હવામાન:પવનની દિશા બદલાતાં રાતના તાપમાનમાં અડધો ડિગ્રી ઘટાડો

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉ.ગુ.માં દિવસ અને રાતના તાપમાનમાં 9 ડિગ્રી તફાવત
  • દિવસનું તાપમાન 34.6 અને રાતનું તાપમાન 25.6 ડિગ્રી

ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની શરૂઅાત સાથે પવનની દિશા પણ બદલાઇ રહી છે. જેને લઇ મંગળવારે ગરમીનો પારો અડધો ડિગ્રી વધતાં મુખ્ય 5 શહેરોનું તાપમાન 34.1 થી 34.6 ડિગ્રીની વચ્ચે, જ્યારે રાત્રીના તાપમાનમાં વધુ અડધા ડિગ્રીના ઘટાડા સાથે 25.3 થી 25.6 ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું. દિવસ અને રાતના તાપમાનમાં 9 ડિગ્રીના અંતર વચ્ચે બેવડી ઋતુનો પ્રારંભ થઇ ચૂક્યો છે. વેધર એક્સપર્ટના જણાવ્યા અનુસાર, રાજસ્થાનમાં એક એન્ટી સરક્યુલેશન સિસ્ટમ બની રહી છે. જે આગામી 48 કલાકમાં પ્રબળ બનશે.

સિસ્ટમ સક્રિય થતાં હવે ઉત્તર ગુજરાતમાં ફૂંકાતી હવાની દિશામાં પણ ફેરફાર થવાની શરૂઅાત થઇ છે. અત્યાર સુધી ઉત્તર ગુજરાતમાં ફૂંકાતા પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી બદલાઇને મંગળવારે ઉત્તર-પશ્ચિમની થઇ હતી. ઉત્તર-પશ્ચિમ દિશાના સૂકા પવનના કારણે હવે ધીમે ધીમે ભેજનું પ્રમાણ ઘટવાનું શરૂ થશે. જેના કારણે ઉત્તર ગુજરાતમાં દિવસનું તાપમાન ઉચકાશે. જ્યારે રાત્રીના તાપમાનમાં સતત ઘટાડો અાવશે. અેટલે કે જ્યાં દિવસે ગરમી અને ઉકળાટનો સામનો કરવો પડશે, ત્યાં રાત્રે ઠંડકનો અનુભવ થશે.

અન્ય સમાચારો પણ છે...