સ્ટેટ જીએસટી મહેસાણા વિભાગની ટીમ દ્વારા બોગસ બિલિંગને ડામવા માટે વેપારી પેઢીઓના વેપાર સામે નાણાકીય વ્યવહારોનું સર્ચ કરવામાં આવી રહ્યું છે. જેમાં 45 પેઢીઓની પ્રાથમિક તપાસ પૈકી ઊંઝા, કહોડા, વિસનગર અને સિદ્ધપુર સ્થિત 6 પેઢીઓ બોગસ મળી આવી છે અને આ 6 પેઢીઓ થકી રૂ.36.13 કરોડના બિલો ઇસ્યુ કરી રૂ.1.81 કરોડની ખોટી વેરાશાખ મેળવી લેવાયાનું બહાર આવતાં પેઢી સંચાલકો સામે કાર્યવાહી કરવા તંત્રએ તૈયારી હાથ ધરી છે.
સ્ટેટ જીએસટી મહેસાણા વિભાગના અધિકારીઓ દ્વારા 7 જાન્યુઆરીએ 45 પેઢીઓના સ્થળે સર્ચ કરી ચકાસણી કરાઇ હતી. આ કાર્યવાહીમાં પ્રાથમિક તપાસમાં 6 પેઢીઓ બોગસ મળી આવી છે. આ 6 પેઢીઓમાં ડોક્યુમેન્ટસનો દુરુપયોગ કર્યાનું ધ્યાને આવતાં ચકાસણીની કામગીરીમાં 29 શખ્સો મળી આવ્યા ન હતા. જેમને શોધખોળ હાથ ધરાઇ છે. આ બોગસ પેઢીઓ મારફતે રૂ.36.13 કરોડના બિલો ઇસ્યુ કરી રૂ.1.81 કરોડ વેરાશાખ પાસઓન કરવામાં આવી છે. સૂત્રો મુજબ, બીજાના નામના ડોક્યુમેન્ટ આધારે બોગસ પેઢીઓ ખોલી બોગસ બિલિંગ વ્યવહારોથી ખોટી રીતે વેરા શાખ સરકાવી લેતી હોય છે.
બોગસ પેઢીઓની મદદથી છેતરપિંડી આચરી ખોટી વેરાશાખા મેળવનારા રિયલ ટેક્ષપેયર એટલે કે બેનીફીશયરી સુધી જીએસટી સિસ્ટમથી પહોંચી શકાય છે. જેથી જીએસટી વિભાગ દ્વારા આવી પેઢીઓ થકી ખોટી વેરા શાખ ભોગવનાર પાસેથી વેરાની વસુલાત તથા આવી પેઢીઓ ઉભી કરનાર અને તેને સંચાલિત કરતા શખ્સો સામે ધરપકડ સહિતની કાર્યવાહી કરાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
જીએસટીની પ્રાથમિક તપાસમાં મળી આવેલ 6 બોગસ પેઢીઓ
1. અંકિત લાઇન એગ્રો, ઊંઝા
2. ન્યુ સચિન ટ્રેડિંગ, ઊંઝા
3. ડી.એમ.એન્ટરપ્રાઇઝ, ઊંઝા
4. ઉમા ટ્રેડિંગ, વિસનગર
5. ગણેશ ટ્રેડર્સ, કહોડા
6. જે. માધવ એન્ડ સન્સ, સિદ્ધપુર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.