કમોસમી વરસાદ:સતત ત્રીજા વર્ષે નવેમ્બરમાં માવઠાંએ ખેડૂતોને રડાવ્યા

મહેસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કમોસમી વરસાદથી ખેતીપાક સંકટમાં, શક્ય હોય તો ઉભા પાકમાં પિયત આપવાનું ટાળવા તંત્રની તાકીદ

અરબી સમુદ્રમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ અને સાયકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે બુધવારે ઉત્તર ગુજરાત સહિત રાજ્યનું વાતાવરણ વાદળછાયું બન્યું હતું. જેના કારણે શુક્રવાર સવારથી વરસાદી માહોલ બંધાયો હતો. સાંજે 6 વાગ્યા સુધીમાં ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક માવઠું થયું હતું. જેમાં સૌથી વધુ ઇડરમાં 2.64 ઇંચ, વડાલીમાં 2.40 ઇંચ અને ખેરાલુમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ઉલ્લેખનીય છે કે, સતત ત્રીજા વર્ષે નવેમ્બર મહિનામાં માવઠું થયું હતું.અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા ગુરુવારે પલટાયેલા વાતાવરણમાં મહેસાણા સહિત ઉ.ગુ.માં માવઠું થતાં પાકમાં પારાવાર નુકસાન થયું છે.ઇંટ ભઠ્ઠામાં પાણી ભરાતાં મોટાપાયે નુકશાન વેઠવુ પડ્યુ છે.

ગુરુવારે સવારે 6 થી સાંજે 4 સુધીમાં મહેસાણા જિલ્લામાં ખેરાલુમાં બે ઇંચ, સતલાસણામાં પોણા બે ઇંચ, ઊંઝા અને બહુચરાજીમાં એક ઇંચ તેમજ મહેસાણા સહિત અન્ય તાલુકાઓમાં અડધા ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.જ્યારે લગ્ન સરામાં એકાએક વરસાદથી જાનૈયાઓનો ઉત્સાહ ઓસર્યો હતો,મહેસાણા, વડનગર સહિતના શહેરોમાં બપોરે ભોજન સમારોહ ટાંણે જ વરસાદ ખાબકતાં પાર્ટીપ્લોટો, સમાજના હોલમાં આવનજાવનમાં લોકો ભીંજાયા હતા.મંડપ પલળી જતાં આયોજકોની મુશ્કેલી વધી ગઈ હતી.

મહેસાણા શહેર સહિત જિલ્લામાં ગુરુવારે સવારે 7 વાગ્યાથી ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા.દિવસ દરમ્યાન અવારનવાર વરસાદી ઝાપટાથી ચોમાસા જેવી સ્થિતિ નિચાણના રસ્તાઓમાં પાણી ભરાવાની સર્જાઇ હતી. મહેસાણા, બહુચરાજી સહિતના પંથકમાં ગત ચોમાસામાં સતત પડેલા વરસાદના કારણે ખરીફ પાકો નિષ્ફળ ગયા હતા જેની હતાશામાંથી ખેડૂતો હજી બહાર આવ્યા નથી ત્યાં કમોસમી વરસાદ થતાં ખેડૂતોની હાલત દયનિય બની ગઇ છે.બહુચરાજીમાં સવારે વરસાદના કારણે માર્કેટયાર્ડમાં હરાજી કામ બંધ રખાયુ હતું. જ્યારે મહેસાણા માર્કેટયાર્ડમાં પણ ખુલ્લામાં પડી રહેલી બોરીઓ પલળી જતાં નુકસાન થયુ હતુ.

ઉત્તર ગુજરાતમાં 24 કલાક સૌથી ઠંડા રહ્યા
દિવસ દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 90% ની આસપાસ રહ્યું હતું. સરેરાશ 3 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા દિવસનું તાપમાનમાં 7 થી 8 ડિગ્રી ઘટતા મુખ્ય 5 શહેરનું દિવસનું તાપમાન 22.7 થી 23.3 ડિગ્રીની વચ્ચે હતું. બીજી બાજુ લઘુત્તમ તાપમાનમાં સાડા 5 ડિગ્રી વધી જતાં પાંચેય શહેરમાં ઠંડીનો પારો 21 થી 22 ડિગ્રીની વચ્ચે નોંધાયો હતો. દિવસ અને રાતના તાપમાનમાં નજીવા અંતરના કારણે 24 કલાક વાતાવરણ ઠંડુગાર રહ્યું હતું.

વર્ષ 2019ના નવેમ્બર માસમાં બે વખત કમોસમી વરસાદ થયો હતો
ડીસા હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વર્ષ 2019ના નવેમ્બરમાં 3 તારીખે 30.4 મીમી અને 12 તારીખે 10.2 મીમી વરસાદ પડ્યો હતો.

રવિપાકનું વાવેતર ચાલુ હોવાથી પાકોને નુકસાનની શક્યતા નહિવત: તંત્ર
જિલ્લા ખેતીવાડી અધિકારી ભાવેશભાઈ જોષીએ કહ્યુ કે, જિલ્લામાં 38 હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર થયુ છે. રાયડો અને ઘઉંનુ વાવેતર ચાલુ છે. જ્યારે એરંડા અને કપાસના પાકમાં નુકસાન નહિવત છે. જીરૂ અને વરીયાળી જેવા પાકમાં ભેજના કારણે ફૂગજન્ય રોગ થવાની શક્યતા છે વરસાદ બંધ થયા પછી ઉઘાડ નીકળે ત્યારે ફૂગનાશકોનો ઉપયોગ કરી શકાય છે.

ઉ.ગુ.માં મધ્યમ વરસાદ પડવાની સંભાવના
શુક્રવારે પણ હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. વરસાદ પડવાના કારણે 48 કલાક એટલે કે બે દિવસ પછી રૂટીન તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતાએ ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. ગુરૂવારે મહત્તમ તાપમાનમાં 7.6 ડિગ્રી સેલ્સિયસ ઘટાડો થઈને 22.7 ડિગ્રી સેલ્સિયસ અ્ને લઘુત્તમ તાપમાનમાં 5.5 ડિગ્રી સેલ્સિયસ વધારો થઈને 21.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ. વાતાવરણમાં 63 ટકાથી 91 ટકા ભેજનું પ્રમાણ નોંધાયુ હતુ.

વરસાદથી ઉભા ખેતીપાકોમાં નુકસાન : ખેડૂત
ખારા ગામના ખેડૂત કિર્તીભાઇ ચૌધરીએ કહ્યુ કે, એરંડામાં દાણા બેસવાના સમયે ઠંડા પવન સાથે વરસાદ પડતાં માળ ખરી પડી છે.માવઠાથી એરંડામાં ભારે નુકશાન થયુ છે. લચકો ટુંટવાઇ પડ્યો છે. ખેડૂત આગેવાન છનાજી ઠાકોરે કહ્યુ કે,સતલાસણા, ખેરાલુ,મહેસાણા વગેરે પટ્ટામાં જ્યાં પહેલા તબક્કામાં તમાકુ વાવેતર થયેલુ છે ત્યાં કમોસમી વરસાદથી નુકશાન થયુ છે.એરંડા, વરીયાળી પાક પવનના કારણે નમી પડતા નુકશાન થયુ છે. વિજાપુરમાં મગફળી તેમજ બટાકાના રહેલા વાવેતર સાથેના પાકોમાં નુકસાન થવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી હતી.

આગાહી: 3 દિવસ આ પ્રકારે વાતાવરણ રહેશે

  • તા.19 :- વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉત્તર ગુજરાતના 26% થી 50% વિસ્તારમાં હળવા વરસાદની શકયતા રહેશે.
  • તા.20 :- સામાન્ય વાદળછાયું વાતાવરણ રહેશે. માવઠાની શકયતા ના બરાબર રહેશે. સવારે ગાઢ ધૂમમ્સ રહેશે.
  • તા.21 થી વાતાવરણ સામાન્ય થશે. લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો આવતા ફરી હાડ થીજાવતી ઠંડીની શરૂઆત થશે
તાલુકા દીઠ વરસાદ સવારે 6 થી સાંજના 6 સુધી (મી.મી)
તાલુકોમી.મી
ખેરાલુ52
સતલાસણા40
ઊંઝા28
વડનગર25
બહુચરાજી21
કડી17
મહેસાણા13
વિસનગર13
જોટાણા6
વિજાપુર5
અન્ય સમાચારો પણ છે...