રાજ્ય સહિત મહેસાણા જિલ્લામાં વિધાનસભા ચૂંટણીનો જંગ જામ્યો છે. ત્યારે ગઈકાલે સાંજે વીસનગર વિધાનસભા સીટ પર ભાજપના ઉમેદવાર અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પોતાના કાર્યાલયના ઉદઘાટન બાદ કોંગ્રેસ પર પ્રહાર કરંતા જણાવ્યું હતું કે વીસનગરમાં કોંગ્રેસ 1985થી જીતી જ નથી અને ભવિષ્યમાં પણ જીતશે નહીં. લીડની વાત તો જવા દો, કોંગ્રેસને શરમ આવશે કે આટલા જ મત મળ્યા.
ઋષિકેશ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
વીસનગર બેઠક પર ભાજપ તરફથી ઋષિકેશ પટેલને ટિકિટ અપાઈ છે. ત્યારે વીસનગર વિધાનસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરાયો હતો, જ્યા મોટી સંખ્યામાં જનમેદની ઊમટી પડી હતી. ઉપસ્થિત લોકોએ ઋષિકેશ પટેલની જીત માટે સમર્થન પૂરું પાડ્યું હતું તેમજ ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલે પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
જંગી બહુમતીથી જિતાડવા કાર્યકરોએ સમર્થન આપ્યું
મહેસાણા જિલ્લાની સાત વિધાનસભા બેઠક પૈકી વીસનગર વિધાનસભા બેઠક પર પૂર્વ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને ભાજપ દ્વારા ટિકિટની ફાળવણી કરાઈ છે, જેને લઈ તેની વિધાનસભા ચૂંટણી અંતર્ગત મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે. શુભારંભ પ્રસંગે સંતો-મહંતોથી લઈ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નાગરિકો જોડાયા હતા. આ પ્રસંગે ઋષિકેશ પટેલે ભાજપનાં કાર્યો અને જનતાનો તેમના પ્રત્યેનો જે વિશ્વાસ છે એ વિજય અપાવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉપસ્થિત લોકોએ પણ ઋષિકેશ પટેલને જંગી બહુમતીથી વીસનગર બેઠક જિતાડવા સમર્થન કર્યું હતું.
વીસનગરમાં ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિપાંખિયો જંગ
ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે છેલ્લાં 15 વર્ષથી મારી સાથે જોડાયેલા તમામ કાર્યકરો અને લોકોનો હું આભાર માનું છું. તમે મૂકેલો વિશ્વાસ અને એના આધારે જ ભાજપને જ્યારે મને ફરી ચોથી વખત તક આપી હોય ત્યારે વિકાસના માર્ગ પર અનેક નવાં શિખરો સર કરવા માટે વીસનગર સજ્જ છે. 1985થી આજ સુધી વીસનગરનો ઇતિહાસ રહ્યો છે કે, ક્યારે પણ કોંગ્રેસ જીતી નથી અને ભવિષ્યમાં પણ જીતશે નહિ. લીડની વાત જવા દો, કોંગ્રેસને શરમ આવશે કે અમને આટલા જ મત આવ્યા, એમ કહી તેના પર પ્રહાર કર્યા હતા. વીસનગરમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે, જોકે વીસનગર બેઠક પર કોંગ્રેસે હજુ પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.