ગ્રામ પંચાયત ચૂંટણી:જોરણંગમાં પૂર્વ સરપંચના ભાભી સરપંચમાં ચૂંટાયાં, નુગરમાં મહિલા સરપંચના પતિ હાર્યા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાખવડ ગ્રામ પંચાયતમાં એક જ પરિવાના 25 વર્ષથી શાસનનો અંત આવ્યો

નુગરમાં મહિલા સરપંચના પતિની 232 મતથી હાર
મહેસાણા તાલુકાના જોરણંગ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહિલા સરપંચ માં ચાર ઉમેદવારો વચ્ચે જંગ હતો. જેમાં ગીતાબેન પ્રજાપતિએ 1499 મત મેળવ્યા હતા, હરીફ સુધાબેન પટેલ કરતા 567 વધુ મેળવીને ઞીતાબેન પ્રજાપતિ જોરણંગ ના સરપંચ વિજેતા થયા છે. જોરણંગ ગામની ગત ટર્મની ચૂંટણીમાં સરપંચ તરીકે તેમના દિયર પ્રકાશભાઈ પ્રજાપતિ ચૂંટાઈને આવ્યા હતા,હવે તેમના ભાભી ગીતાબેન પ્રજાપતિ આ વખતની ચૂંટણીમાં સરપંચ પદનું સુકાન સંભાળશે. જ્યારે મહેસાણા તાલુકાના નુગરમાં પૂર્વ મહિલા સરપંચના પતિ ગોવિંદભાઈ પટેલને 740 મત મળ્યા છે જ્યારે ગોવિંદ ઠાકોર ને 972 મત મળ્યા છે. પૂર્વ મહિલા સરપંચના પતિ ગોવિંદભાઈ પટેલની 232 મત થી સરપંચની ચૂંટણીમાં હાર થઈ છે.

તળેટીમાં પૂર્વ મહિલા સરપંચના પતિની 38 મતે હાર
મહેસાણા તાલુકાની તળેટી ગ્રામ પંચાયતમાં ગત ટર્મમાં મહિલા સરપંચ રહેલા પીનાબેન પટેલના પતિ હરેશ પટેલ આ વખતની સરપંચની ચૂંટણીમાં હારી ગયા છે. તેમના હરીફ ઉમેદવાર મુકેશ પટેલની 38 મતે જીત થઇ છે. મુકેશ પટેલને 497 અને હરેશ પટેલને 459 મત મળ્યા હતા.

લાખવડમાં પિતા સરપંચની અને પુત્ર વોર્ડની ચૂંટણી હાર્યો
મહેસાણા તાલુકાની લાખવડ ગ્રામ પંચાયતમાં પ્રહલાદભાઇ પટેલ અને તેમની પત્નીએ 4 ટર્મ સરપંચપદે સુકાન સંભાળ્યું છે. આ પહેલા તેમના પિતા સરપંચપદે ચૂંટાયેલા છે. એક જ પરિવારનું 25 વર્ષથી પંચાયતમાં શાસન હતું. પ્રહલાદભાઇને આ વખતની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. હરીફ રમેશજી ઠાકોર 70 જેટલા વધુ મત મેળવી સરપંચપદે ચૂંટાઇ આવ્યા છે. પ્રહલાદભાઇ અગાઉ મહેસાણા તાલુકા ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. જ્યારે તેમના પુત્ર નરેશભાઇ પટેલ વોર્ડની ચૂંટણીમાં હારી ગયા છે.

કાંસા એનએના વોર્ડ-16માં રિકાઉન્ટ બાદ એક મતે જીત
વિસનગરની કાંસા એનએ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ-16માં રણજીતભાઇ નારાયણભાઇ બારોટ, મનોજકુમાર દિલીપસિંહ બારોટ સહિત ચાર ઉમેદવારો હતા. રણજીતભાઇને 246 અને મનોજકુમારને 245 મત મળતાં રણજીતભાઇને વિજેતા જાહેર કર્યા હતા. મનોજકુમારે રિકાઉન્ટીંગની માંગણી કરતાં પુન: મત ગણતરી હાથ ધરાતાં રણજીતભાઇમાંથી એક મતપત્રક ફાટેલું હોઇ તેને અમાન્ય ગણતાં બંનેના સરખા 245 મત થયા હતા. મનોજભાઇના મતપત્રકોની ગણતરીમાં એક મતપત્રકમાં અંગૂઠો મારેલો હોઇ તેને અમાન્ય ગણતાં 244 મત થતાં રણજીતભાઇને રિકાઉન્ટીંગ બાદ પણ એક મતે વિજેતા જાહેર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...