ઉ.ગુ.ના 23 તાલુકામાં વરસાદ:સવારે-બપોરે ગરમી, સાંજે કડાકા ભડાકા સાથે વરસાદ

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ મહેસાણામાં પોણા બે, જોટાણા-પાલનપુરમાં દોઢ, ખેરાલુ, વિસનગર અને બહુચરાજીમાં અડધો ઇંચથી વધુ
  • દાંતામાં વીજળી પડતાં માલધારી અને તેનાં 50 બકરાંનાં મોત, મહેસાણામાં 3 અને સાબરકાંઠામાં 5 પશુ મોતને ભેટ્યાં

છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે 23 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં 6 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. 17 તાલુકાઓમાં અડધા ઇંચ સુધીનો વરસાદ થતાં વાતાવરણમાં દિવસભરના ઉકળાટ બાદ સાંજના સમયે ઠંડક પ્રસરી હતી. જ્યારે વીજળી પડતાં દાંતામાં માલધારી અને તેનાં 50 બકરાંનાં મોત તેમજ મહેસાણા જિલ્લામાં 3 અને સાબરકાંઠામાં 5 પશુનાં મોત થયાં હતાં.

સતત બીજા દિવસે રવિવારે સવારથી કાળઝાળ ગરમી બાદ બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જેને લઇ એક જ દિવસમાં ગરમી અને ઠંડક બેવડી ઋતુનો અનુભવ થયો હતો. ઉત્તર ગુજરાતમાં શનિવારે સાંજે 6 થી રવિવાર સાંજના 6 વાગે પૂરા થતા 24 કલાકમાં સૌથી વધુ મહેસાણામાં પોણા બે ઇંચ, જોટાણા અને પાલનપુરમાં દોઢ ઇંચથી વધુ તેમજ ભિલોડા, પોશીના અને ખેરાલુમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો.

મહેસાણાના વિસનગર અને બહુચરાજી, બનાસકાંઠાના ડીસા અને અમીરગઢ, સાબરકાંઠાના વિજયનગર અને ખેડબ્રહ્મા, અરવલ્લીના માલપુર અને પાટણના શંખેશ્વરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત, સિદ્ધપુર, મોડાસા, મેઘરજ, ઊંઝા, દાંતા, કડી, વડનગર, વિજાપુર તાલુકામાં હળવો વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

કેટલીક જગ્યાએ વીજળી પડવાના કારણે વીજ ઉપકરણો બળી ગયાની ફરિયાદો ઊઠી હતી. જ્યારે દાંતાના અડેરણ (ત) ગામના ચમનભાઈ દેવરાજભાઈ રબારી (35) અને તેમનો ભાઈ પોતાના બકરા ચરાવવા માણેકનાથ ડુંગર વિસ્તારમાં ગયા હતા. સાંજેે એક ભાઈ બકરા લઇને નીચે ઉતરી ઘરે પહોંચી ગયો હતો. પરંતુ પરત ન આવતા ં શોધ ખોળ હાથ ધરી હતી. જ્યા વીજળી પડવાથી ચમનભાઈ સહિત તેના 40 થી 50 બકરાના મોત થયા હતા.

જ્યારે પોશીના તાલુકાના દોતડ ગામમાં રવિવારે વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો હતો તેવામાં તરાલ નવલાભાઈ રાજભાઈના ખેતર માં સાંજના સુમારે વીજળી પડવાથી 3 ગાયો અને 2 વાછરડા સહિત કુલ 5 પશુના મોત થતા પશુપાલક પર આભ તૂટી પડ્યું હતું.

મહેસાણા : શહેરવાસીઓને રવિવારે સાંજના 5 કલાકે વીજળીના તેજ ચમકારા અને કડાકા ભડાકાએ ધ્રુજાવી નાખ્યા હતા. આકાશમાં થતા વીજળીના લપકારાથી જાણે આકાશી યુદ્ધ ખેલાઇ રહ્યું હોય તેમ જણાતું હતું.

આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના
હવામાન સૂત્રો અને ખાનગી વેધર એજન્સીઓ મુજબ આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે. ખાસ કરીને સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. મહેસાણા, પાટણમાં પણ શક્યતા બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...