મહેસાણા જિલ્લાના લોકોને વિદેશમાં જવાની ઘેલસા મોંઘી પડી રહી છે. ત્યારે મહેસાણા જિલ્લાના 4 યુવકોને અમેરિકા જવું મોંઘું પડી ગયું છે. IELTS પરીક્ષામાં સેટિંગ કરી 4 યુવકો અમેરિકા પહોંચી તો ગયા પણ ઘૂસણ ખોરી કરતા અમેરિકા પોલીસે ચાર યુવકોને દબોચી લીધા. આ મામલે મુંબઇ એમ્બેસીએ મહેસાણા SPને તપાસ માટે જાણ કરતા IELTS કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. મહેસાણાની GIDCમાં આ 4 યુવાનોને અમેરિકા પહોંચાડવાના ખેલ ઘડાયો હતો. એજન્ટે યુવાન દીઠ રૂ. 21 લાખ લીધા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
અંગ્રેજી ના આવડતું હોવા છતાં 4 યુવક અમેરિકા પહોંચ્યા
ગુજરાતીઓની વિદેશ જવાની લાલચ એટલી વધી ગઈ છે કે, હવે ત્યાં પહોંચવા માટે ગમે તે કરવા તૈયાર હોય છે. વિદેશ જવુ હવે સપનુ નહીં પણ કૌભાંડ અને ક્રાઈમ બની ગયુ છે. લોકો ગમે તે હદ સુધી ક્રાઈમ કરવા તૈયાર હોય છે.નવસારીના સેન્ટરમાં પરીક્ષા અપાવીને IELTSમાં 8 બેન્ડ મેળવી મહેસાણાના 4 યુવાનોને અમેરિકા મોકલવાનું કૌભાંડ સામે આવ્યું છે. મહેસાણાના માંકણજના ધ્રુવ રસિકભાઈ પટેલ, ધામણવાના નીલ અલ્પેશકુમાર પટેલ, જોટાણાના ઉર્વીશ શૈલેષભાઈ પટેલ અને સાંગણપુરના સાવન રાજેન્દ્રકુમાર પટેલ સામે તપાસ હાથ ધરાઇ છે.
કેનેડાથી અમેરિકાની જતા સમયે નદીમાં નાવ પલટી
ભારતથી કેનેડા અને અમેરિકા જવા માટે હવે ભારતીયો ગેરકાયદે રસ્તો અપનાવવા લાગ્યા છે. વિદેશ જવા માટે IELTSની પરીક્ષા આપવી જરૂરી છે, અને તેમાં 4 બેન્ડ લાવવા પણ જરૂરી છે. અંગેજી લખી-વાંચી-બોલી ન શક્તા પટેલ યુવકોએ મોટા તિકડમ કરીને IELTSમાં 8 બેન્ડ લાવી દીધા અને કેનેડા પહોંચી ગયા. જ્યાંથી ગત 28 એપ્રિલ 2022ના રોજ કેનેડાથી અમેરિકાની બોર્ડર વચ્ચે આવેલી સેન્ટ રેઝીસ નામની નદીમાં બોટ મારફતે હાડ થીજવતી ઠંડીમાં અમેરિકામાં ઘૂસવાની તૈયારી કરી રહ્યા હતા. બોટ પાણીમાં ડૂબતી હોઇ યુએસએ પોલીસે રેસ્ક્યુ કરી બચાવી લીધા હતા.
કોર્ટમાં અંગ્રેજીમાં જવાબ ન આપી શકતા ભાંડો ફૂટ્યો
યુવકો બોટ ડૂબવા લાગતા અમેરિકાની લોકલ પોલીસ તેઓને બચાવી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટ કાર્યવાહી દરમિયાન આ ચારેય યુવકોને અંગ્રેજીમાં સવાલ જવાબ કરતા યુવકોને પરસેવો વળી ગયો હતો. બાદમાં ટ્રાન્સલેટરને બોલાવી યુવકોને સવાલ જવાબ કરાવ્યા હતા જેથી સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો.
મુંબઈ એમ્બેસીએ આ મામલે મહેસાણા SPને તપાસ કરવા જાણ કરી
અમેરિકન સરકાર અને એમ્બેસીએ આ અંગે પત્ર લખીને મુંબઈ એમ્બેસીને જાણ કરી હતી. એજન્સીના ક્રિમિનલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસરે ગત 23 મે 2022ના રોજ મહેસાણા જિલ્લા પોલીસવડાને આ અંગે પત્ર લખ્યો હતો. જેના બાદ મુંબઈ એમ્બેસીના પત્રના આધારે જિલ્લા પોલીસવડાએ મહેસાણા એસઓજીને તપાસ સોંપી છે.
નવસારીમાં પરીક્ષા આપી હતી
પોલીસ તપાસમાં જાણવા મળ્યુ કે, આ ચારેય યુવકોએ નવસારીનું સેન્ટર પસંદ કર્યું હતું. અમદાવાદના સાબમરતી વિસ્તારમાં આવેલા પ્લેનેટ એ.ડી.યુ નામની સંસ્થામાં એડમિશન કરવામાં આવ્યું હતું. અમદાવાદની આ સંસ્થામાંથી આ ચારેય યુવકોને નવસારી IELTSની પરીક્ષા આપવા મોકલવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન 2 એજન્ટના નામ સામે આવ્યા
મહેસાણા એસઓજી પીઆઈ ભાવેશ રાઠોડ જાણવ્યું કે, તપાસ દરમિયાન એજન્ટ ચેતન પટેલ અને જીગર પટેલનુ નામ સામે આવ્યું છે. તેમણે નિવેદન આપ્યું છે કે, છેલ્લા દોઢ વર્ષથી મહેસાણા GIDCમાં પ્લોટ ન. 222 નીલમ સીરામીકની ઓફિસમાં બેસી આ કામ કરે છે. ત્યારે આ મામલે નીલમ સીરામીક દુકાનમાં મલિક મહેશ પટેલે જણાવ્યું હતું કે, મારી દુકાનમાં આવું કાઈ કામ થયું નથી તેમજ આ બે વ્યક્તિઓને હું જાણતો પણ નથી તેમજ મારી દુકાનનું ખોટું નામ આપવા બદલ હું આ મામલે પોલીસમાં પણ જાણ કરીશ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ કેસમાં જ્યાં પરીક્ષા લેવામાં આવી હતી ત્યાં ફેકલ્ટીના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અમુક સ્ટૂડન્ટ એવા હોય છે, જેમને સપ્લિમેન્ટરી આપવામાં આવે છે. તેમાં તેઓ સપ્લિમેન્ટરીના આગળના ભાગે તમામ વિગતો વ્યવસ્થિત ભરી દેતા હોય છે જ્યારે અંદરના પાને જે આવડે તે લખે છે અથવા લીટા કરી દે છે. આવા પરિક્ષાર્થી પાસ થઇ શકે નહીં.
એજન્ટ એક વ્યક્તિ દીઠ 21 લાખ લેતા
આ કેસમાં પોલીસ દ્વારા એવું પણ જાણવા મળ્યું કે, એજન્ટ એક વ્યક્તિ દીઠ રૂ. 21 લાખ રૂપિયા ફાઇલ રજીસ્ટ્રેશન કરાવવાના લેતા જેમાં કોલેજ ફી, ટીકીટ ફી બધું આવી જતું. આ કેસમાં મહેસાણાના બે એજન્ટ સાથે ગાંધીનગરના અમિત ચૌધરી નામના વ્યક્તિનું પણ નામ સામે આવ્યું છે. એસોજીની પૂછપરછ દરમિયાન અમિત ચૌધરીને છોડાવવા મંત્રી દ્વારા ભલામણ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે આ કેસમાં મહેસાણા એસઓજી ટીમ ટૂંક સમયમાં મોટા ધુરંધરોને પૂછપરછ માટે લાવી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.