આગાહી:ઉ.ગુ.માં હેલી: ભિલોડા-ધનસુરામાં સવા 4 ઇંચ વરસાદ

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે ઉ.ગુ.ના 51 થી 75% વિસ્તારમાં હળવાથી અઢી ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે
  • 24 કલાકમાં સતલાસણા 3, કડી અઢી, મહેસાણા-વિજાપુરમાં 2 ઇંચ, વિસનગર પોણા 2, વડનગર દોઢ, જોટાણા સવા અને ઊંઝામાં 1 ઇંચ પડ્યો

ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક સવાયો વરસાદમાં સૌથી વધુ સવા 4 ઇંચ વરસાદ ભિલોડા અને ધનસુરા પંથકમાં ખાબક્યો હતો. આ ઉપરાંત ઇડરમાં પોણા 4 ઇંચ તેમજ બાયડ, બહુચરાજી, પ્રાંતિજ, તલોદ અને દાંતામાં સવા 3 ઇંચ, જ્યારે ધાનેરા, સતલાસણા અને ચાણસ્મામાં પોણા 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. સાર્વત્રિક વરસાદના કારણે વાતાવરણ ઠંડુગાર રહ્યું હતું.

બીજી બાજુ હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર ગુજરાતમાં બુધવારે વરસાદનું જોર ઘટી શકે છે. જેમાં 51 થી 75% વિસ્તારમાં હળવાથી લઇ અઢી ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. એમાં પણ વરસાદનું સૌથી વધુ જોર મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં, જ્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદનું જોર ઓછું રહી શકે છે.

મહેસાણામાં દિવસભર ઝાપટાં ચાલુ રહ્યાં
મહેસાણા શહેરમાં દિવસભર છુટાછવાયા વરસાદી ઝાપટાં પડવાનું ચાલુ રહ્યું હતું. ગોપીનાળામાં માંડ પાણી ઓસરતાં વાહન વ્યવહાર ચાલુ થાય ને બંધ કરવાની ફરજ પડતી હતી. તો નીચાણમાં રોડ સાઇડે પાણી ભરાયેલાં જોવા મળ્યા હતા.

ઉત્તર ગુજરાતમાં 24 કલાકમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ
મહેસાણા : બહુચરાજીમાં સવા 3 ઇંચ, સતલાસણામાં પોણા 3 ઇંચ, કડીમાં અઢી ઇંચ, મહેસાણા અને વિજાપુરમાં 2 ઇંચ, વિસનગરમાં પોણા 2 ઇંચ, વડનગરમાં દોઢ ઇંચ, જોટાણામાં સવા 1 ઇંચ, ઊંઝામાં 1 ઇંચ, ખેરાલુમાં 19 મીમી
પાટણ : ચાણસ્મામાં પોણા 3 ઇંચ, સરસ્વતીમાં દોઢ ઇંચ, સિદ્ધપુરમાં સવા 1 ઇંચ, પાટણ અને શંખેશ્વરમાં 1-1 ઇંચ, રાધનપુરમાં 21 મીમી, સાંતલપુરમાં 8 મીમી, હારિજમાં 7 મીમી, સમીમાં 3 મીમી
બનાસકાંઠા : દાંતા સવા 3, ધાનેરા પોણા 3, લાખણી અઢી, ડીસા સવા 2, દાંતીવાડા 2, અમીરગઢ-થરાદ પોણા 2 ઇંચ, દિયોદર, વડગામ અને પાલનપુર દોઢ ઇંચ, વાવમાં 1 ઇંચ, કાંકરેજ 17 મીમી, ભાભર 13, સુઇગામ 8 મીમી
સાબરકાંઠા : ઇડર પોણા 4 ઇંચ, પ્રાંતિજ-તલોદમાં સવા 3, હિંમતનગર અઢી, વડાલી પોણા 2, ખેડબ્રહ્મા સવા, પોશીના 1 ઇંચ, વિજયનગર 12 મીમી
અરવલ્લી : ભિલોડા અને ધનસુરામાં સવા 4 ઇંચ, બાયડમાં સાડા 3 ઇંચ, માલપુરમાં સવા 2 ઇંચ, મેઘરજમાં દોઢ ઇંચ, મોડાસામાં સવા 1 ઇંચ
(નોંધ : સોમવાર સાંજે 6 થી મંગળવાર સાંજે 6 વાગ્યા સુધી 24 કલાકનો વરસાદ)

અન્ય સમાચારો પણ છે...