મહેસાણાની રાધનપુર ચોકડી નજીક આવેલા બાળ રિમાન્ડ હોમમાં બીડી પી રહેલા ચાર હત્યાના આરોપીઓને ગાર્ડે ના પાડી અધિકારીને ફોન કરતાં તેમની પર હુમલો કરી માર માર્યો હતો. બી ડિવિઝન પોલીસે ચાર બાળ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચારેય આરોપી હત્યાના ગુનામાં સંડોવાયેલા છે.
વડનગર તાલુકાના છાબલીયા ગામના વિક્રમસિંહ મણાજી ઠાકોર બાળ ઓબ્ઝર્વેશન હોમમાં જીઆઇએસએફના સિક્યુરિટી જવાન તરીકે ફરજ બજાવે છે. રવિવારે રાત્રે જમવાનું પૂરું થયા બાદ વિક્રમજી બાળકિશોરોને રૂમમાં મૂકવા ગયા, તે સમયે રાહુલ દંતાણી સહિતના ચાર કિશોરો ત્રીજા માળે ભેગા થઈ બીડી પીતા હતા.
વિક્રમસિંહે તેમને બીડી પીવાની ના પાડતાં તમારે જેને કહેવું હોય તેને કહી દો તેમ કહેતાં તેમણે અધિકારીને ફોન કર્યો હતો. આથી સાહેબને કેમ ફોન કર્યો કહી ચારે જણાએ વિક્રમસિંહને ગડદાપાટુનો માર માર્યો હતો. અન્ય સિક્યુરિટી ગાર્ડે આવી તેમને વધુ મારથી બચાવી સિવિલમાં સારવાર અર્થે લાવ્યા હતા.
બનાવ અંગે વિક્રમસિંહે હુમલો કરનાર રાહુલ દંતાણી, ભાર્ગવ સુરતી, અર્જુન કથીરિયા અને વિજય ઉર્ફે વિકિ દંતાણી નામના બાળ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતાં બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ અહીં બાળ આરોપીઓ દ્વારા અધિક્ષક અને સિક્યુરિટી ગાર્ડ સાથે મારામારી કરી હોવાની ઘટનાઓ બની ચૂકી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.