વે દરમિયાન મચ્છરોની ઉત્પત્તિ સ્થાનોની તપાસ કરી પોરાનાશક તેમજ પાણી જ્યાં ભરાઈ રહેતાં હોય ત્યાં ટેમીફોસ નામની દવા નાખવામાં આવશે. મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા કેસોમાં લોહીના નમૂના લઇ દર્દીઓને પ્રાથમિક સારવાર અપાશે. મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના શંકાસ્પદ કેસોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં રિફર કરવાની પણ સૂચના અપાઇ છે. સર્વેની આ કામગીરીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, આગેવાનો, સહકારી મંડળી, દૂધ મંડળી, યુવક મંડળ સહિતને પણ જોડવામાં આવશે અને તે માટે આરોગ્ય તંત્ર દ્વારા એક્શન પ્લાન પણ તૈયાર કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...