બેદરકારી:આંબલિયાસણથી ચલુવા રોડ પર 3 વર્ષથી માત્ર મેટલ પાથરેલો છે ,વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન

આંબલિયાસણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એજન્સીએ રોડ બનાવવાનું કામ અભરાઈએ ચઢાવી દીધું

આંબલિયાસણ ગામથી ચલુવાને જોડતાં 3 કિ.મી રોડ પર ત્રણ વર્ષથી માત્ર મેટલ પાથરીને કામ બંધ કરાયું છે. અધિકારીઓની આળસના લીધે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાની ભોગવી રહ્યા છે. આંબલિયાસણથી ચલુવાંને જોડતો રોડ કાચો માટીનો હોવાથી અવરજવર માટે લોકોને સરળતા રહે તે માટે સ્થાનિક નેતાઓની વારંવારની રજૂઆતના પગલે પૂર્વ ના.મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા રોડ પાસ કરવામાં આવ્યો હતો અને આર.એન્ડ બી વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા હેઠળ મહેસાણા વિભાગના આર.એન્ડ બી ( પંચાયત ) દ્વારા ઓકટોબર 2017માં 6 માસની સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવાનો વર્ક ઓર્ડર જે-તે એજન્સીને આપવામાં આવ્યો હતો.

જેમાં માટીનું લેવલ કરીને મેટલ કામ કરવામાં આવ્યું હતું. જે કામને ૩ વર્ષથી વધુ સમયથી કામ બંધ હાલતમાં પડી રહ્યું હોવાથી મેટલ પર માટીના ઢગલા જામી ગયા છે. ત્યારે સ્થાનિક મણીલાલ મકવાણા સહિતના ગ્રામજનોએ જણાવ્યું હતું કે રોડ પર પાથરેલા મેટલના લીધે અહીંથી પસાર થતાં વાહન ચાલકો અને ખેતરમાં જતા લોકો અવરજવર કરવામાં ભારે તકલીફ ભોગવવી રહયા છે અને અધૂરું મૂકી દેવામાં આવતા લોકોના ખેતરના શેઢા પણ ખુલ્લા પડી રહ્યા છે. જેના લીધે પશુઓ ખેતરમાં ઘૂસી જાય છે આમ ત્રણ વર્ષથી કોઈ પણ પ્રકારના કારણ વગર એજન્સી દ્વારા રોડનું કામ બંધ કરી દેવામાં આવતા સ્થાનીકોએ તંત્ર સામે રોષની લાગણી વ્યક્ત કરી છે. રસ્તાનું બાકી રહેલ ડામર કામ માટે તંત્રના જવાબદાર અધિકારીઓ આળસ ખંખેરીને કામ જલ્દી પૂર્ણ કરાવે તેવી માંગ પ્રવતી રહી છે.

અન્ય સમાચારો પણ છે...