મહેસાણાના સોના-ચાંદી બજારમાં એક વર્ષ પછી જ્વેલરીની ખરીદીમાં તેજી દેખાઇ છે. ગત ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં જ્વેલર્સ માર્કેટમાં દાગીના ખરીદીમાં ખાસ્સો ઉછાળો આવ્યો હતો. સોમવારે સોનાનો ભાવ રૂ.300 ઘટી રૂ. 49,300 (તોલો) થતાં મંગળવારે ધનતેરસના શુભ દિવસે સોના-ચાંદી તેમજ દાગીનાની ખરીદીમાં પુષ્ય નક્ષત્ર કરતાં પણ વધુ ખરીદી રહેશે તેવા સંકેતો જ્વેલર્સ સૂત્રોમાંથી સાંપડ્યા હતા.
સોના લગડીમાં 10 ગ્રામના રૂ. 49,300 અને દાગીનામાં રૂ.44,200 ભાવ છે. જ્યારે ચાંદી કિલો રૂ.65 હજારના ભાવે પહોંચી છે. ત્યારે મહેસાણા શહેરમાં સોના-ચાંદીના જ્વેલર્સ શોરૂમ, દુકાનો મળી કુલ 220 જેટલી દુકાનોમાં વેપારીઓને એક વર્ષ પછી સારી ઘરાકી ખુલતાં ધનતેરસે દાગીના ખરીદીમાં વધુ સારી રહેશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો. જ્વેલરી બજારમાં સોનાની બુટ્ટી, વીંટી, પેન્ડલ જેવા નાના દાગીના ઉપરાંત ચેઇન, સેટની ડિમાન્ડ પણ વધી છે. એન્ટીક જ્વેલરીમાં ઘણી વેરાઇટી બજારમાં ઉપલબ્ધ હોઇ ગ્રાહકોને પસંદગીની જ્વેલરી મળી રહે છે.
જ્વેલર્સ કિરીટભાઇ પટેલે જણાવ્યું કે, છેલ્લા ત્રણ-ચાર વર્ષથી જ્વેલરીની ડિમાન્ડ વધી છે, કારણ કે હોલમાર્ક દાગીના હોઇ ગ્રાહકને કોઇ નુકસાન નથી અને દાગીના બદલે ત્યારે માત્ર મજૂરી બાદ થાય, બાકી ભાવ મળી રહેતાં હોઇ હાલ લગડીની જગ્યાએ રોકાણ અને પહેરવા બંને દ્રષ્ટીકોણથી દાગીનાની ખરીદી 70 ટકા વધી છે. વેપારી રમેશભાઇ પટેલે કહ્યું કે, હાલમાં જ્વેલરી માર્કેટમાં ઘરાકી સારી છે. પુષ્ય નક્ષત્રની જેમ જ ધનતેરસે પણ બજારમાં તેજી રહેશે. રોકાણમાં લગડીની ડિમાન્ડ પણ સારી રહી છે. નવેમ્બરમાં લગ્નસરાને લઇ દાગીના ખરીદી પણ ધનતેરસે સારી રહે તેવી આશા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.