ઉત્તર ગુજરાતમાં શુક્રવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરના સમયે અસહ્ય ઉકળાટ અનુભવાયો હતો. ગરમી અને ઉકળાટના અનુભવ વચ્ચે બપોર બાદ અરવલ્લી જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. મેઘરજ, માલપુર, ઉભરાણ, ભિલોડા પંથકમાં કરા પણ પડ્યા હતા. જ્યારે વિજાપુરના કુકરવાડા સહિતના આસપાસના ગામોમાં છાંટા પડ્યા હતા. મૂળ રાજસ્થાનના રહેવાસી અને ભિલોડા તાલુકાના બુઢેલી ગામે રહી પશુપાલનનો વ્યવસાય કરી જીવન નિર્વાહ ચલાવતા સોધાજી જોધાજી રબારી (45)નું વીજળી પડવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
નિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ટ્રફલાઇનના કારણે શનિવારે વાતાવરણ વાદળછાયું બન્યું હતું. અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્ચે માંડ બપોરનો સમય પસાર થયો ત્યાં તો અરવલ્લી જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેમાં મેઘરજ અને માલપુરમાં સૌથી વધુ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ધનસુરામાં 6 મીમી અને ભિલોડામાં 1 મીમી વરસાદ પડ્યો હતો. બીજી બાજુ મોડાસા તાલુકાના ટીંટોઇ તેમજ આસપાસના ગામોમાં કરા પડતાં ભાગદોડ મચી હતી.
માવઠાના કારણે મોડાસા સાથે હિંમતનગરમાં ગરમીનું પ્રમાણ પોણા 3 ડિગ્રી સુધી ઘટતાં પારો 34 ડિગ્રીથી નીચે રહ્યો હતો. બીજી બાજુ મહેસાણા, પાટણ અને ડીસામાં ગરમીનો પારો 34 થી 35.4 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. તેમજ અસહ્ય ઉકળાટ વચ્ચે દિવસ પસાર થયો હતો. જોકે, સાંજ પડતાં વાતાવરણ ફરી ઠંડુગાર બન્યું હતું.
20 માર્ચ સુધી છુટાછવાયાં ઝાપટાંની સંભાવના
હવામાન વિભાગની આગાહી મુજબ, 18 માર્ચને શનિવારે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં હળવો કમોસમી વરસાદ પડી શકે છે. 19 અને 20 માર્ચના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં છુટાછવાયા વિસ્તારોમાં ઝાપટાંની શક્યતા છે. આ દરમિયાન વાતાવરણમાં ઉકળાટ રહેવાની સંભાવના છે. તેમજ ગરમીમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા ના બરાબર રહેલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.