ક્રાઇમ:કોલેજ જવા નીકળેલી યુવતીનું કારમાં અપહરણ કરી દુષ્કર્મ કર્યું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નંદાસણ પંથકની યુવતી પર પાલાવાસણા નજીક યુવકનો બળાત્કાર
  • નંદાસણ ઓવરબ્રિજ નીચેથી 4 યુવકોએ કારમાં અપહરણ કરી કેફી પીણું પીવડાવતાં બેભાન થઈ ગઈ, ચાર સામે ગુનો

નંદાસણ પંથકના એક ગામની યુવતીને નંદાસણના ઓવરબ્રિજ નીચે સફેદ કલરની કારમાં બેસાડી 4 યુવકોએ કાળા કલરનુ પીણું પીવડાવી બેભાન કરીને પાલાવાસણા નજીક કોઈક ઘરે લઈ જઈ બળાત્કાર કરી બાયપાસ હાઈવે ઉપર ઉતારી દેવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા બાદ યુવતીએ સમગ્ર ઘટનાક્રમ જણાવતા પોલીસ અધિકારીઓ ચોંકી ગયા હતા. નંદાસણ પોલીસે સેમ નામના યુવક સહિત 4 સામે ગુનો નોંધીને દુષ્કર્મના સ્થળની ઓળખ કરીને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

નંદાસણ નજીકના એક ગામની યુવતી પરિવારજનોને કડીમાં કોલેજ ખાતે જવાનું કહીને મંગળવારે સવારે 10-30ના સુમારે નીકળી હતી. બલોલ રોડ ઉપરના ગામમા માસીના ત્યાં જવાનું કહીને નંદાસણના બ્રિજ નીચે ઉભી હતી તે દરમિયાન 4 યુવકો સફેદ કલરની કાર લઈને આવ્યા હતા. કારમાં યુવતીને બેસાડ્યા બાદ કાળા કલરનું પીણું પીવડાવતા તેણી બેભાન થઈ હતી. બેભાન થયા બાદ પાલાવાસણા નજીક કોઈક ઘરે લઈ જઈ યુવતી ઉપર 4 પૈકી એક યુવકે બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ યુવતીને મહેસાણાના બાયપાસ રોડ ઉપર કરશનપુરાના પાટીયા નજીક ઉતારીને ભાગી ગયા હતા.

કોઈકે 108ને કોલ કરતા યુવતીને 108 દ્વારા સિવિલમાં દાખલ કરાઈ હતી. જ્યાંથી યુવતીએ સમગ્ર ઘટનાક્રમ જણાવતા પોલીસ અધિકારીઓ ચોંકી ગયા હતા. યુવતીએ આપેલા નિવેદનના આધારે નંદાસણ પોલીસે સેમ નામના યુવક અને 3 અજાણ્યા યુવકો સામે અપહરણ, દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને યુવતીનું મેડીકલ કરાવી વધુ તપાસ શરૂ કરી છે.

દુષ્કર્મના સ્થળ ઓળખની કામગીરી શરૂ કરી
નંદાસણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.બી.ખાંટે જણાવ્યુ હતુ કે, યુવતીના નિવેદનના આધારે સેમ નામના યુવક અને 3 અજાણ્યા યુવકો સામે ગુનો નોંધ્યો છે. મહેસાણા સિવિલમાં યુવતીનું મેડીકલ કરાવીને દુષ્કર્મના સ્થળની ઓળખ માટે કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ આરોપીઓ ભાગી જાય નહી તે માટે પણ શોધખોળ શરૂ કરી છે.

આરોપીઓના સમાધાનના પ્રયાસો નિષ્ફળ
દુષ્કર્મ કરનાર આરોપીઓએ યુવતીના નજીકના એક સગાને બોલાવીને નાણાના જોરે સમગ્ર કેસ દબાવી દેવાની કોશિશ બુધવાર સવારથી જ શરૂ કરી દીધી હતી. પરંતુ, મહેસાણા પોલીસના કડક વલણના કારણે આરોપીઓના તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા.

1 શખ્સ અગાઉ પણ યુવતીને ભગાડી ગયો હતો
ચાણસ્મા તાલુકાના એક ગામનો શખ્સ આ કેસમાં સંડોવાયેલો હોવાની ચર્ચા ઉઠતાં તેનો ભૂતકાળ પણ બહાર આવી રહ્યો છે. ગામના લોકોની ચર્ચા મુજબ એક જ મહોલ્લાની યુવતીને ભગાડીને લઈ ગયા બાદ ગર્ભ રહી ગયા બાદ યુવતીને તરછોડી દીધી હતી.

મહેસાણાના ગામના 3, ચાણસ્મા પંથકનો 1
બુધવારે સવારથી મહેસાણા શહેર સહિત પંથકમાં ટોક ઓફ ધી ટાઉન બનેલા અપહરણ અને દુષ્કર્મના આ કિસ્સાના આરોપીઓમાં 3 શખ્સો મહેસાણા તાલુકાના એક ગામના અને એક શખ્સ ચાણસ્મા તાલુકાના એક ગામનો યુવક હોવાની ચર્ચા થઈ રહી છે. તેથી નંદાસણ પોલીસે પણ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...