મહેસાણા શહેરમાં આવેલા સોનીવાડ વિસ્તારમાં રહેતાં ભાવનાબેન ઠાકોરની સંઘર્ષ ગાથા સાંભળી ભલભલા લોકોના રૂંવાડાં ઊભાં કરી દે એવી છે. આ વિધવા મહિલા થોડાં વર્ષ અગાઉ માલગોડાઉન રોડ પર પતિ, પુત્ર સાથે રહેતી હતી. એ સમયે મકાનનો છતનો ભાગ મહિલા પર પડતાં તેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા અને શરીરમાં ઈજાઓ થતાં તેઓ કાયમી અપંગ બન્યાં હતાં. છેલ્લાં 13 વર્ષથી તેઓ બાળકોને સાચવે છે અને બેડ પર સૂતાં-સૂતાં ઘરનાં કામ કરે છે.
2007માં દુર્ઘટના ઘટી હતી
માલગોડાઉન વિસ્તારમાં 2007માં ભાવનાબેન ઠાકોર તેઓ પોતાના પતિ રમણજી અને દોઢ વર્ષીય પુત્ર વિપુલ સાથે આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે જર્જરિત મકાનમાં ભાડેથી રહેતાં હતાં, ત્યારે તેમના મકાનની ગેલેરીમાં ઊભાં હતાં ત્યારે જર્જરિત મકાનની ગેલરી જમીન દોસ્ત થઈ જતાં આ મહિલા જમીન પર પટક્યાં હતાં. કમરના મણકામાં ઇજા થતાં કમરની નીચેનો ભાગ કાયમી માટે કામ કરતો બંધ થઈ ગયો હતો.
દુર્ઘટનાના 6 મહિના બાદ કેન્સરગ્રસ્ત પતિનું પણ મૃત્યુ
ભાવનાબેન પર છત પડવાના અકસ્માતના છ મહિના બાદ તેમના કેન્સરગ્રસ્ત પતિનું પણ મોત નીપજતાં આ મહિલા આર્થિક અને શારીરિક યાતનાઓ વેઠીને પોતાના દોઢ વર્ષના પુત્રને ઉછેરીને મોટો કર્યો. આજે પુત્ર 17 વર્ષનો થઇ ગયો છે અને મહિલાનો સહારો બન્યો છે. મહિલાઓની યાતનાને સમજીને સ્થાનિક માલગોડાઉનના વેપારીઓ મદદ કરી રહ્યા છે. જોકે માહિલાએ જણાવ્યું હતું કે અફસોસ એ વાતનો છે કે હું જે સમાજમાંથી આવું છું એ ઠાકોર સમાજના કોઈ આગેવાને મારી ખબર સુધ્ધાં પૂછી નથી.
બાપાસીતારામ ટ્રસ્ટ રાશનની કિટ પૂરી પાડે છે
કોરોના મહામારીના સમયમાં લોકડાઉનમાં રાશન કિટનું વિતરણ કરવા નીકળેલા શહેરના ભાટવાડામાં રહેતા વિષ્ણુભાઈ બારોટ અકસ્માતે આ મહિલાના ઘરે પહોંચી ગયા હતા, જ્યાં તેમણે ભાવનાબેનને શારીરિક અને આર્થિક પીડા જોઈ, જાણીને પોતાની કરુણતાનો ભાવ પ્રગટાવી પાલિકાના કર્મચારીઓની મદદથી મહિલા અને પુત્રનું રહેઠાણ બદલવા વહારે આવ્યા હતા. હાલ વિષ્ણુભાઈ બારોટની મદદથી આ મહિલા સોનીવાડામાં આવેલા એક સારા મકાનમાં રહી જીવન ગુજારે છે. તમામ ખર્ચ સેવાભાવી વિષ્ણુભાઈ બારોટે ઉપાડ્યો હતો. માતા અને પુત્રના રાશનકિટ બાપાસીતારામ ટ્રસ્ટમાંથી પૂરું પાડવામાં આવી રહી છે.
આ મહિલા સૂતાં-સૂતાં રસોઈ, કપડાં જેવાં કામો કરે છે
અકસ્માતમાં કાયમી અપંગતા ઘરાવતાં ભાવનાબેન કુંતા સૂતાં-સૂતાં જ પોતાના ઘરમાં રસોઈ બનાવવાનું અને કપડાં ધોવા સહિતનું કામ જાતે જ કરે છે. જોકે કચરા-પોતું કરવા માટે કે અન્ય ભારે કામ કરવા માટે તેમનો પુત્ર વિપુલ તેમની મદદ કરવા હંમેશાં ખડેપગે રહે છે.
વિધવા સહાયની રકમ મળે છે
ભાવનાબેનના પતિના અવસાન બાદ તેમને માનસિક વિધવા સહાયની સરકારી રકમ મળે છે, પરંતુ તેમને વિકલાંગ હોવાનું સરકારી સર્ટિફિકેટ મેળવવા ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. પતિ હયાત હતા ત્યારે સરકારી કચેરીમાં વિકલાંગતાનું સર્ટિફિકેટ લેવા ધક્કા ખાતા હતા, પરંતુ પતિના અવસાન પછી 13 વર્ષ પછી પણ આ મહિલાને સર્ટિફિકેટ માટે રાહ જોવી પડી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.