વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે શનિવાર મધરાત બાદ 3 વાગે ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે તેજ પવન ફૂંકાયો હતો. જેમાં બનાસકાંઠાના અમીરગઢ અને દાંતીવાડા પંથકમાં 1 થી 2 મીમી જેટલો કમોસમી વરસાદ નોંધાયો હતો. જ્યારે મહેસાણા, પાટણ જિલ્લામાં છાંટા પડ્યા હતા. પાટણ જિલ્લાના ધોકાવાડામાં વીજળી પડતાં ખેડૂતનો ખળામાં પડેલો જીરુંનો તૈયાર પાક બળી ગયો હતો. તો સુઇગામ તાલુકાના રડોસણની સીમમાં ખેતરની વાડ સળગી ગઇ હતી. જોકે, સદનસીબે જાનહાની ટળી હતી. જ્યારે ભારે પવનના કારણે એરંડા અને કપાસનો ઊભો પાક આડો પડી ગયો હતો.
રવિવારે દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે પ્રતિ કલાકે 12 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હોય તેમ ગરમી 3 ડિગ્રી સુધી ઘટી હતી. જેને લઈ મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 35 થી 37.3 ડિગ્રી વચ્ચે રહ્યો હતો. જોકે, રવિવાર સાંજે 6 વાગ્યા સુધી નોંધણીલાયક વરસાદ પડ્યો ન હતો. મોટાભાગનો ઉનાળુ પાક કાપણીને આરે પહોંચ્યો છે ત્યારે માવઠાની સ્થિતિ સર્જાતાં ખેડૂતો તૈયાર પાકને લઇ ચિંતિત થયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, સોમવારે પણ દિવસ દરમિયાન વધુ પવન ફૂંકાઈ શકે છે. તેમજ વાદળછાયા વાતાવરણ વચ્ચે છુટાછવાયા વિસ્તારોમાં હળવા ઝાપટાં પડી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.