સમસ્યા:મહેસાણામાં ગંજથી કસ્બા, ભમ્મરીયા નાળામાં ગટરના પાણીથી વેપારીઓ, વાહનચાલકો ત્રસ્ત

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માત્ર અંડરગ્રાઉન્ડ લાઇનમાં જેટીંગથી સફાઇ વખતે કામચલાઉ સમસ્યા હલ થયા પછી ફરી સર્જાતી હોવાની રાડ
  • વાર્ષિક બે કરોડના કોન્ટ્રાક્ટમાં એજન્સીને બે લાખની પેનલ્ટી પછી પણ કોઇ જ સુધાર નહીં

મહેસાણાના ગંજબજારના કસ્બા તરફના રોડમાં બીજા દરવાજા આગળ છેલ્લા એક મહિનાથી ગટરની કુંડીમાંથી ગંદા પાણી ઉભરાઇને જાહેર રસ્તામાં રેલાતા હોવાથી આસપાસની દુકાનોના વેપારીઓ તેમજ વાહનચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલી સર્જાઇ રહી છે. આવી જ સ્થિતિ છેલ્લા ત્રણ દિવસથી ભમ્મરીયા નાળામાં ગટરલાઇન ચોકઅપ થતાં ગંદા પાણી ભરાઇ રહેવાના કારણે આવન જાવન કરતાં વાહન ચાલકોના કપડા ગંદા પાણીના છાંટાથી બગડતા હોવાની બુમરાડ ઉડી છે.

નગરપાલિકાની એજન્સી ફરિયાદ આવે ત્યારે માત્ર જેટીંગ મારીને કામચલાઉ હલ કરી જાય છે પણ થોડાદિવસમાં ફરી સમસ્યા માથુ ઉચકતી હોઇ કાયમી સમસ્યા હલ કરવા માંગ ઉઠી છે.મહેસાણાના ગંજબજાર પાછળ અન્નપૂર્ણા શોપીંગ સેન્ટરના વેપારી નિલેશ ગાંધીએ ગુરુવારે ગટર ઉભરાવાની સમસ્યા અંગે નગરપાલિકામાં પ્રમુખને જાણકારી આપી હતી. વેપારીએ કહ્યું કે, ગંજ બજારથી કસ્બા તરફના વળાંક મુખ્ય માર્ગમાં જ ગટરની કુંડીથી છેલ્લા એક મહિનાથી ગંદા પાણી રોડ પર ફેલાઇ રહ્યા છે.

ગંદુ પાણી ભરાવાના કારણે આસપાસના દુકાનદારો અને લારીધારકોને મુશ્કેલીઓ સર્જાઇ રહી છે. શાકમાર્કેટ અને ગુર્જરી બજાર ભરાતું હોઇ મહિલાઓનો ખરીદીમાં ધસારો રહેતાં ગંદા પાણીમાંથી આવનજાવન કરવી પડી રહી છે.

મહેસાણામાં સિટી 1 અને 2માં આવેલી ગટર લાઇનોની સાફસફાઇ તેમજ પમ્પીંગ સ્ટેશનોની સફાઇ, નિભાવણી માટે નગરપાલિકા દ્વારા રૂ. એક- એક કરોડ મળીને કુલ રૂ. બે કરોડ કામગીરી માટે દરબાર વેસ્ટ સર્વિસ નામની એજન્સીને કોન્ટ્રાક્ટ આપેલો છે. આ એજન્સીને દોઢ મહિના પહેલા ગટર ઉભરાવાની, સફાઇ ન થવા મામલે બીલમાંથી રૂ. બે લાખની પાલિકાએ દોઢેક મહિના પહેલા પેનલ્ટી કરી હતી.

જોકે આ પેનલ્ટી પછી પણ ગટર ચોકઅપ, ઉભરાવાની સમસ્યા ઘટી નથી અને એજન્સીની કામગીરીમાં સુધારો આવ્યો ન હોવાની રાડ ઉઠી છે. શહેરમાં આ ઉપરાંત અંધેરી, ચેહરનગર, પરા પમ્પીંગ સહિતની ફરિયાદોનું હજુ નિવારણ આવ્યું ન હોઇ રહીશોની હાલાકીઓ યથાવત રહી છે. ત્યારે એજન્સી સામે ખાસ પગલા ન લેવાતાં કોના આશીર્વાદ કામ કરી રહ્યા છે તેને લઇને ચર્ચાઓ થવા લાગી છે.

અન્ય સમાચારો પણ છે...