મહેસાણાના બિલ્ડરના ખાતામાંથી ઓટીપી કે કોઈ લિંક પર ક્લિક કર્યા વગર જ ગઠિયાઓએ 30 મિનિટમાં 37 લાખ ટ્રાન્સફર કરી લીધા હોવાનું સામે આવ્યું છે. આ અંગે બિલ્ડરે મહેસાણા સાઈબર ટીમને ફરિયાદ કરી બેંક ખાતું ફ્રિઝ કરાવી દીધું હતું.
મહેસાણામાં રાધનપુર રોડ પર કૃષ્ણમ સ્કાય સિટીમાં રહેતા બિલ્ડર દુષ્યંતભાઈ પટેલ ઉર્વી કન્સ્ટ્રક્શન કંપની ચલાવે છે. 21 ડિસેમ્બરે દુષ્યંતભાઈ ઓફિસમાં બેઠા હતા, ત્યારે બપોરે તેમના મોબાઈલ પર મેસેજ આવ્યો કે તેમના કરંટ બેન્ક એકાઉન્ટમાંથી 10 લાખ રૂપિયા ઉપડ્યા છે. થોડી મિનિટો બાદ ફરી 10 લાખ રૂપિયા ઉપડી ગયાનો મેસેજ આવતાં દુષ્યંતભાઈ ICICI બેંકમાં દોડી ગયા હતા બરાબર તે જ ફરી મેસેજ આવ્યો જેમાં વધુ 7 લાખ રૂપિયા ઉપડી ગયા હોવાનું તેમને જાણવા મળ્યું હતું. જેથી તેમણે તુરંત જ તેમનું બેંક ખાતુ ફ્રિઝ કરાવ્યું હતું.
માત્ર 30 મિનિટમાં તેમના ખાતામાંથી રૂ.37 લાખ ઉપડ્યાની ઘટના બાદ તેમણે બેંક કર્મચારીઓએ તેમની સાથે સાયબર ફ્રોડની ફરિયાદ કરી હતી. આ સાથે સાયબર ક્રાઈમે તપાસ કરતા જાણવા મળ્યું કે તેમના ખાતામાંથી ઉપડી ગયેલા રૂ.37 લાખ ICICI બેંકના જ બે ખાતામાં ટ્રાન્સફર થયા હોવાનું બહાર આવ્યું હતું. દુષ્યંતભાઈની અરજીના આધારે મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસે ICICI બેન્કના બે અજાણ્યા ખાતાધારક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા સાઇબર ક્રાઇમે તાત્કાલિક અસરથી જે બે ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થયા હતા તે સીઝ કરી દીધા હતા.
15 મિનિટમાં અન્ય 5 બેંકોમાં પૈસા ટ્રાન્સફર
ઉપાડેલા રૂપિયા ICICI બેંકના બે ખાતામાં ટ્રાન્સફર કર્યા બાદ ઠગોએ માત્ર 15 મિનિટમાં જ પીએનબી અને આઇડીએફસી સહિતની 5 બેન્કોના 5 ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા તે તમામ ખાતાઓને પણ ફ્રિઝ કરવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.