ચુકાદો:ઘી ભેળસેળ કેસમાં દૂધસાગર ડેરીના પૂર્વ એમડી નિશીથ બક્ષીને રૂ.25,000 દંડ

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જુલાઇ 2020માં ફૂડ વિભાગે લીધેલા ઘીના 145 સબ સ્ટાન્ડર્ડ નમૂના પૈકી એક કેસનો ચુકાદો આવ્યો, હજુ 144 કેસ ચાલવા પર

મહેસાણા દૂધસાગર ડેરીમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ 15 મહિના પહેલાં રેડ કરી ઘીના મેળવેલા 146 નમૂના પૈકી 145નું પરિણામ સબ સ્ટાન્ડર્ડ (ભેળસેળ) આવતાં 145 કેસ નિવાસી અધિક કલેકટરની કોર્ટમાં દાખલ કરાયા હતા. જે પૈકી એક કેસ ચાલી જતાં તેમાં ડેરીના તત્કાલિન એમડી નોમિની અધિકારી નિશિથ બક્ષી સામે ગુનો સાબિત થતાં રૂ.25 હજાર દંડ ફટકારતો હુકમ કરાયો છે.

ફૂડ વિભાગ મહેસાણાના ડેઝીગ્નેટેડ ઓફિસર બી.એમ. ગણાવા દ્વારા વર્ષ 2020માં તા.21 થી 23 દરમિયાન દૂધસાગર ડેરીમાં કુલ 25 ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમ સાથે રેડ કરાઇ હતી. જેમાં અમૂલ અને સાગર બ્રાન્ડની જુદી જુદી બેચના ઘીના 146 નમૂના લઈ ફૂડ લેબ વડોદરા મોકલ્યા હતા. જેમાંથી 145 નમૂનાનું પરિણામ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયું હતું અને નમૂનામાં Acetylated mono.and Diglycerideની ભેળસેળ મળી આવી હતી. જ્યારે માત્ર એક નમૂનો પાસ જાહેર થયો હતો.

દૂધસાગર ડેરી સામે કુલ 145 કેસ એડજ્યુડીકેટિંગ ઓફિસર અને રેસિડેન્સિયલ એડિશનલ કલેક્ટરની કોર્ટમાં દાખલ કરાયા હતા. તે પૈકી ફરિયાદી ટી.એચ. પટેલ ફૂડ સેફ્ટી ઓફિસરનો એક કેસ ચાલી જતાં 31 ડિસેમ્બરે ચુકાદો જાહેર થતાં દૂધસાગર ડેરીના નોમિની એમડી નિશિથ બક્ષી સામે ગુનો સાબિત થતાં તેમને રૂ.25 હજાર દંડ ભરવા હુકમ કર્યો છે. આ રેડ અન્વયેના 144 કેસ હજી ચાલવા પર છે. ફૂડ એન્ડ ડ્રગ્સના ડેઝીગ્નેટેડ ઓફિસર બી.એમ. ગણાવાએ કહ્યું કે, ઘીના 145 નમૂનાના લેબ પરીક્ષણમાં પરિણામ સબ સ્ટાન્ડર્ડ એટલે કે નક્કી કરેલા ધોરણો મુજબનું ન હોવાનું આવ્યું હતું. એક નમૂનો પાસ થયો છે. કેસનો ચુકાદો આવ્યો છે, 144 ટ્રાયલમાં છે.

અન્ય સમાચારો પણ છે...