16મો પદવીદાન સમારોહ:ગણપત યુનિ.ના વિદ્યાર્થીઓ 5મી જાન્યુઆરીએ ઉજ્જવળ ભવિષ્ય કંડારવા સજ્જ; 4176 વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

વિદ્યા દ્વારા સમાજના ઉત્કર્ષના ઉદ્દાત ધ્યેય સાથે જેની સ્થાપના થઇ છે તેવી ગણપત યુનીવર્સીટી તેનો 16મોં પદવીદાન સમારોહ અગામી તારીખ 5 જાન્યુઆરી 2023ના રોજ સાંજે 4 વાગ્યે યોજી રહી છે. મુખ્યત્વે શિક્ષણની વિવિધ સાતેક વિદ્યાશાખા દ્વારા 100થી પણ વધારે અભ્યાસક્રમો રજુ કરતી ગણપત યુનિવર્સીટીની શીખવવાની પદ્ધતિમાં Student First અને Character Mustના સિદ્ધાંતો કેન્દ્રમાં છે. કરુણા અને સંવેદનાના સદગુણો પણ વિદ્યાર્થીઓમાં ખીલે અને તેઓ સારા અને ઉત્તમ વિદ્યાકૌશલ્યો દ્વારા શ્રેષ્ઠ વ્યવસાયિકો તો બને જ પરંતુ સાથે સાથે GUNI મુઠ્ઠી ઊંચેરા માનવ પણ બને એ કોશિશ પણ મહત્ત્વની છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે
ગણપત યુનિવર્સીટીના 16માં પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને જેમના વરદ હસ્તે પદવી એનાયત થવાની છે એ મહાનુભાવોમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. રાજ્યના આરોગ્ય તેમજ ઉચ્ચ તકનીકી શિક્ષણના કેબીનેટ મંત્રી ઋષિકેશ પટેલ અતિથિ વિશેષ તરીકે હાજર રહેશે. ઉપરાંત ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર પ્રો. ડો. જયંત વ્યાસ વિશિષ્ટ મહેમાન તરીકે, અને સુરતની સુવિખ્યાત ડાયમંડ કંપની હરિકૃષ્ણ એક્સપોર્ટ પ્રા.લી. ના સ્થાપક-અધ્યક્ષ અને સમાજસેવક પદ્મ સવજી ધોળકિયા વિશેષ મહેમાન તરીકે અને ગણપત યુનિવર્સીટીના દાતા-અધિષ્ઠાતા-પ્રમુખ પદ્મ ગણપત પટેલ સમારોહના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેશે.

88 તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક દ્વારા સન્માનિત કરાશે
આ પદવીદાન સમારોહમાં બધા મળીને કુલ 4176 વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાની પદવીઓ એનાયત થશે. જેમાં 2957 વિદ્યાર્થીઓ તેમજ 1219 વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. 88 તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક દ્વારા સન્માનિત કરાશે, જેમાં 50 વિદ્યાર્થીઓ અને 38 વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. જેમણે પોતાના વિષયમાં ગહન અભ્યાસ કરી, કંઈક વિશેષ સંશોધન કરી, પોતાની પ્રતિભાને માંજી છે. એવા 1112 વિદ્યાર્થીઓને પીએચડીની પદવી એનાયત થશે.

વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત થશે
તમામ પદવીઓમાં પીએચડી કક્ષાના 28, પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાના 1112, પોસ્ટ ગ્રેજ્યુએટ પોસ્ટ ડીપ્લોમાં કક્ષાના 62, અન્ડર ગ્રેજ્યુએટ કક્ષાના 1745 અને ડીપ્લોમા કક્ષાના 1229 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ઉપરોક્ત સંખ્યાને ફેકલ્ટી-જ્ઞાનશાખાઓ પ્રમાણે જોઈએ તો એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજીના 1999, ફાર્મસીના 134, કોમ્પ્યુટર એપ્લીકેશનના 562, મેનેજમેન્ટ સ્ટડીઝના 446 આર્કિટેક્ચર ડીઝાઇન એન્ડ પ્લાનિંગના 20, સોશિઅલ સાયન્સ એન્ડ હ્યુમેનીટીઝના 63 તેમજ કોર સાયન્સના 952 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત થશે.

આમંત્રિત તમામ ઉપસ્થિત રહી સમારોહને સફળ બનાવશે
ગણપત યુનિવર્સીટીના 16માં પદવીદાન સમારોહમાં પદવી મેળવનાર વિદ્યાર્થીઓ, તેમનાં વાલીઓ, આમંત્રિત મહેમાનો, ગણપત યુનિવર્સીટીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સન્માનનીય સભ્યો, ટ્રસ્ટીઓ, વિદ્વાન પ્રાધ્યાપકો સહીત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી પદવીદાન સમારોહને સફળ અને સાર્થક બનાવશે.

અન્ય સમાચારો પણ છે...