તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:એફડીના બદલે વીમા પૉલિસી પકડાવી 1 કરોડની ઠગાઇ

મહેસાણા/જોટાણા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જોટાણા, મેમદપુર, જાકાસણા, ચાલાસણ સહિતના ગામોના 19 વ્યક્તિઓ છેતરાયાનું સાંથલ પોલીસની તપાસમાં ખૂલતાં 2 સામે ઠગાઇનો ગુનો
  • મહેસાણા કોર્ટે બંનેને શરતોને આધિન જામીન પર મુક્ત કર્યા
  • જોટાણાની બેંક ઓફ બરોડા શાખાના મેનેજર અને વીમા કંપનીના કર્મચારીની ધરપકડ

બેંક ઓફ બરોડા જોટાણા શાખાના મેનેજર સાથે મળીને ઇન્ડિયા ફર્સ્ટ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીના કર્મચારીએ 9 ટકા વ્યાજ અને ગમે ત્યારે નાણાં ઉપાડવાનું કહી જાકાસણા ગામના નિવૃત આચાર્ય સહિત 19 વ્યક્તિઓ સાથે 1 કરોડથી વધુ રકમની છેતરપિંડી આચર્યાનો ગુનો સાંથલ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. પોલીસે બેંક મેનેજર હિમાંશુ રાકેશભાઇ મકવાણા (રહે. જીઇબી મહેસાણા) અને ઇન્સ્યોરન્સ કંપનીના કર્મચારી હિમાંશુ બાબુભાઇ મકવાણા (રહે.નંદાસણ, મૂળ વડોસણ)ની ધરપકડ કરી બુધવારે મહેસાણા કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં તેમને શરતોને આધિન જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

જાકાસણા ગામના નિવૃત આચાર્ય આત્મારામ મણિલાલ પટેલ ગત 22 નવેમ્બર, 2019માં બેંક ઓફ બરોડાની જોટાણા શાખામાં રૂ. 1 લાખ ડિપોઝિટ કરાવવા ગયા ત્યારે હાજર બેંક મેનેજર હિમાંશુ રાકેશભાઇ મકવાણાએ તમે પૈસા એફડી કરાવો તેના કરતાં તમને વધુ વ્યાજ મળે અને જોઇએ ત્યારે નાણાં પરત મળી જશે તેવી વાત કરી બેંકમાં જ બેસતા ઇન્ડીયા ફર્સ્ટ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીના કર્મચારી હિમાંશુ બાબુભાઇ મકવાણાનો સંપર્ક કરાવ્યો હતો. ત્યાર બાદ હિમાંશુ મકવાણાએ તેમની પાસેથી લીધેલા દસ્તાવેજોને આધારે રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોવાનુ કહી વ્યાજ સાથે રકમ મળવાની વાત કરી હતી.

ત્યાર બાદ 15 દિવસ પછી નિવૃત આચાર્યના ઘરે આ ઇન્સ્યોરન્સ કંપનીએ ગેરંટેંડ ફર્સ્ટ લાઇફ પ્લાન લીધા અંગેની પોલીસી બુક મોકલી આપી હતી અને તેમાં મૂળ રકમ જેટલું જ વાર્ષિક પ્રિમિયમ 5 વર્ષ સુધી ભરવાનું લખાણ જોઇ તેઓ ચોંકી ગયા હતા. તેઓ તુરંત બેંકમાં પહોંચી મેનેજર હિમાંશુભાઇ અને ઇન્સ્યોરન્સ કર્મચારી હિમાંશુ મકવાણાને મળતાં તેમણે એફડીમાં કોઇ રકમ ભરવાની નથી અને તમને તમારા પૈસા વ્યાજ સાથે પરત મળી જશે અમે બેઠા છીએ તેમ કહીને વિદાય કર્યા હતા.

જોકે, આત્મારામભાઇએ કરેલી તપાસમાં બેંક મેનેજર અને ઇન્સ્યોરન્સ કર્મચારીએ પોલીસી પ્લાન આપવાનો ટાર્ગેટ પૂરો કરવા પૈસાનું રોકાણ ઇન્ડીયા ફર્સ્ટના પોલીસી પ્લાનમાં કરાવી છેતરપિંડી આચર્યાનું ખુલ્યું હતું અને તેને આધારે તેમણે સાંથલ પોલીસ સ્ટેશનમાં હિમાંશુ રાકેશભાઇ મકવાણા અને હિમાંશુ બાબુભાઇ મકવાણા સામે છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો.

ગ્રાહકોના નાણાં એફડીના બદલે 5થી 7 વર્ષની જીવનવીમા, પેન્શન વીમા જેવી યોજનામાં લગાવ્યા

19 લોકોનાં નાણાં ફસાયાં, રૂ.1 કરોડથી વધુની છેતરપિંડી ખુલી
ચાલાસણ ગામના એક અરજદારના રૂ.40 લાખ અને બીજાના રૂ.46 લાખની સાથે જોટાણાના અન્ય ખેડૂતો મળી કુલ 19 ગ્રાહકો પાસેથી એફડીના બહાને નાણાં લઇ ઇન્સ્યોરન્સ કંપનીમાં પોલીસી લઇ છેતરપિંડી કરવા અંગે ડિસેમ્બર મહિનામાં સાંથલ પોલીસને અરજી મળી હતી. આ અનુસંધાને તપાસ ચાલુ હતી અને તપાસમાં રૂ.1 કરોડથી વધુની છેતરપિંડી ખુલતાં જવાબદાર બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી છે.> મનોજ રાઠોડ,પીએસઆઇ સાંથલ

એક વખત નાણાં ભરવાનું કહ્યું હતું, પણ વીમા કંપનીએ બાકી હપ્તાના નાણાંની ઉઘરાણી કરતાં છેતરપિંડી ખુલ્લી પડી ગઇ
ઇન્સ્યોરન્સ કંપનીના હિમાંશુ બાબુભાઇ મકવાણાએ એક વખત નાણાં ભર્યા બાદ ત્રણ વર્ષ બાદ 9 ટકા વ્યાજ સાથે નાણાં પરત મળવાની અને ત્રણ વર્ષ બાદ નાણાં ઉપાડી શકાય તેવી છેતરામણી વાતો કરી હતી. પરંતુ એક વર્ષ બાદ જ્યારે ઇન્સ્યોરન્સ કંપનીએ હપ્તાની રકમની ઉઘરાણી કરી મૂળ રકમનો હપ્તો પ્રતિ વર્ષ ભરવાનું કહેતાં છેતરાયેલા અરજદારો પોલીસ મથક પહોંચ્યા હતા.

કમિશન અને ટાર્ગેટ પૂરો કરવા કૌભાંડ,મેનેજર ગ્રાહકો આપતો હતો
બેંક ઓફ બરોડાની જોટાણા શાખાનો મેનેજર હિમાંશુ રાકેશભાઇ મકવાણા બેંકમાં નાણાંની ડિપોઝિટ માટે આવતા ગ્રાહકોને નિશાન બનાવતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યુ છે. તે ગ્રાહકોને વધુ વ્યાજ અપાવવાની લાલચ આપી ઇન્ડિયા ફર્સ્ટ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીના કર્મચારી હિમાંશુ બાબુભાઇ મકવાણાનો સંપર્ક કરાવતો હતો અને બંને ભેગા મળી કમિશન અને ટાર્ગેટ પૂરો કરવા કૌભાંડ આચરતા હતા. ઉલ્લેખનીય છે કે,ગ્રાહકોને હકીકત ધ્યાનમાં આવતા ગત ડિસેમ્બરમાં બેંકમાં હોબાળો મચાવ્યો હતો અને સાંથલ પોલીસ મથકમાં બેન્ક મેનેજર અને વીમા એજન્ટ વિરુદ્ધ પગલાં લેવા અરજી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...